એક નાનકડો છોકરો દીપ પોતાની મમ્મી સાથે રોજ મંદિરે જાય.આજે મંદિરમાં ગિરદી હતી.એક મોટા શેઠ સપરિવાર મંદિરમાં દર્શન માટે આવવાના હતા. તેમણે અન્નકૂટ કરાવ્યો હતો.અન્નકૂટનાં દર્શન માટે અનેક ભાવિકો દર્શન માટે આવ્યાં હતાં અને શેઠ ઘણું દાન ધર્મ કરશે અને અન્નકૂટનો પ્રસાદ મેળવવાની આશાએ ઘણાં ભિખારીઓ ભેગાં થયાં હતાં. શેઠ આવ્યા, સપરિવાર મંદિરની અંદર ગયા. આગળ જઈને દર્શન કર્યાં.આરતી થઇ.શેઠે પહેલાં પૂજારીજીને અને પછી બધાને દાનમાં પૈસા અને વસ્ત્રો આપવાનું શરૂ કર્યું.ચારે બાજુ શેઠની વાહ વાહ થતી હતી અને જયજયકાર થતો હતો.
શેઠ બહાર આવ્યા,શેઠના નોકરોએ બધા ભિખારીઓને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું અને પછી શેઠ અને તેમના પરિવાર જનો ભિખારીઓને ભોજનના ડબ્બા અને વસ્ત્ર આપવા લાગ્યા.બધા ખુશ થઈ ગયા અને શેઠનો જયજયકાર કરવા લાગ્યા. નાનકડો દીપ ક્યારનો આ જોઈ રહ્યો હતો.તેણે મમ્મીને ભોળા ભાવે પૂછ્યું, ‘મમ્મી, કેમ બધા શેઠનો જયજયકાર કરે છે?’મમ્મી બોલી, ‘દીકરા, શેઠ દાનવીર છે.બધાને દાન આપી રહ્યા છે. મદદ કરી રહ્યા છે એટલા માટે બધા તેમનો આભાર માનવા જયજયકાર કરી રહ્યા છે.’
દીપ જોતો જ રહ્યો. થોડી વાર રહીને તે બોલ્યો, ‘મમ્મી, મને પણ દાન આપવું છે?’મમ્મીએ કહ્યું, ‘દીકરા, તું હજી નાનો છે.મોટો થજે.ઘણા પૈસા કમાજે અને પછી શેઠજીની જેમ ઘણું દાન કરજે. બધા તારો પણ જયજયકાર કરશે.’દીપે કહ્યું, ‘મમ્મી, મને આજે જ દાન કરવું છે.’મમ્મી બોલી, ‘તારી પાસે તો પૈસા નથી તો તું શું દાન કરીશ?’ ક્યારના મા-દીકરાની વાતો સાંભળી રહેલા એક દાદા બોલ્યા, ‘બેટા, તું આજે જ દાન કરી શકે છે.
દાન કરવા મોટા થવાની કે બહુ પૈસા કમાવાની જરાય જરૂર નથી.’મમ્મી બોલી, ‘દાદા તમે શું કામ ખોટું સમજાવો છો.’ દાદા દીપની પાસે જઈને ફરી બોલ્યા, ‘જો દીકરા, દાન કરવા માટે માત્ર દિલની ઈચ્છા જોઈએ, જે તારી પાસે છે, બાકી કોઈ મોટા થવાની કે બહુ બધા પૈસાની જરૂર નથી.જો કોઈ તારે લીધે ખુશ થાય તો તે દાન છે.જો પેલા વૃદ્ધ ગિરદીમાં પ્રસાદ મેળવી શકતા નથી. તું તેમને પ્રસાદ મેળવી આપ. તેઓ ખુશ થશે.જો પેલો નાનકડો અપંગ બાળક લાઈનમાં ઊભો રહી શકતો નથી. તું તેને મદદ કર, તેના સ્થાને લાઈનમાં ઊભો રહી જે મળે તે તેને આપ.
જો પેલા કૂતરાને પગમાં વાગ્યું છે. તું તેને દવા લગાડી આપ, પાણી આપ ,ખાવાનું આપ.આવા તું નાનાં નાનાં ઘણાં કામ કરી શકીશ જે બીજાને ખુશી આપશે તે દાન જ છે.મમ્મીએ આપેલી ચોકલેટ કોઈ રડતા બાળકને આપી દેજે, કોઈ તડકામાં કામ કરતા મજૂરને ઠંડુ પાણી પીવડાવજે.તારા જે કામથી,તારે લીધે બીજાને ખુશી મળશે તે બધું દાન જ છે સમજ્યો.’ દાદાની વાત સાંભળી દીપ ખુશ થઈ ગયો અને મમ્મીને કહીને પહેલાં દાદાને પ્રસાદ આપી આવ્યો.વૃદ્ધ દાદાએ વ્હાલ કર્યું, પછી તે પેલા અપંગ છોકરાને નીચે બેસાડી તેના સ્થાને લાઈનમાં ઊભો અને શેઠે જે દાન આપ્યું તે તેને આપી દીધું,છોકરો ખુશ થઈ ગયો અને પછી દીપ ઘાયલ કૂતરા પાસે દોડી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.