Comments

સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ

બાબાસાહેબ આંબેડકરના મત અનુસાર સ્ત્રીઓ અને દલિતો બંનેમાં એક સામ્ય છે. બંને સમાજમાં રહેલા માળખાકીય ભેદભાવનો સામનો કરે છે. જાતિપ્રથા અને પિતૃસત્તા – આ બંને વ્યવસ્થાઓ એકબીજાની પૂરક છે અને સદીઓથી દલિતો અને સ્ત્રીઓને સમાન દરજ્જો, માનમર્યાદા અને અધિકારોથી વંચિત રાખવામાં એનો ફાળો છે. એટલે બંધારણ ગમે તેટલું સારું લખાય, એમાં દરેક નાગરિકના સમાન અધિકારની કાળજી રખાય પણ જ્યાં સુધી સામાજિક સુધારો નહિ થાય ત્યાં સુધી દરેક વ્યક્તિને સાચા અર્થમાં સ્વતંત્રતા નહિ મળે.

બાબાસાહેબની આ વાત આઝાદીના આઠ દાયકા પૂરા થવા પર છે ત્યારે પણ કેટલી સાચી જણાય છે! ગયા અઠવાડિયે બનેલી બે તદ્દન અલગ અલગ ઘટનાને આ વાસ્તવિકતા એક તાંતણે બાંધે છે. એક, ચીફ જસ્ટીસ ગવાઈ પર જૂતું ફેંકાયું અને બે, તાલીબાની વિદેશ મંત્રી મુત્તાકીએ ભારત ખાતેના તેમના દુતાવાસમાં કરેલી પત્રકાર સભામાં મહિલા પત્રકારોને પ્રવેશ ન આપ્યો. બંને ઘટનામાં દેખાય છે કે સામાજિક અધિક્રમ અને એમાંથી ઉદ્ભવતા ભેદભાવ કેટલા સામાન્ય અને સ્વીકૃત છે.

જસ્ટીસ ગવાઈ આ હોદ્દા સુધી પહોંચેલા બીજા દલિત ચીફ જસ્ટીસ છે. મધ્ય પ્રદેશમાં ભગવાન વિષ્ણુની ક્ષતિગ્રસ્ત મૂર્તિના કેસમાં ચીફ જસ્ટીસે કરેલી ટિપ્પણીથી એક વર્ગ નારાજ છે. કોઈની લાગણી દુભાય એવી ટિપ્પણી તેઓ ટાળી શક્યા હોત અને  આ અંગે જાહેર ચર્ચા થવી જોઈએ પણ ઈકોતેર વર્ષના વકીલ રાકેશ કિશોરે તો ચર્ચાનો રસ્તો અપનાવ્યા વિના મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો! ત્યાર બાદ એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે આ એક ગણતરીપૂર્વકનો હુમલો હતો અને તેમને પોતાના કર્યા પર કોઈ પસ્તાવો નથી, પણ ગર્વ છે! આ ઘટનાએ ચીફ જસ્ટિસની સામે સોશ્યલ મીડિયા પર દુ:વ્યવહારનું શરમજનક વંટોળ પણ ઊભું થયું.

વ્યાપકપણે શેર થયેલા એ.આઈ. -જનરેટેડ એક વીડિયોમાં ચીફ જસ્ટીસ ગવઈની અપમાનજનક છબી જોવા મળી. ઘણાં પ્રચલિત મીડિયાએ પણ હળવા સ્વરે રાકેશ કિશોરની ટીકા કરી, બમણા જોરે જસ્ટીસ ગવાઈના ચુકાદાઓની ટીકા કરી, રાકેશ કિશોરનો લગભગ બચાવ કર્યો, તો પછી એમાં રહેલા જ્ઞાતિવાદી વલણની ચર્ચા તો વૈકલ્પિક યુ-ટ્યુબ મીડિયાના ભાગે જ આવી. રાકેશ કિશોર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી હજુ સુધી થઇ નથી.

