લગભગ લગભગ બધી જ વીમા કંપનીઓ મેડિકલેઈમ પાસ કરતા પહેલા વિલંબિત નીતિઓનો અખત્યાર કરતી હોય તેવો આભાસ થયા વગર રહેતો નથી. એક ઉદાહરણ જોઈએ. હમણાં મારા એક મિત્રએ આંખનું ઓપરેશન કરાવ્યું. કેશલેસ સુવિધા મળતી હતી એટલે તેણે કેશલેસ કલેઇમ કરવાનું મુનાસીબ માન્યું. હવે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ૯૦ દિવસ સુધીનો ખર્ચ મળે પણ તે માટે પહેલો કલેઇમ ૧૫ દિવસમાં મૂકવો પડે. મારા મિત્રએ કેશલેસ કરાવ્યું હોવાને કારણે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછીનું પહેલા ૧૫ દિવસનું બિલ રૂ.૨,૬૦૦/- થયું. જે માટેનો કલેઇમ રજા મળ્યા પછીના પહેલા ૧૫ દિવસમાં મૂક્યો અને તેની સાથે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીનો કાર્ડ, કેન્સલ ચેક વિગેરે પણ મોકલી આપ્યા. એક અઠવાડિયા સુધી કંઈ થયું નહી એટલે તેણે સ્ટેટ્સમાં માહીતી જોઇ તો કેવાયસી માહિતી અપડેટ નથી તેવો જવાબ મળ્યો. પછી પત્ર દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું કે કેવાયસી માહિતી કલેઇમ પેપર સાથે મોકલાવી જ છે. તો પાંચ દિવસ સુધી રાહ જોઈ પછી માહીતી માંગી તો જણાવવામાં આવ્યું કે તમારા બચત ખાતાનો નંબર જણાવો.
હવે જ્યારે કલેઇમ પેપર સાથે કેન્સલ ચેક મોકલાવ્યો જ છે તો તેના પર ખાતા નંબર લખેલો જ હોય છે તે સંજોગોમા ફરી પાછો ખાતા નંબર માંગવાની જરૂર જ શું કામટૂંકમાં બધી જ માહીતી વીમા કંપનીઓ પાસે હોવા છતાં ફરી ફરીને જે માહીતી મળી ગઈ હોય તેની તે જ માહીતી માંગવાનો શું અર્થ ? તેનો મતલબ જ એ થાય કે વિમા કંપનીઓ વિલંબિત નીતિ અખત્યાર કરે છે. વિમા કંપનીઓની કલેઇમ મંજુર કરવા માટે અખત્યાર કરવામા આવતી આવી વિલંબિત નીતિ અયોગ્ય છે તેવું માનવામાં બેમત ન હોય શકે. આવી વિલંબિત નીતિ એ મેડિકલઈમ આપનાર વિમા કંપનીઓની જેમણે તેમની કંપની પાસે મેડીકલેઇમ પોલિસી લીધી હોય તેમની સાથે અન્યાય કરનારી છે એવું નથી લાગતું ?
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.