નડિયાદ: જૂના ડીસામાં રહેતો ઇસમ ટ્રેલરમાં રૂ.૬૮.૪૮ લાખની એલ્યુમિનીયમની કોઇલ ભરીને દાદરા નગર હવેલી જવા મધ્યપ્રદેશથી નીકળ્યો હતો. જોકે, ચાલકે શાતિરતાપૂર્વક ટ્રેલરની જી.પી.એસ. સિસ્ટમ બંધ કરીને, ટ્રેલરમાં ભરેલો માલ સગેવગે કરીને ફરાર થઇ ગયો હતો. મુંબઈમાં રહેતાં મહેબુબ રૂકમોદ્દીન ગફુરશાબ જમાદાર ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમના ટ્રાન્સપોર્ટમાં સુરેશ ઉર્ફે સુર્યા ઉર્ફે મારવાડી અમીરચંદ પુરોહિત (રહે.જીવનજ્યોત સોસાયટી, જુના ડીસા, તા.પાલનપુર) ડ્રાઈવર તરીકે કામ કરે છે. ડ્રાઈવર સુરેશ 13મી માર્ચના રોજ ટ્રેલરમાં મધ્યપ્રદેશથી રૂ.68,48,682 કિંમતની આશરે 22 ટન જેટલી એલ્યુમિનીયમ કોઈલ ભરી સેલવાસ, દાદરાનગર હવેલી ખાતે જવા નિકળ્યો હતો.
17 મી માર્ચના રોજ વડોદરા પહોંચ્યો હતો. જ્યાં વડોદરા-સાવલી રોડ પર એક ઠેકાણે ટ્રેલર પાર્ક કરી સુરેશ તેની માસીના ઘરે હોળીનો તહેવાર ઉજવવા માટે ગયો હતો. બીજા દિવસે એટલે કે તારીખ 18મી માર્ચના રોજ ટ્રેલરના માલિક મહેબુબભાઈએ જીપીએસ ચેક કરતાં સિસ્ટમ બંધ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક ટ્રેલરના ચાલક સુરેશને ફોન કર્યો હતો. જે તે વખતે સુરેશે વિડીયો કોલ કરી મહેબુબભાઈને ટ્રેલર બતાવ્યું હતું. જે બાદ સાંજના સમયે સેલવાસ જવા નીકળતાં અગાઉ સુરેશે તેના શેઠ મહેબુબભાઈને ફોન કર્યો હતો. તે વખતે મહેબુબભાઈએ જીપીએસ ચાલુ કરાવ્યાં બાદ નીકળવાનું કહેતાં ડ્રાઈવર સુરેશે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી ડ્રાઈવર સુરેશનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી મહેબુબભાઈને શંકા ગઈ હતી. આથી, તેઓ ટ્રેલરની શોધખોળ માટે તારીખ 20 મી માર્ચના રોજ વડોદરા આવી, ટ્રેલરના છેલ્લાં લોકેશન પર પહોંચ્યાં હતાં. જોકે, ત્યાં ટ્રેલર ન હોવાથી તેઓ પરત મુંબઈ જવા નીકળ્યાં હતાં.
દરમિયાન તેઓનું ટ્રેલર કઠલાલ ટોલ પ્લાઝા નજીક આવેલ જય અંબે ટ્રેડર્સ સામેની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું હોવાની માહિતી મહેબુબભાઈને મળતાં તેઓ ત્યાં પહોંચ્યાં હતાં. તે વખતે ટ્રેલર ખાલી હાલતમાં હતું. ટ્રેલરનો ચાલક સુરેશ તેમજ ટ્રેલરમાં ભરેલ રૂ.68,48682 કિંમતનો 22 ટન એલ્યુમિનીયમ કોઈલનો જથ્થો ગાયબ હતો. સુરેશનો મોબાઈલ પણ સ્વીચઓફ હતો. જેથી ચાલક સુરેશ ટ્રેલરમાંનો લાખો રૂપિયાનો સામાન સગેવગે કરી ભુગર્ભમાં ઉતરી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે ટ્રેલરના માલિક મહેબુબભાઈ રૂકમોદ્દીન જમાદારની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે ટ્રેલરના ચાલક સુરેશ ઉર્ફે સુર્યા ઉર્ફે મારવાડી અમીરચંદ પુરોહિત સામે આઈપીસી કલમ 407 મુજબનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.