Charchapatra

ટપાલ ખાતાની વિલંબિત સેવા

ભારતીય ટપાલ ખાતાની સેવા દ્વારા જ બેંકની ચેકબુક્સ આવે જ છે. રીન્યુ થયેલ કે સાવ નવીન ATM કાર્ડ્સ આવે છે. આ સિવાય પણ ઘણું આવે છે. પરંતુ મારાં જેવાં અનેક વાંચન રસિકોની એક રાવ છે કે, લવાજમ ભર્યું હોવા છતાં સામયિકો વ્યક્તિ સુધી પહોંચતાં નથી. આ ગેરવ્યવસ્થાને કારણે અનેક પ્રકાશકો બે વિકલ્પો આપે છે: ફક્ત લવાજમની રકમ અમુક રૂપિયા અને કુરિયર દ્વારા ખાતરી પૂર્વક મંગાવવાના હોય તો વધારાના અમુક રૂપિયા. આમાં થાય છે એવું કે, સોનાં કરતાં ઘડામણ મોંઘી તેમ લવાજમ કરતાં કુરીયરનો ખર્ચ વધુ હોય છે.

વાચકોને તલપ હોય બીજો વિકલ્પ પસંદ કરી લવાજમ ભરશે જ. પરંતુ આ ઠીક વાત નથી. વર્ષો પૂર્વે હું વિદેશમાં પત્ર મૈત્રી કરતો ત્યારે ક્રિસ્મસ પર આવતી નાની-મોટી ભેટ સોંગાતો ગેરવલ્લે જતી, શું થાય? રડીને બેસી રહેવાનું. દાયકા પહેલાં ઇન્ટર્વ્યૂનાં પત્રો પણ નહોતા મળતા ને નોકરી વાંછુક રાહ જોઈ બેસી રહેતો. આવાં જ કારણે મારે ખૂબ દુખ સાથે બે વર્ષ અગાઉ અંગ્રેજી સામાયિક Reader’s Digestનું લવાજમ ભરવાનું માંડવાળ કરવું પડ્યું હતું. સવાલ એ છે કે ટપાલીને ફરવાનું તો સરખું જ રહે છે, ભલે વધુ ટપાલ હોય કે ઓછી હોય. તો એમને તમામ ટપાલ લાવતાં કોણ અટકાવે છે! એ સામયિકો ક્યાં રોકાઈ જાય છે? રોકાઈ જાય તો વિલંબે તો આવે ને? આ બાબતે સત્તાધીશો કંઇક વિચારી નિવેડો લાવશે ખરાં? 
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top