આ આખી ઘટનામાં ઘણા ‘જો’ અને ‘તો’ જોડીએ તો એક ચિત્ર ઊભું થાય છે જે આપણા સમાજની વાસ્તવિકતા રજૂ કરે છે. જો જસ્ટીસ ગવાઈ દલિત ન હોત તો તેમણે કરેલી ટિપ્પણી અંગે ગમે તેટલી નારાજગી હોવા છતાં કોઈ સવર્ણ વકીલે આવું કૃત્યુ કર્યું હોત? જો જસ્ટીસ સવર્ણ હોત અને જૂતું ફેંકનાર દલિત કે મુસલમાન હોત તો એમને ક્ષમા બક્ષવામાં આવી હોત? તો મીડિયાએ એમને લગભગ વધાવતા ઈન્ટરવ્યુ કર્યા હોત? આમ તો ચીફ જસ્ટીસના પડખે બેઠેલી વ્યક્તિનું અપમાન એટલે સમગ્ર ન્યાયતંત્રનું અપમાન કહેવાય. પણ, સમગ્ર ઘટનાની ચર્ચા માત્ર વ્યક્તિગત હુમલા અને અપમાન પૂરતી સીમિત થઇ ગઈ.

બીજી ઘટના તાલીબાની વિદેશ મંત્રીની પત્રકાર સભાની છે. આફઘાનિસ્તાનના વિદેશ મંત્રી માવલાવી આમીર મુત્તકી અઠવાડિયા માટે ભારત આવ્યા છે. ભારતે સત્તાવાર રીતે તાલીબાનની સત્તાને સ્વીકારી નથી એટલે સૌથી પહેલાં તો એ પ્રશ્ન કરવો રહ્યો કે તાલીબાની મંત્રી ભારતમાં શું કરે છે? એમને પત્રકાર પરિષદ ભરવાની અનુમતિ કઈ રીતે અપાઈ? અને તે પણ મહિલા પત્રકારોને પ્રવેશ ના આપવામાં આવ્યો એવી તાલીબાની વ્યવસ્થા ભારતની ધરતી પર કઈ રીતે ગોઠવાઈ?

આ ઘટના અંગે થયેલા ઊહાપોહ પછી આફઘાન દૂતાવાસે વ્યવસ્થાપનમાં રહેલી ચૂક પર વાંકનો ટોપલો ઢોળ્યો! ભારત સરકારે એમ કહીને હાથ ઉપર કરી લીધા કે આફઘાન દુતાવાસ ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો! ત્યાં પહોંચેલા પુરુષ પત્રકારોએ પરિષદમાં ભાગ લીધો! તેઓ બહિષ્કાર કરી શક્યા હોત! એ તો સારું છે કે દેશમાં જાગરુક નાગરિકો છે – પત્રકારો, સ્વતંત્ર નાગરિકો અને વિરોધ પક્ષના નેતાઓએ આ ઘટનાનો વ્યાપક વિરોધ કર્યો.

બીજા દિવસે પુરુષ પત્રકારોએ પણ પોતાનો વિરોધ નોંધાવી પરિષદમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો ત્યારે મહિલા પત્રકારોને પ્રવેશ મળ્યો. તેઓ પ્રથમ હરોળમાં બેઠી અને પરિષદ થઇ. એ પણ નોંધવું રહ્યું કે સત્તાપક્ષના કોઈ નેતા, કે સમર્થક તરફથી તાલીબાની પત્રકાર પરિષદ અંગે કોઈ ટિપ્પણી આવ્યાનું સાંભળ્યું નથી. મુદ્દો એ છે કે અતિથિની આગતા સ્વાગતામાં આપણા નિર્ણયકર્તાઓને પણ પ્રથમ દૃષ્ટિએ એમાં વાંધો ઉઠાવવા જેવું કશું લાગ્યું નહિ! આપણો દેશ, આપણી ધરતી અને આપણા બંધારણના ન્યાયક્ષેત્રમાં આવો ભેદભાવયુક્ત પ્રસંગ સત્તાવાર રીતે બન્યો!

આવી ઘટનાઓમાં ઊંડે રહેલી માન્યતા અને વિચારસરણી છતી થાય છે. જેમાં ભેદભાવ પચાવી ચૂકેલા સમાજની છબી છતી થાય છે જે મુખ્યત્વે સ્ત્રીવિરોધી તેમજ જ્ઞાતિવાદી છે. આપણા આચાર અને વિચારમાં આ વલણો એટલાં ઊંડે સુધી ખૂંપેલાં છે કે એમાં કશું ખોટું થતું દેખાતું પણ નથી. એટલે બંને ઘટનાના મૂળમાં રહેલી માણસ–માણસ વચ્ચેનો ભેદભાવ કરતી વિચારસરણીની ચર્ચાને સપાટી પર લાવવા માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top