નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે કેજરીવાલે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે વધારવાની અપીલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ તેમની અરજી સ્વીકારી ન હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીનની મુદત 7 દિવસ વધારવાની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
રજિસ્ટ્રીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. આનો સ્પષ્ટ અર્થ છે કે કેજરીવાલે 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ તેમની વચગાળાની જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરી હતી.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, સીએમ કેજરીવાલને પીઈટી-સીટી સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો.
દેશ માટે લોકસભાની ચૂંટણી મહત્વપૂર્ણઃ જસ્ટિસ ખન્ના
ગઈ તા. 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે વચગાળાના જામીનનો આદેશ આપતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. આ દેશની સરકાર આગામી 5 વર્ષ માટે તમારો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. તેના મહત્વને જોતાં, જામીન આપવાથી રાજકારણીઓને આ દેશના સામાન્ય નાગરિકોની સરખામણીમાં ફાયદાકારક સ્થિતિમાં હોવાનો લાભ મળશે તેવી ફરિયાદ પક્ષની દલીલ ફગાવી દેવામાં આવે છે.
સીએમ કેજરીવાલ 21 માર્ચથી જેલમાં હતા
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તે કૌભાંડનો મુખ્ય કાવતરાખોર હતો અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલો હતો. આ આરોપોને ફગાવી દેનાર AAP કહે છે કે દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.