પ્લાસ્ટિકના ઉપયોગ અને તેનાથી પર્યાવરણને અને સજીવને થતી અસરો- નુકસાનથી સૌ કોઈ માહિતગાર છે. પણ આજના યુગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાનું લગભગ અશક્ય છે. પશ્ચિમના દેશો પણ પ્લાસ્ટિકના ઉપયોગથી ચિંતિત છે. ઘરમાં અને રોજેરોજ વપરાશમાં લેવાતી નિર્જીવ ચીજ વસ્તુઓ લગભગ પ્લાસ્ટિકની છે .જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટિકના નુકસાનથી જેઓ વિદિત છે તે તમામ એનાથી ત્રાહિમામ્ છે. આજના યુગમાં પ્લાસ્ટિક આપણા જીવનનો પર્યાય બની ગયું છે. સરળતા , સહજતા, સસ્તું વગેરે સદ્ગુણોની સાથે તંદુરસ્તી માટે હાનિકારક અને ઝડપથી આગ ફેલાવવાનો ગુણ પણ ધરાવે છે. પ્લાસ્ટિકની બનાવટમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરી તેને ફાયરપ્રૂફ બનાવવામાં આવે છે. નિષ્ણાતોના મત મુજબ પ્લાસ્ટિક કરતાં તે વધુ નુકસાનકારક હોય છે .વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દેશને મુક્ત કરવાની વાત કરી હતી, પણ સબમરીનથી માંડીને હવાઈજહાજ બનાવવામાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થાય છે, ત્યારે પ્રતિબંધ લગાવવો શક્ય લાગતું નથી!
જે દેશમાં ગાયને માતા (પવિત્ર) ગણવામાં આવે છે એ જ દેશનાં શહેરોમાં અને કસ્બાઓમાં હજારોની સંખ્યામાં ગાયો પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટે છે. વેસ્ટ પ્લાસ્ટિક દરિયામાં ખડકાય છે.દરિયાઈ જીવો અને પક્ષીઓ પણ પ્લાસ્ટિક ખોરાક માટે લેતાં મોતને ભેટે છે.લગભગ લોકોને પ્લાસ્ટિકથી થતા નુકસાનની ગંભીરતા નથી. લાખો ટન વેસ્ટ પ્લાસ્ટિકના આંકડાઓથી પર્યાવરણવાદી ચિંતિત છે પણ વાપરનાર નથી! “ સે નો ટુ પ્લાસ્ટિક બેગ “ કે સે નૉ ટુ પ્લાસ્ટિક” કહેવું કે સૂત્રોચ્ચાર કરવું સરળ લાગે છે, પણ શિક્ષિત પણ પ્લાસ્ટિક બેગ લેવાની ના નથી પાડતાં !શરૂઆત પોતાનાથી કરવી જ પડશે. હાલ તો એક જ વિકલ્પ દેખાય છે કે જરૂર ન હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો. આપણે થોડા સજાગ બનીએ અને તેના ઉપયોગમાં ઘટાડો કરીએ તો વિનાશનું કારણ બનતાં તો અટકી શકીએ!
સુરત – અરુણ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.