કૈલાશભાઈની ઓફિસમાં નવી ઇન્ટર્ન કામ કરવા આવી તેનું નામ ફાતિમા. હજી અન્ડર ગ્રેજ્યુએશન ભણતી હતી. 19 વર્ષની ઉંમર પણ કામમાં હોશિયાર હતી અને મહેનતુ પણ હતી. થોડા જ વખતમાં તેણે ઘણું બધું કામ શીખી લીધું અને સંભાળી લીધું અને પોતાની મીઠી મીઠી વાતોથી અને સારા કામથી બધાનું મન પણ જીતી લીધું. એક દિવસ છાપામાં અજમેર શરીફની દરગાહ વિશે સમાચાર આવ્યા હતા તે વાંચીને ફાતિમા બોલી, ‘ મને અજમેર શરીફ જવાની અને ત્યાં દરગાહ પર ચાદર ચઢાવવાની બહુ ઈચ્છા છે પણ હું ક્યારેય ત્યાં ગઈ નથી અને ખબર નહીં ક્યારેય જઈ શકીશ કે નહિ.’ આ વાત કૈલાશભાઈએ સાંભળી લીધી અને બીજા જ મહિને તેમણે ફાતિમાને એક સરપ્રાઈઝ આપ્યું. ફાતિમાએ એક અઘરું કામ બહુ સરસ રીતે પૂરું કર્યું તેના ઇનામ રૂપે તેમને બધાની સામે તેનાં વખાણ કરી કહ્યું, ‘ફાતિમા, આજે તો તને ખાસ ઇનામ આપવું પડે એવું કામ કર્યું છે,આ લે તારું ઇનામ.’
આટલું કહીને કૈલાસભાઈએ ફાતિમાના હાથમાં એક કવર મૂક્યું. તે કવરની અંદર અજમેર જવાની પ્લેનની ટિકિટ હતી અને એક નહીં બે ટિકિટ હતી. તેમણે ફાતિમાને કહ્યું, ‘જા, તને અજમેર શરીફ દર્શન કરવા અજમેર શરીફમાં ચાદર ચઢાવવાની ઈચ્છા છે ને જા તું જઈ આવ અને તારી સાથે તારી મમ્મીને પણ લઈ જજે.’ ફાતિમાં ખુશ ખુશ થઈ ગઈ અને તેણે અજમેર શરીફ જઇને ફૂલની ચાદર ચઢાવી દરગાહને નમન કર્યું અને બે દિવસમાં પાછી આવી.
ફાતિમા ઓફિસમાં આવી એટલે કૈલાસભાઈએ પૂછ્યું, ‘ અજમેર શરીફમાં દુઆ માંગી?’ ફાતિમાએ કહ્યું, ‘ હા બધા માટે માંગી તમારા માટે ખાસ…’કૈલાસભાઈએ પૂછ્યું, ‘તેં તારા માટે શું માંગ્યું?’ ફાતિમાએ જવાબ આપ્યો, ‘હું શું માંગું? મારા માટે મારે શું જરૂર છે, મને શું મળવું જોઈએ તેની મારા કરતાં વધારે ખબર ઉપરવાળાને પડે છે તો તેને જે આપવું હશે તે મને આપશે મારે કંઈ જ માંગવાની જરૂર નથી.’ 19 વર્ષની ફાતીમાનો આટલો ઊંડો જવાબ આટલી ઊંડી સમજ સાંભળીને કૈલાસભાઈ તો નવાઈ પામી ગયા. તેમને થયું સાચી વાત. આપણે શું જોઈએ છે તે માંગવા કરતાં ઉપરવાળાને આપણને શું આપવું છે તેની રાહ જોવામાં વધારે મજા છે.
