National

લાલ સમુદ્રમાં જહાજ ઉપર હુમલો કરનારને રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી ચેતવણી, કહ્યું…

નવી દિલ્હી: હાલ થોડા સમય અગાઉ ભારત (India) સાથે સંબંધ ધરાવતા જહાજ ઉપર ડ્રોન (Drone) વડે હુમલાઓ કરવામાં આવ્યા હતા. દરમિયાન હવે ભારતીય નૌકાદળના (Indian Navy) કાફલામાં ‘આઈએનએસ ઈમ્ફાલ’ (INS Imphal) પણ જોડાયું છે. ત્યારે નૌકાદળના જહાજ INS ઇમ્ફાલના કમિશનિંગ સમારોહમાં રક્ષા મંત્રી (Defense Minister) રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે લાલ સમુદ્રમાં થયેલા જહાજ ઉપરના હુમલાને ટાંકીને આ નિવેદન આપ્યું હતું.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આજકાલ દરિયામાં ઉથલપાથલ વધી ગઈ છે. ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ કેટલાક શક્તિશાળી દેશોમાં ઈર્ષ્યા અને નફરતથી ભરી રહી છે. તાજેતરમાં મર્ચન્ટ નેવીના જહાજો પર થયેલા હુમલા બાદ ભારતે દરિયામાં પેટ્રોલિંગ વધારી દીધું છે. આ સાથે તેમણે તેમણે લાલ સમુદ્રમાં એમવી સાઈ બાબા જહાજ પર થયેલા હુમલાને ગંભીર ગણાવ્યો હતો.

હુમલાખોરોને પાતાળમાંથી પણ શોધી કાઢશું: રાજનાથ સિંહ
તેમણે કહ્યું કે ભારત સરકારે તાજેતરમાં અરબી સમુદ્રમાં ‘MV કેમ પ્લુટો’ પર થયેલા ડ્રોન હુમલા અને થોડા દિવસો પહેલા લાલ સમુદ્રમાં ‘MV સાંઈ બાબા’ પર થયેલા હુમલાને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. તેમજ ભારતીય નૌકાદળે દરિયાની દેખરેખ વધારી દીધી છે. આ સાથે જ તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે જે કોઈ પણ દરિયાઈ જહાજને નિશાન બનાવશે તેને બક્ષવામાં આવશે નહીં. હુમલા પાછળના ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે. તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

‘આઈએનએસ ઈમ્ફાલ’થી ભારતીય નૌસેનાની તાકાત વધશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ‘આઈએનએસ ઈમ્ફાલ’ વિષે કહ્યું કે, ‘આઈએનએસ ઈમ્ફાલ’નો ભારતીય નૌકાદળમાં સમાવેશ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા દર્શાવે છે. આ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે MDL અને નેવીનું સમર્પણ દર્શાવે છે. તેના નિર્માણમાં તમામ કામદારોની સખત મહેનત અને સમર્પણ સામાયેલું છે. આ સાથે જ રાજનાથ સિંહે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે આઈએનએસ ઈમ્ફાલનું ભારતીય નેવીના જહાજોના કાફલામાં સામેલ થવાથી ભારતીય નૌકાદળ મજબૂત થશે.

આ કાર્યક્રમમાં નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર પણ હાજર હતા. તેમણે કહ્યું કે P-8I એરક્રાફ્ટ, ડોર્નિયર્સ, સી ગાર્ડિયન્સ, હેલિકોપ્ટર અને કોસ્ટ ગાર્ડ જહાજોને સમુદ્રી હુમલાઓનો સામનો કરવા માટે સંયુક્ત રીતે તૈનાત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top