Columns

દિલ્હી વિધાનસભાની ચૂંટણી અરવિંદ કેજરીવાલ માટે ખરાખરીનો જંગ છે

૨૦૧૩ના અરવિંદ કેજરીવાલમાં અને ૨૦૨૫ના અરવિંદ કેજરીવાલમાં જમીન-આસમાન જેટલો તફાવત છે. અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે અન્ના આંદોલનની યાદ તાજી હતી અને અરવિંદ કેજરીવાલ તેમ જ તેમના સાથીઓની છાપ મિસ્ટર ક્લિન તરીકેની અને રાજકારણમાં તાજી હવા લઈને આવેલા યુવાન ચહેરા તરીકેની હતી. ૨૦૧૩ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૭૦ પૈકી ૨૮ બેઠકો મળી તેને મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી, કારણ કે તેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે સત્તા માટે સમાધાન કરીને કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી, પણ તે માત્ર ૪૯ દિવસ જ ચાલી હતી.

આ ૪૯ દિવસમાં કેજરીવાલે એવી છાપ ઊભી કરી કે જો તેઓ પૂર્ણ બહુમતીની સરકાર બનાવે તો તેમનો પણ દિલ્હીમાં સ્વર્ગ ખડું કરી દેશે. દિલ્હીના મતદારોએ તેમની વાત પર ભરોસો મૂક્યો અને ૨૦૧૫માં તેમને ૬૭ બેઠકો સાથે જંગી બહુમતી આપી હતી. ત્યાર બાદ ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણીમાં પણ દિલ્હીના મતદારોએ કેજરીવાલ એન્ડ કંપનીને એક વધુ તક આપી હતી. ૨૦૨૦ અને ૨૦૨૫ વચ્ચે યમુના નદીમાં ઘણાં પાણી વહી ગયાં છે અને કેજરીવાલની છબી ઘણી ખરડાઈ ચૂકી છે. ૨૦૧૫માં કેજરીવાલનો રથ તેની ઇમાનદાર છબીને કારણે જમીનથી બે આંગળ અદ્ધર ચાલતો હતો તે હવે કેજરીવાલ તેમજ તેમના સાથીઓ સામે ભ્રષ્ટાચારના થોકબંધ કેસોનો કારણે જમીન પર આવી ગયો છે.

દસ વર્ષમાં દિલ્હીની જનતાને ખાતરી થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી પણ બીજા કોઈ પણ રાજકીય પક્ષની જેમ ભ્રષ્ટાચારના સહારે જીવતી પાર્ટી છે. માટે ૨૦૨૫ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના મુદ્દાનો ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકે તેમ નથી. હકીકતમાં ભાજપના નેતાઓ તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીને લોકોની નજરમાંથી ઊતારી પાડવા માટે કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ ગઈ છે તેમાં ભાજપને સત્તા હસ્તગત કરવાની જબરદસ્ત તક દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોઈ તક નથી. તે આમ આદમી પાર્ટીના મતો કાપીને ભાજપને જ મદદ કરશે.

વિશ્લેષકોનું માનવું છે કે આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે. ભ્રષ્ટાચારના મુદ્દે કેજરીવાલને ઘેરવાનો ભાજપ ભરપૂર પ્રયાસ કરી રહી છે, જે મુદ્દા પર અન્ના હઝારે આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીનો જન્મ થયો હતો. છેલ્લાં ચાર વર્ષમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ તમામ લોકો જામીન પર બહાર છે, પણ ભાજપે તેને મુદ્દો બનાવ્યો છે અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ક્રુસેડર તરીકે આમ આદમી પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

દિલ્હીના શરાબ કૌભાંડમાં જેલમાંથી મુક્ત થયા પછી, અરવિંદ કેજરીવાલે ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં નૈતિકતાનો દેખાવ કરીને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને જાહેરાત કરી હતી કે હું મુખ્ય મંત્રીની ખુરશી પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં જનતા મારી તરફેણમાં ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. કેજરીવાલ ત્યારથી દિલ્હીના લોકોની વચ્ચે ફરે છે, સભાઓ કરે છે, યાત્રાઓ કરે છે અને નવી નવી જાહેરાત કરે છે. તેમની મુખ્ય યોજનાઓમાં પૂજારી ગ્રંથી સન્માન યોજના અને મહિલા સન્માન યોજના ચર્ચામાં છે. ભ્રષ્ટાચારનો મુદ્દો બૂમરેંગ થતાં હવે અરવિંદ કેજરીવાલ ચૂંટણી જીતનારી જાદુઈ ફોર્મ્યુલાની શોધમાં છે.

