National

દિલ્હી દારૂ કૌભાંડ: EDએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટી બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો હતો કે તે દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આજે જ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાંથી એક મુખ્ય અને 7 પૂરક ચાર્જશીટ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ ચાર્જશીટમાં કહ્યું છે કે મનીષ સિસોદિયા અને કે કવિતાની સાથે અરવિંદ કેજરીવાલ પણ આ કેસના માસ્ટરમાઇન્ડ છે. EDએ આ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીનું નામ આરોપી તરીકે રાખ્યું છે. ઈડીએ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીનું નામ પણ શામેલ કર્યું છે. મની લોન્ડરિંગની તપાસમાં કોઈ રાજકીય પક્ષનું નામ આરોપી તરીકે દાખલ કરાયું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ કહ્યું છે કે AAP PMLAની કલમ 70 હેઠળ કંપની તરીકે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે. EDનું કહેવું છે કે મની લોન્ડરિંગની તપાસમાં ખુલાસો થયો છે કે આ ગુનાની રકમનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ તેના ગોવા ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો. આમ આદમી પાર્ટીએ ગોવામાં ચૂંટણી પ્રચારમાં 45 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની વાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની ધરપકડ સામેની અરજીની સુનાવણી દરમિયાન એએસજી વી રાજુએ દાવો કર્યો હતો કે હવાલા દ્વારા પાર્ટીને પૈસા મોકલવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તમારી પાસે પુરાવા હોય, પરંતુ સામાન્ય રીતે તપાસ અધિકારીએ ધરપકડ ન કરવી જોઈએ જ્યાં સુધી તેની પાસે ‘દોષિત’ સાબિત કરવા માટે પૂરતા પુરાવા ન હોય. આ ધોરણ હોવું જોઈએ.

ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. આ અરજી કેજરીવાલ વતી તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. જો કોર્ટને કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર લાગે છે તો તેમને જેલમાં જવું પડશે નહીં. જો આમ નહીં થાય તો તેમને જેલમાં જવું પડશે.

Most Popular

To Top