Gujarat

ડીપ ડિપ્રેશન પાટણથી 10 કિમી દૂર કચ્છ- બનાસકાંઠા બોર્ડર પર સ્થિર, હજુ 48 કલાક ભારે

સુરત : ગુજરાતમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટ અને લોધીકામાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે. ગુજરાત પર છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લાવનાર ડિપ ડિપ્રેશનની સિસ્ટમ હાલમાં પાટણથી 10 કિમી દૂર ગુજરાત – પાક બોર્ડર પર સ્થિર રહેલી છે. જે પશ્વિમ – દક્ષિણ – પશ્વિમ દિશામાં આગળ વધી રહી છે. આ સિસ્ટમનો વ્યાપ એટલો મોટો છે કે તેણે આખુ ગુજરાત આવરી લીધુ છે.રાજયમાં રવિ, સોમ અને મંગળવાર સુધીના ત્રણ દિવસની અંદર 15 લોકોનું મૃત્યુ થયુ છે. જયારે 1700 લોકોનું રેકસ્યૂ કરાયુ છે. એકલા ગાંધીનગરના દહેગામ ખાતે બે તળાવ ઓવર ફલો થઈ જતાં , નીચાણવાળા વિસ્તારમાંથી 108 લોકોને બચાવી લેવાયા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ , રાજયમાં આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ માટેનું રેડ અલર્ટ જારી કરાયુ છે. જેમાં ખાસ કરીને ખેડા , અમદાવાદ, આણંદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર, વડોદરા , છોટા ઉદેપુર , ડાંગ , તાપી, સુરત , નર્મદા, ભરૂચ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી , સરેન્દ્રનગર , રાજકોટ , જામનગર, પોરબંદર , જુનાગઢ , અમરેલી, ભાવનગર, મોરબી , દ્વારકા, ગીર સોમનાથ , બોટાદ , કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ભારે વરસાદથી 15 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ ભારે વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તેવામાં જુદા જુદા બનાવોમાં 15 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ ગઈકાલે જન્માષ્ટમીએ ગાંધીનગરના કલોલ શહેરમાં એક મકાનની દિવાલ પડી જતા બે વ્યક્તિઓનું દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આણંદના તારાપુર નજીકના ઈસરવાડા ગામે તેમજ બોરસદના સિસ્વા ગામે પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ખેડાના અલીણા ગામે એક મકાનની દિવાલ ઘસી પડતા એક વ્યક્તિ દટાઈ જતા મૃત્યુ પામ્યું છે, તેમજ વડોદરાના સાવલી ગામે દિવાલ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આ ઉપરાંત હળવદ તાલુકાના ઢવાણા ગામે ધસમસ્તા પાણીમાં એક ટ્રેક્ટર ડૂબી જતાં ટ્રેક્ટરમાં સવાર 17 લોકો પૈકી પાંચ વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા છે. હળવદ તાલુકાના ધણાદ ગામે પાણીના પ્રવાહમાં રીક્ષા તળાઈ જ ગઈ હતી. આ રીક્ષામાં બેઠેલ 5 વ્યક્તિઓ પૈકી એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તેવી જ રીતે મળતી માહિતી મુજબ બુટાવાડા ગામ પાસેની એક નદીમાં એક વ્યક્તિ તળાઈ ગયો હોવાની પણ માહિતી સામે આવી છે.અમદાવાદમાં પણ મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસમાં પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે. આમ રાજ્યભરમાં જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે તા.27મી ઓગસ્ટના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટમાં 8 ઈંચ , લોધીકામાં 8 ઈંચ , રાજકોટના કોટડા સાંગાણીમાં 8 ઈંચ ,દ્વારકાના કલ્યાણપુરમાં સાડા સાત ઈંચ , ખંભાળીયામાં સાડા સાત ઈંચ , જામનગરમાં 7.3 ઈંચ, ભાણવડમાં 7 ઈંચ , પોરબંદરના રાણાવાવમાં 6.6 ઈંચ , કાલાવાડમાં 6.5 ઈંચ , પોરબંદરમાં 6 ઈંચ , જામજોધપુરમાં 6 ઈંચ , લાલપુરમાં 5.4 ઈંચ , ગોંડલમાં 5.3 ઈંચ , દ્વારકામાં 5 ઈંચ , જામકંડોરણામાં 4.7 ઈંચ , ધોરાજીમાં 4.7 ઈંચ , ચોટીલામાં 4 ઈંચ , વિસાવદરમાં 4 ઈંચ , કેશોદમાં 4 ઈંચ , નડિયાદમાં 4 ઈંચ , વંથલીમાં 4 ઈંચ , વાંકાનેરમાં 4 ઈંચ , મહુધામાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 112 તાલુકાઓ એવા છે કે જયા 1થી 8 ઈંચ જેટલો વરસાદ થયો છે.

જન્માષ્ટમીએ ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન એટલે કે જન્માષ્ટમીએ મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં ૯ ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ થયો છે.વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.

આ ઉપરાંત રાજ્યના ૧૧ તાલુકામાં ૭ ઈંચથી વધુ, અન્ય ૧૧ તાલુકામાં ૬ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ, ૨૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૩૫ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top