National

IGI એરપોર્ટ ટર્મિનલ 1ની છત તુટવાની ઘટનામાં કેસ નોંધાયા બાદ તમામ ફ્લાઇટ્સ રદ્દ, તપાસ સમિતિની રચના

રાજધાની દિલ્હીમાં (Delhi) ભારે વરસાદ (Rain) બાદ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ)ના ટર્મિનલ 1 ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દિલ્હી એરપોર્ટ ઓપરેટર DIAL એ સાવચેતીના પગલા તરીકે આગળની સૂચના સુધી ટર્મિનલ 1 થી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.

DIALએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ટર્મિનલ 1 પર સ્થિતી સુધરે નહીં ત્યાં સુધી અહીં સંબંધિત ફ્લાઇટ્સ ટર્મિનલ 2 અને ટર્મિનલ 3થી ઓપરેટ કરવામાં આવશે. DIAL એ માહિતી આપી હતી કે ટર્મિનલ 1 પર છત ધરાશાયી થવાની ઘટનાની તપાસ માટે એક ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવી છે. IGI એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉષા રંગનાનીએ જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં IPCની કલમ 304A/337 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર
DIALએ કહ્યું કે દિલ્હી એરપોર્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ અને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. આ ક્રમમાં મૃતકોના પરિવાર માટે 20 લાખ રૂપિયા અને ઘાયલોને 3-3 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

તકનીકી સમિતિની રચના
વધુમાં ઘટનાના કારણોની તપાસ કરવા માટે DIAL દ્વારા એક ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવી છે જે શક્ય તેટલી વહેલી તકે તેનો અહેવાલ સુપરત કરશે. વધુમાં DIAL ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), દિલ્હી પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) સહિત તમામ સંબંધિત એજન્સીઓ સાથે સંયુક્ત રીતે કામ કરી રહી છે. આ એજન્સીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ટર્મિનલ 1ના પ્રસ્થાન વિસ્તારની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ માહિતી લીધા પછી તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા અને કહ્યું કે ટર્મિનલ 1 ના સમગ્ર માળખાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ટર્મિનલ-1 ફરી શરૂ કરવામાં આવે. ફ્લાઈટ્સમાં કોઈપણ વિક્ષેપ ટાળવા માટે તેમણે ફ્લાઈટ્સને શક્ય તેટલી વહેલી તકે ટર્મિનલ-2 અને ટર્મિનલ-3 પર શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રી ઘાયલોને જોવા માટે AIIMS હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર આ ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિના પરિજનો અને ઘાયલોને વળતર આપશે.

Most Popular

To Top