નવી દિલ્હી,: દિલ્હીના (Delhi) ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર થયેલા સાયબર હુમલાથી (Cyber Attack) લાખો દર્દીઓની અંગત માહિતીઓ જોખમમાં મૂકાઈ છે. સાયબર હુમલા દ્વારા કુલ 5 મુખ્ય સર્વરને નિશાન બનાવવામાં આવ્યા હતાં, આ હુમલા પાછળ ચીનનો (China) હાથ હોવાની શંકા છે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ મામલાની તપાસ કરી રહેલી આઈએફએસઓના સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ 5 સર્વર હેક કરાયા છે. એફએસએલની ટીમ હવે ડાટા લીકનું પરીક્ષણ કરી રહી છે. જો કે આઈએફએસઓના અધિકારીઓ કહી રહ્યા છે કે કોઈ માહિતી ચોરી નથી થઈ. આ પ્રથમ વખત છે કે હેકીંગના કોઈ મામલાની તપાસ આઈએફએસઓ દ્વારા કરાઈ રહી છે. સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હેકરનો મુખ્ય ઉદ્દેશ્ય ખંડણી માગવાનો છે, અને વધુ તપાસ ચાલી રહી છે.
સાયબર હુમલાને કારણે લેબોરેટરીમાં હાથથી કામ કરવામાં આવી રહ્યું છે
કહેવાઈ રહ્યું છે કે હેકર્સે એઈમ્સ પાસે આશરે રૂ. 200 કરોડની માગણી કરી છે જે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવવાના છે. ગયા બુધવારની સવારે સર્વર હેક થયા હોવાની જાણ થઈ હતી, એવી આશંકા છે કે તેના કારણે અંદાજે 3-4 કરોડ દર્દીઓની માહિતીઓ જોખમમાં મૂકાઈ છે. સર્વર ડાઉન થયા હોઈ દર્દીઓની સેવાઓ જેમ કે ઈમરજન્સી, હોસ્પિટલમાંથી ઘરે જતા દર્દીઓ, દાખલ થયેલા દર્દીઓના વિભાગમાં અને લેબોરેટરીમાં હાથથી કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સર્વર્સ અને કમ્પ્યુટર્સ માટે એન્ટીવાયરસ સોલ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી છે જે કમ્પ્યુટરોમાં ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.
ચોરી કરાયેલો ડેટા ડાર્ક વેબ પર વેચાયો હોવાની શક્યતા
ચોરી કરવામાં આવેલી માહિતીઓ ડાર્ક વેબ પર વેચવામાં આવી હોય એવી શક્યતા છે, ડાર્ક વેબ ઈન્ટરનેટ પર એક સંતાયેલો રહેતો હિસ્સો છે, જે ખાસ કરીને ગેરકાયદે ધંધાઓ માટે અપરાધી તત્વો ઉપયોગમાં લે છે. આંકડાઓથી જાણવા મળ્યું હતું કે એઈમ્સના ચોરી કરાયેલી માહિતીઓ માટે ડાર્ક વેબ પર 1600થી વધુ સર્ચ કરવામાં આવી હતી. ચોરી કરાયેલી માહિતીઓમાં રાજકારણીઓ અને સેલિબ્રિટીસ સહિત વીવીઆઈપીઓની વિગતો હતી અને આ ડેટા એટલે કે વિગતોમાં જ કેટલાક તત્વોને રસ હોવાથી તે ડાર્ક વેબ પર વેચાયો હોઇ શકે છે.