ફિલ્મમેકર રામ કમલ મુખરજીનો જન્મ નોર્થ કોલકાત્તામાં થયો છે, મૂળમાં તો રામ પત્રકાર છે અને ‘’સ્ટારડસ્ટ’’ મેગેઝીનમાં એડિટર હતા, પ્રિન્ટ મીડિયાથી અચાનક ફિલ્મ મેકિંગમાં આવ્યા હતા. બાંગ્લા ટોક શૉમાં હોસ્ટ રહ્યા ત્યારબાદ લોકપ્રિય મેગેઝીન ‘’સ્ટારડસ્ટ’’ માં વર્ષો સુધી એડિટર રહ્યાં હતા. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ડાન્સર /એક્ટ્રેસ હેમા માલિની ઉપર તેમણે કોફી ટેબલ બુક અને બીજી તેમની બાયોગ્રાફી પણ લખી છે. બીજેપી સાંસદ હેમા માલિનીની બાયોગ્રાફીનું લોન્ચિંગ દિપીકા પદુકોણે દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી નાની વયના બાયોગ્રાફી રાઇટર તરીકે તેમને પુરસ્કાર પણ મળી ચુક્યો છે, એશા દેઓલને લઈને તેમણે ફિલ્મ ‘’કેકવોક’’ ફિલ્મ પણ બનાવી હતી. હાલમાં જ તેમની ઓ.ટી.ટી ઉપર રજૂ થયેલ ફિલ્મ ‘’રિક્ષાવાળા’’ ખુબ જ વાહવાહી મળી છે. કેલિફોર્નિયા સ્થિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘’રિક્ષાવાલા’’ને પુરસ્કાર મળ્યો છે. રિક્ષાવાળાની ભૂમિકામાં એક્ટર અવિનાશ દ્રિવેદીના અભિનયના ભરપૂર વખાણ થઇ રહ્યાં છે. ફિલ્મમેકર રામ કમલ મુખરજી સાથેની ગપશપના અંશ
રામ, કોલકતા શહેરમાં ઘણી બધી ઐતિહાસિક બાબત છે, કાલી ઘાટ, કોલકાત્તા સ્ટોક એક્ચેન્જ પણ નોર્થ કોલકાત્તાના ‘’રિક્ષાવાળા’’ ઉપર જ કેમ ફિલ્મ બની?
રામ કમલ મુખરજી : મારો જન્મ અને ઉછેર નોર્થ કોલકાત્તામાં થયો છે. બાળપણથી હું નોર્થ કોલકાત્તામાં હાથ રિક્ષાવાળાની રીક્ષામાં મુસાફરી કરતો આવ્યો છું અને મેં તેમના દુઃખ દર્દ અને પીડા જોઈ છે. કોલકાત્તામાં બ્રિટિશ રાજ હતું ત્યારથી હાથ રીક્ષાવાળા રિક્ષાચાલક રહ્યા છે. રિક્ષાવાળા પણ કોલકાત્તાના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. મારી ફિલ્મ બિમલ રોય સાહેબ અને સ્વ.ઓમ પુરી સાહેબને ટ્રિબ્યુટ છે.
વેસ્ટ બંગાળમાં સત્યજિત રેનું સિનેમા, ઋતુપર્ણો ઘોષનું સિનેમા જોવાય પણ મસાલા ફિલ્મો પણ વધુ જોવાય છે તો માસ અને ક્લાસ બંને ઓડિયન્સના મનને સમજવું કેટલું પડકારજનક છે?
રામ કમલ મુખરજી : વેસ્ટ બંગાળમાં હિન્દી ફિલ્મ હોય કે હોલીવુડ ફિલ્મ હોય અહીંયા સબ્જેક્ટ સારો હોય તો ફિલ્મને સારો પ્રતિસાદ મળે છે. વેસ્ટ બંગાળમાં સત્યજિત રેનું સિનેમા હોય કે બિમલ રોય હોય કે ઋતુપર્ણો ઘોષ હોય દરેકનું સિનેમા આવકારવામાં આવે છે, વેસ્ટ બંગાળમાં જુઓ તો સુજીત સરકારની ફિલ્મ ‘’પીકુ’’ નું પોતાનું ઓડિયન્સ છે તો આ ઓડિયન્સ સલમાન ખાનની ‘’રાધે ‘’ ફિલ્મ નહિ જુએ, જે સલમાન ખાનની ફિલ્મ ‘’રાધે’’ ફિલ્મ જુએ છે તેમને સુજીત સરકારની ફિલ્મ ‘’પીકુ’’ પસંદ પડતી નથી. અહીંયા સ્ટારડમ કરતા પણ પટકથા મજબૂત હોય એટલે આવકાર મળે છે.
