દિલ્હીમાં જળ સંકટ વિવાદ રવિવારે હિંસક બન્યો હતો. સેંકડો લોકોએ આવીને પથ્થરમારો કર્યો અને છતરપુર જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી હતી. ઓફિસ પર માટલા ફેંકવામાં આવ્યા હતા જેના કારણે કાચ તૂટી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓએ એક બીજા પર આક્ષેપ કર્યા હતા.
આ ઘટના પર દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે દક્ષિણ દિલ્હીના પૂર્વ સાંસદ રમેશ બિધુરી બીજેપીના ગુંડાઓને લઈને આવ્યા અને જલ બોર્ડ ઓફિસમાં તોડફોડ કરાવી. અમે તેનો વીડિયો દિલ્હી પોલીસને મોકલી દીધો છે. શું દિલ્હી પોલીસ FIR દાખલ કરશે? આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપના લોકો પાઇપલાઇનને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના કારણે સપ્લાય પર અસર પડી રહી છે. તૂટેલી પાઈપલાઈન પાસે ભાજપના નેતાઓ કેવી રીતે પહોંચી રહ્યા છે? તેઓ અહીં ફોટા ક્લિક કરાવે છે. મેં પોલીસ કમિશનરને પત્ર લખીને પાઇપલાઇનની સુરક્ષાની માંગ કરી છે.
બીજી તરફ દિલ્હીમાં જળ સંકટને લઈને ભાજપે 14 સ્થળોએ માટલા તોડીને કેજરીવાલ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને નવી દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજે પણ તેમાં ભાગ લીધો હતો. સચદેવાએ કહ્યું કે દિલ્હીમાં પાણીની તંગી માટે જો કોઈ જવાબદાર છે તો તે સીએમ અરવિંદ કેજરીવાલ છે.
જ્યારે બાંસુરી સ્વરાજે કહ્યું કે દિલ્હીમાં જળ સંકટ કુદરતી સમસ્યા નથી. આ AAP દ્વારા સર્જાયેલી કટોકટી છે. દિલ્હીમાં પૂરતું પાણી છે. હરિયાણા પણ વધુ પાણી છોડી રહ્યું છે. 10 વર્ષમાં AAPએ દિલ્હી જળ બોર્ડને 600 કરોડ રૂપિયાના નફામાંથી 73 હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં લાવી દીધું છે.
સૌરભ ભારદ્વાજે કહ્યું- પાઇપલાઇન તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે
દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે થોડા દિવસો પહેલા અમુક લોકો દ્વારા કેટલાક વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીમાં પાણી લીકેજ છે. મને નથી લાગતું કે લીકેજ કુદરતી છે. મને લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને લીકેજ કરી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું કે ગઈ કાલે દક્ષિણ દિલ્હીમાં પાઈપ બાંધતા નટ અને બોલ્ટ કપાયેલા જોવા મળ્યા. કોણે કાપ્યા? જેના કારણે આજે સમગ્ર દક્ષિણ દિલ્હીમાં પાણી નથી. હું જનતાને આના પર નજર રાખવા વિનંતી કરીશ કારણ કે કેટલાક લોકો આ પાઈપલાઈન તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે.
સચદેવાએ કહ્યું- AAP નેતા જણાવે, ગેરકાયદે કનેક્શનના પૈસા કયા ખાતામાં ગયા
વીરેન્દ્ર સચદેવાએ એક વીડિયો જાહેર કરીને દિલ્હી જલ બોર્ડ પર ઈન્દ્રપુરીમાં 100થી વધુ ગેરકાયદે કનેક્શન આપીને સરકારી પાણીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સચદેવાએ કહ્યું કે જો લોકોને ગેરકાયદે કનેકશન આપીને મનસ્વી રીતે પૈસા લેવામાં આવી રહ્યા છે તો તેમને કાયદેસરના કનેકશન કેમ ન આપી શકાય?