નવી દિલ્હીઃ NEET પેપર લીકની તપાસ CBIને સોંપવામાં આવી છે. ત્યારપછી સીબીઆઈએ આ કેસની તપાસ તેજ કરી છે. આજે CBIએ NEET પેપર લીક કેસમાં પ્રથમ FIR પણ નોંધી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઈએ NEET પરીક્ષા પેપર લીક કેસમાં નિયમિત કેસ નોંધ્યો છે. સીબીઆઈએ આઈપીસી કલમ 420, છેતરપિંડી અને 120બી એટલે કે ષડયંત્ર હેઠળ એફઆઈઆર નોંધી છે. પ્રથમ એફઆઈઆર નોંધ્યા બાદ સીબીઆઈએ હવે કેસની તપાસ શરૂ કરી છે.
સૂત્રોનું માનીએ તો સીબીઆઈએ આ એક અલગ કેસ નોંધ્યો છે. બિહાર અને ગુજરાતના કેસ હાથ ધરવામાં આવ્યા નથી. બંને રાજ્યોની પોલીસ હાલ તેમના સ્તરે તપાસ કરી રહી છે અને ધરપકડ કરી રહી છે. હાલમાં સીબીઆઈએ અલગ કેસ નોંધ્યો છે. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો વધુ તપાસ દરમિયાન સીબીઆઈને આવુ લાગશે તો બિહાર અને ગુજરાત પોલીસનો પણ સંપર્ક કરવામાં આવશે. બંને રાજ્યોની પોલીસની સંમતિ પછી અને જ્યારે જરૂર પડે ત્યારે તેમના કેસને હાથમાં લઈ શકાય છે અને કેસ ડાયરી લઈ શકાય છે.
ગઈકાલે જ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે અગાઉ UGC NET કેસમાં પણ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBIએ અજાણ્યા લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્રની કલમો હેઠળ નિયમિત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. NEET-UG પેપર લીક કેસમાં શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો અને શનિવારે CBIને તપાસ સોંપી. અગાઉ સમાચાર આવ્યા હતા કે રવિવાર (23 જૂન)ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.