લુઈસ અને ક્રિસ્ટોફર જેવા બ્રિટિશર પણ કોલકાત્તાને કેમેરામાં કેદ કરી ચુક્યા છે, તેમની નજરથી કોલકાત્તા ઘણી વાર જોવાયું છે? સત્યજિત રેનો ઉલ્લેખ ઘણો કરો છો , તેમનો પ્રભાવ ઘણો રહ્યો છે?
રામ કમલ મુખરજી : આજ સુધી કોલકાત્તા શહેર એટલે સોંદેશ , માછર જોલ, રસગુલ્લા, હાવડા , ઈડન ગાર્ડન , કાલીઘાટ કે દક્ષિણેશ્વર જ દેખાડવામાં આવતું હતું અને ઓડિયન્સ પણ બોર થઇ જાય પણ મેં નોર્થ કોલકાત્તાના લોકજીવન, તેમના ઘરની રહેણી કરણી , ક્લચરને હાઈલાઈટ કર્યું છે, તેમની તકલીફો અને મુશ્કેલીઓને દેખાડી છે. લોકલ ટ્રામ ટ્રેન દેખાડી છે અને મેટ્રો ટ્રેન પણ દેખાડી નથી, અફસોસ હું લુઈસ કે ક્રિસ્ટોફરની કોલકાત્તા શહેર ઉપરની ડોક્યુમેન્ટરી જોઈ શક્યો નથી. બાળપણથી સત્યજિત રે, અપર્ણા સેન, બિમલ રોય, બાસુદા અને ઋષિદાની, ગૌતમ ઘોષ,અદૂરગોપાલ ક્રિષ્ણન, મણિરત્નમની ફિલ્મો જોઈ છે એટલે એમની ફિલ્મોની થોડી અસર તો રહેવાની જ છે.
મેગેઝીન એડિટરથી ફિલ્મમેકર બનવાની સફર કેટલી મુશ્કેલ કેટલી સરળ રહી ?
રામ કમલ મુખરજી : મને શરૂઆતમાં તકલીફ તો આવી જ છે, જયારે હું એશા દેઓલને લઈને ફિલ્મ ‘કેકવોક’ બનાવી રહ્યો હતો ત્યારે લોકોએ કહ્યું હતું કે કેમ આટલો ખર્ચો કરી રહ્યા છો? કોણ આ ફિલ્મ જોશે? ઘણી બધી ટિપ્પણીનો પણ સામનો કરવો પડ્યો હતો કે આને કેમ કાસ્ટ કરે છે? ફલાણાને કાસ્ટ કરો. મારી ધર્મપત્ની શરબાની મુખરજી, એશા દેઓલ, સેલિના જેટલી તમામ લોકોએ મને ખુબ જ સહકાર આપ્યો હતો. મારા વિઝન ઉપર આ લોકોએ ડાઉટ કર્યો નથી. હું પહેલીવાર એશાના ઘરે સ્ટોરી નરેટ કરવા ગયો ત્યારે તેણે મને કહ્યું હતું કે તમે જ આ ફિલ્મને ડિરેક્ટ કરો, મેં કહ્યું કે હું તો જર્નલિસ્ટ છું મને ફિલ્મ ડિરેક્ટ કરતા આવડતું નથી. તમે જાતે જ વાર્તા લખી છે અને તમે જ પ્રોજેક્ટ પૂરો કર્યો છે તો તમે ડિરેક્શન કેમ નથી કરતા? તમે કરી શકો છો. એશાએ મને પ્રોત્સાહિત કર્યો હતો. મેં કશું જ પ્લાનિંગ કર્યું નહોતું, મારા મગજમાં એક જ બાબત હતી સારી સ્ટોરી કહેવી.
તમે હેમા માલિનીની બાયોગ્રાફી લખી રહ્યાં ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બાયોગ્રાફી લખવા માટે ઘણા નાના છો?
