Comments

ઉત્તમ ધનની પરિભાષા

એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને પૂછ્યું, ‘શિષ્યો, મને જણાવો કે ધન એટલે શું? અને સૌથી ઉત્તમ ધન કયું?’ શિષ્યોને નવાઈ લાગી કે ગુરુજી ‘મોટે ભાગે ધન તો માયા છે તેના બંધનમાં ન ફસાવું એવી વાતો કરતા હોય છે અને આજે ધન વિષે પ્રશ્નો?’ એક શિષ્ય બોલ્યો, ‘ગુરુજી ધન એટલે રૂપિયા પૈસા બીજું શું?’ બીજા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, ધન એટલે બધી જ મૂલ્યવાન વસ્તુઓ, રૂપિયા ,પૈસા, ઘરેણાં, હીરા ઝવેરાત, હવેલી, જમીન વગેરે વગેરે?’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, ધન એટલે તો બધાને ખબર છે પણ ઉત્તમ ધન એટલે જેની પાસે સૌથી વધારે ધન હોય અને સારા માર્ગે વપરાતું હોય.’ ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના જવાબ ખોટા છે તેમ નહિ કહું પણ મને જે જવાબ જોઈએ છે તે હજી મળ્યો નથી.’

થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહિ.ગુરુજી બોલ્યા, ‘જુઓ, ધનની સરળ પરિભાષા છે કે જેનાથી આપણું જીવન ધન્ય થઇ જાય અને જે આપણા અને બીજાના જીવનને ધન્ય બનાવે તે ધન છે.જરૂરી નથી કે તે માત્ર તમે બધાએ ગણાવી તે મૂલ્યવાન વસ્તુઓ જ હોય.’ ગુરુજીનો જવાબ સાંભળી બધાને નવાઈ લાગી કે મૂલ્યવાન વસ્તુઓ નહિ તો એવી કઈ વસ્તુ હોઈ શકે, જેને ગુરુજી ધન સમાન મૂલ્યવાન ગણે છે.ગુરુજીએ એક શ્લોક લખ્યો ‘विदेशेषु धनं विद्या ,व्यासनेषु धनं मति: परलोके धनं धर्म: शीलं सर्वत्र वै धनं.’ શ્લોક લખ્યા બાદ ગુરુજીએ શિષ્યોને શ્લોક બે વાર વાંચવા કહ્યું અને પછી સમજાવ્યું કે આ શ્લોકમાં ધનનો સાચો અર્થ સમજાવ્યો છે, ‘જયારે તમે પોતાના દેશમાં નહિ પણ વિદેશમાં હો ત્યારે તમારી વિદ્યા,તમારું જ્ઞાન સૌથી વધુ ઉપયોગી ધન સાબિત થાય છે,જયારે ચારે તરફ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હો ત્યારે તેમાંથી માર્ગ કાઢવા બુદ્ધિ ઉત્તમ ધન સાબિત થાય છે.

મૃત્યુ બાદ આ લોકથી પરલોકમાં જાવ ત્યારે તો બધું જ અહીં રહી જાય છે. એકમાત્ર ધર્મનું આચરણ અને મેળવેલ પુણ્ય જ સાથે આવે છે એટલે પરલોકમાં ધર્મ જ ઉત્તમ ધન છે અને તમારું શીલ ,ચરિત્ર, સહિષ્ણુતા, વિનમ્રતા, શાલીનતા જીવનમાં દરેક ક્ષણે અને દરેક સ્થળે મદદરૂપ થાય છે એટલે તે સર્વોત્તમ ધન છે.’ ગુરુજીએ ધનની સાચી પરિભાષા સમજાવીને શિષ્યોને કહ્યું, ‘માત્ર ધન એટલે કે રૂપિયા પૈસાની પાછળ બધું છોડીને દોડવું જરૂરી નથી. જીવનમાં ધર્મનું પાલન કરો,વધુ ને વધુ વિદ્યા મેળવો, બુધ્ધિને સતેજ રાખો અને શીલવાન બનો તો તમારી પાસે ઉત્તમ અને સર્વોતમ ધન હશે.’ગુરુજીએ ઊંડી સમજ આપી.

Most Popular

To Top