આ ચૂંટણીમાં ભાજપ વધુ આક્રમક છે, કારણ કે આ વખતે તેની સ્થિતિ છેલ્લી બે ચૂંટણી કરતાં ઘણી સારી છે. ભાજપે હજુ સુધી તેના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર કરી નથી પરંતુ ચૂંટણી પ્રચાર માટે પાર્ટીએ તેના સ્ટાર પ્રચારક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા છે અને તેમણે પોતાની પહેલી જ ચૂંટણી રેલીમાં આમ આદમી પાર્ટી પર આક્રમક હુમલો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીને આપદા કહી છે. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સત્તાવાર નિવાસસ્થાનને શીશમહેલમાં ફેરવી દેવાનો ભાજપે પક્ષ પર જોરદાર આરોપ લગાવ્યો છે.

વિશ્લેષકો કહે છે કે આ ચૂંટણી રસપ્રદ રહેશે કારણ કે તેનાં પરિણામો રાષ્ટ્રીય રાજકારણને અસર કરશે અને સૌથી વધુ, આમ આદમી પાર્ટીનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપ અને કોંગ્રેસના તીવ્ર હુમલાઓ છતાં આ ચૂંટણી કેજરીવાલની આસપાસ જ થવાની છે. અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે ખૂબ જ ચતુર છે. ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે ભાજપના નારાને જડમૂળ સુધી જવા દીધો નથી. જો કે મધ્યમ વર્ગમાં આમ આદમી પાર્ટીનો આધાર કદાચ ઓછો થયો હશે, પરંતુ ઝૂંપડપટ્ટી અને નિમ્ન મધ્યમ વર્ગના મતદાર વિસ્તારો પર તેમની પકડ હજુ પણ અકબંધ છે.

છેલ્લા બે દાયકામાં ભાજપ દિલ્હીમાં સત્તામાં ન આવ્યો હોવા છતાં, આ સમયગાળા દરમિયાન તેનો મત હિસ્સો ૩૨ %થી નીચે ગયો નથી. હકીકતમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેનો વોટ શેર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કુલ વોટ શેર કરતાં વધુ હતો. ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી હતી. ભાજપને આઠ બેઠકો મળી હતી અને ૨૦૧૫ની જેમ કોંગ્રેસને એક પણ બેઠક મળી શકી નહોતી. ૨૦૨૦માં ભાજપને ૩૮.૫૧% વોટ શેર મળ્યો જે આમ આદમી પાર્ટી કરતા ૧૫% ઓછો હતો. વર્ષ ૨૦૧૫માં આ તફાવત ૨૨ ટકાથી વધુ હતો. વોટ શેરમાં ઘટતો તફાવત અને આઠ મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર ભાજપની આશાનાં મોટાં કારણો છે. વડા પ્રધાન મોદીની આક્રમક એન્ટ્રીએ આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે.

ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત પાર્ટીના ટોચના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીની આક્રમક એન્ટ્રી દર્શાવે છે કે ભાજપને તેની જીત પર વિશ્વાસ નથી. આમ આદમી પાર્ટી પણ આવી જ સ્થિતિમાં છે અને તેણે ૨૦ થી વધુ વર્તમાન ધારાસભ્યોની ટિકિટો રદ કરી છે. આમ આદમી પાર્ટી સત્તાવિરોધી માનસનો સામનો કરી રહી છે. તેણે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઘણા નેતાઓના મતદાર ક્ષેત્રો બદલ્યા છે.

આ બતાવે છે કે આમ આદમી પાર્ટી સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ છે. ભાજપની આક્રમકતાનું કારણ એ છે કે તે આ અવસર પર કેજરીવાલ પરના આરોપોને લોકોમાં ફેલાવવા માંગે છે. ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડા પ્રધાન મોદીએ અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દિલ્હીને વિશ્વ કક્ષાની રાજધાની બનાવવાનું વચન આપ્યું હતું. આ રીતે ભાજપ એક તરફ આપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે અને બીજી તરફ વિકાસની કથાને જનતા સુધી લઈ જઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને ગઠબંધનમાં એકમાત્ર એવી પાર્ટી છે કે જેની પાસે એકથી વધુ રાજ્યોમાં સરકાર છે. આ ગઠબંધનની અગ્રણી પાર્ટી કોંગ્રેસ સાથે કેજરીવાલના સંબંધો બહુ સારા નથી. આ ગઠબંધનના અન્ય નેતાઓ સાથેની તેમની નિકટતાએ કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે. તાજેતરમાં જ્યારે મમતા બેનર્જીએ ગઠબંધનના નેતૃત્વ માટે દાવો કર્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીએ તેને ટેકો આપ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની રાષ્ટ્રીય રાજનીતિ પર ભારે અસર પડશે. જો આમ આદમી પાર્ટી જીતશે તો રાષ્ટ્રીય રાજકારણમાં કેજરીવાલનું કદ વધશે અને તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં નેતૃત્વની ભૂમિકામાં જોવા મળશે. જો તેઓ હારશે તો તેમની રાજકીય કારકીર્દિને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top