નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા આંચકાઓ લાગ્યા છે. મંગળવારે કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાથી ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશ મળી હતી. ત્યાર બાદ આજે 10 એપ્રીલે બુધવારે કેજરીવાલને અન્ય બે ઝટકા લાગ્યા હતા.
ગઇકાલે મંગળવારે અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને રાહત આપી ન હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી દ્વારા તેમની ધરપકડ યોગ્ય છે. ED દ્વારા ધરપકડ અને અટકાયતને પડકારતી તેમની અરજી કોર્ટે ફગાવી હતી.
પરંતુ હાઇકોર્ટના આ નિર્ણયથી અસંતુષ્ટ કેજરીવાલે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. તેમજ બને એટલી જલ્દી સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવાની માંગ કરી હતી. કારણકે આગામી 4 દિવસે કોર્ટમાં રજા છે. પરંતુ SCમાં કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા અઠવાડીયા સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોય. આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં વકીલોને મળવા અંગેની કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે પોતાના વકીલો પાસે અઠવાડિયામાં પાંચ વખત મળવાની પરવાનગી માંગી હતી. હાલમાં તેમને અઠવાડિયામાં બે વાર મળવાની છૂટ આપવામાં આવી છે. તેમજ કેજરીવાલની આ માંગણીને દિલ્હી રાઉઝ એવેન્યુ કોર્ટે ફગાવી દીધી હતી. આમ, પાછલા 24 કલાકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઉપરા છાપરી ત્રણ ઝટકા લાગ્યા છે.
હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દેતા અને અરજીના સમય પર સવાલ ઉઠાવતા મંગળવારે કહ્યું કે સામાન્ય વ્યક્તિ અને ખાસ વ્યક્તિ વિરુદ્ધ તપાસ અલગ-અલગ ન હોઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું કે રાજકીય વિચારણાઓ કાયદાકીય પ્રક્રિયા સાથે સંબંધિત નથી. તેમજ કેજરીવાલને નવ વખત સમન્સ મોકલવા છતાં હાજર ન થવા બદલ 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કેજરીવાલે આ દલીલ કરી હતી
કેજરીવાલે દલીલ કરી હતી કે ED વિડિયો કોન્ફરન્સ દ્વારા અથવા પ્રશ્નાવલિ મોકલીને તેમની પૂછપરછ કરી શકે છે અથવા તેમના નિવાસસ્થાને તેમની પૂછપરછ કરી શકે છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “કોર્ટના મતે, આ દલીલ ફગાવી દેવાને લાયક છે કારણ કે ભારતીય ફોજદારી ન્યાયશાસ્ત્ર હેઠળ, તપાસ એજન્સીને કોઈપણ વ્યક્તિની સુવિધા અનુસાર તપાસ કરવા માટે નિર્દેશિત કરી શકાય નહીં.” કોઈ ચોક્કસ વ્યક્તિ કે સામાન્ય લોકોની તપાસ અલગ હોઈ શકે નહીં.