National

દિલ્હીમાં AQI-300ને પાર, પ્રદૂષણ વચ્ચે ફરી શરૂ કરાઇ શાળાઓ, કેટલાક પ્રતિબંધો યથાવત

દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) શાળાઓ આજથી એટલે કે સોમવારથી ફરી શરુ કરવામાં આવી છે. વાયુ પ્રદૂષણને (Air Pollution) કારણે શાળાઓમાં (Schools) રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રદૂષણ વચ્ચે તમામ સરકારી અને ખાનગી શાળાઓ સોમવાર એટલે કે આજથી શરુ કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે પ્રી-સ્કૂલથી લઈને 12મા સુધીના ઓફલાઈન ક્લાસ લેવામાં આવશે. આ સિવાય આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે વધતા પ્રદૂષણને જોતા સરકારે શિયાળાની રજા પહેલા રજાઓ જાહેર કરી હતી. સામાન્ય રીતે દિલ્હીમાં શિયાળાની રજા ડિસેમ્બરમાં હોય છે.

જો કે કેટલીક ખાનગી શાળાઓએ નર્સરીથી ધોરણ પાંચ સુધીના વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓ કહે છે કે પ્રદૂષણ હજુ પણ ખરાબ શ્રેણીમાં છે, તેથી નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે શાળાઓમાં સવારની પ્રાર્થના અને આઉટડોર પ્રવૃત્તિઓ પર એક સપ્તાહ સુધી પ્રતિબંધ રહેશે.

રાજધાનીમાં વાયુ પ્રદૂષણને કારણે 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી હતી. આ રજાઓ બાદ હવે 20મી નવેમ્બરથી તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે. તમામ શાળાના વડાઓને આ અંગે વાલીઓને જાણ કરવા જણાવાયું છે. અગાઉ ખરાબ હવાની ગુણવત્તાને કારણે, 3 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી રજાઓની જાહેરાત સાથે ઓનલાઈન વર્ગો ચલાવવા માટે કહેવામાં આવ્યું હતું.

દિલ્હી સરકાર દ્વારા વધતા પ્રદૂષણ અને GRAP-4ના અમલીકરણ પછી, 9મી નવેમ્બરથી 18મી નવેમ્બર સુધી શિયાળાની રજા હેઠળ તમામ શાળાઓ બંધ કરવામાં આવી હતી. આજથી ફરીથી શાળાઓ શરુ કરવામાં આવી છે. જો દિલ્હીના પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર બહુ ઓછું નથી થયું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, રવિવારે દિલ્હીનો સરેરાશ AQI 301 હતો. જ્યારે આજે ફરી પ્રદુષણનું સ્તર વધતું જોવા મળી રહ્યું છે. વજીરપુરનો AQI 392 પર પહોંચી ગયો છે, જ્યારે આનંદ વિહારનો AQI 362 નોંધાયો છે. ITOનો AQI 316 પર પહોંચી ગયો છે.

Most Popular

To Top