રામ કમલ મુખરજી : હેમા માલિનીની બાયોગ્રાફી લખવાનું કામ કરી રહ્યો હતો ત્યારે હું ફક્ત 22 વર્ષનો હતો. હિન્દી પત્રકારિતામાં કે હિન્દી ભાષામાં કહેવાય ને કે ‘વરિષ્ઠ પત્રકાર’ એવો હું વરિષ્ઠ પત્રકાર નહોતો. બી.બી.સી લંડનમાં રેકોર્ડ છે કે ઇન્ડિયામાં કોઈએ આટલી નાની વયમાં કોઈ ટોપની એક્ટ્રેસની બાયોગ્રાફી લખી નથી. જર્નાલિઝમ, ફિલ્મ મેકિંગ કે બાયોગ્રાફી રાઇટિંગ દરેકના પોતપોતાના ચેલેન્જ છે. ફિલ્મમેકિંગમાં 200 જેટલા યુનિટ મેમ્બરને લઈને કામ કરવાનું છે અને રથને તમારે ચલાવવાનો હોય છે. જયારે તમે બાયોગ્રાફી લખવાનું કામ કરો છો ત્યારે તમે સ્વતંત્ર હોવ છો, તમે તમારા વિચારથી એક હસ્તી વિશે લખી રહ્યાં છો. ફિલ્મમેકિંગમાં તમામ બાબતો તમારા કંટ્રોલમાં રહેતી નથી. લોકેશન, તડકો છે વરસાદ છે, કોરોનાકાળ છે તો હું ઇચ્છુ તો પણ ફિલ્મ બનાવી શકવાનો નથી, હા લેખનનું કામ કરી શકું છું.
હાલમાં તમે ‘’મિથુનદા ‘’ ની બાયોગ્રાફી લખી રહ્યાં છો? મિથુનદા નાના નિર્માતાઓના અમિતાભ બચ્ચન કહેવાય છે. મિથુનદાની બાયોગ્રાફીનું નામ જણાવો? ટાઇટલ ‘કિંગ કોબરા’ છે?
રામ કમલ મુખરજી : મિથુનદાની જર્ની ઘણી રોમાંચકારી રહી છે અને તેમની પર્સનલ અને પ્રૉફેશનલ જર્ની વિશે વાત કરવામાં આવી છે. અમે બાયોગ્રાફીનું ટાઇટલ ‘’કિંગ કોબરા’’ રાખ્યું નથી કારણકે આ પોલિટિકલ બાયોગ્રાફી નથી. અમે આ બાયોગ્રાફીનું નામ ‘દાદા ઓફ બૉલીવુડ’ રાખ્યું છે, આ બાયોગ્રાફી ઓગસ્ટ મહિનામાં અમે રજૂ કરીશું. તેમના જે પણ રાજકીય વિચાર હોય પહેલા નેક્સલિસ્ટ પછી કોમ્યુનિસ્ટ , શિવસેના , કોંગ્રેસ , તૃણમુલ ત્યાર બાદ ભાજપમાં જોડાવું, આ તમામ બાબતો તમને બુકમાં જોવા મળશે પણ પોલિટિકલ કરિયરનો 10 ટકા જ અમે ઉલ્લેખ કર્યો છે. મિથુનદાની બાયોગ્રાફીમાં 90 ટકા અંશ અમે તેમના અંગત જીવનના મૂકયા છે.
તમને માઈથોલોજીકલ ફિલ્મો બનાવવી ગમે છે? તમે જો માઈથોલોજીકલ ફિલ્મ બનાવશો તો કઈ એક્ટ્રેસને કાસ્ટ કરશો?
રામ કમલ મુખરજી : મને માઈથોલોજીકલ સબ્જેક્ટ બહુ ગમે છે અને આ સબ્જેક્ટ ઉપર ફિલ્મો હાલમાં વધુ બનતી નથી.હાલમાં જ ‘’રામયુગ’’ ફિલ્મ આવી હતી પણ આ ફિલ્મની ઘણી ટીકા કરવામાં આવી હતી. આપણા દેશમાં માઈથોલોજીકલ ફિલ્મો બનતી જ બંધ થઇ ગઈ છે, જેટલી પહેલા બની હતી તેને ઉપાડીને દૂરદર્શન ઉપર મુકવામાં આવી હતી. મારે ભવિષ્યમાં માઈથોલોજીકલ ફિલ્મો બનાવવી છે અને ‘’દ્રૌપદી’’ વિષય ઉપર માઈથોલોજીકલ ફિલ્મ બનાવવી છે અને દીપિકાને મારે ‘’દ્રૌપદી’’ની ભૂમિકા માટે કાસ્ટ કરવી છે, દીપિકા દ્રૌપદીની ભૂમિકા સુંદર રીતે ભજવી શકશે. આમિર ખાન પણ ‘’મહાભારત’’ બનાવવા માંગે છે કોઈ ‘’સીતા’’ પણ બનાવવા માંગે છે.