Columns

મનની લગન

નોર્વે શહેરમાં એક શ્રીમંત હતા. તેઓ ખૂબ જ અમીર હતા. તેમના ઘરે અનેક નોકરો કામ કરતા હતા. તેમાંથી એક નોકરનું નામ હતું ક્લેરેન્સ.  ક્લેરેન્સ પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરતો અને જ્યારે તેનું કામ પૂરું થઈ જતું પછી તુરંત તે થોડે દૂર સ્થિત મૂર્તિઓની દુકાન હતી ત્યાં પહોંચી જતો અને મૂર્તિઓ જોતો રહેતો. મૂર્તિઓ બનાવતા કારીગરોની કારીગરી કલાકો સુધી ઊભા રહીને જોતો ક્યારેય થાકતો નહીં. આમને આમ એટલા બધા દિવસ થઈ ગયા, કામ પૂરું કરી ક્લેરેન્સ મૂર્તિની દુકાને પહોંચી જાય. હવે તો તેને મૂર્તિ કરવા પણ આવડવા લાગી હતી.

ઘણીવાર બહુ કામ હોય તો મિત્ર બની ગયેલા મૂર્તિ બનાવતા કારીગરોની ક્લેરેન્સ હોંશે હોંશે મદદ કરતો એક દિવસ પોતાની દુકાનના વર્કશોપમાં ક્લેરેન્સને એક મૂર્તિ પર કામ કરતો જોઈ દુકાનના માલિકે કહ્યું, ‘ભાઈ, તું અહીં આવી તારો સમય શું કામ બરબાદ કરે છે? તું અહીં મૂર્તિ પર કામ કરીશ તો હું કંઈ તને મહેનતાણું આપવાનો નથી.’  ક્લેરેન્સે કહ્યું, ‘સર, મને મૂર્તિઓ જોવી અને બનાવતા શીખવી બહુ ગમે છે. મને કંઈ મહેનતાણું નથી જોઈતું. બસ મારી એક જ વિનંતી છે કે તમે મને અહીં આવવા દેજો.’ક્લેરેન્સ વધુને વધુ સમય દુકાનમાં ગાળવા લાગ્યો.

 એક દિવસના માલિકના ઘરે મોટી દાવત હતી. દાવતની સજાવટની જવાબદારી મુખ્ય નોકર પર હતી ક્લેરેન્સે તેને કહ્યું, ‘હું કંઈ મદદ કરું?’મુખ્ય નોકરે કહ્યું, ‘મુખ્ય ટેબલ સુંદર રીતે સજાવવાનું છે તું કરી શકીશ?’ક્લેરેન્સ હા પાડી અને ૧૫૦ કિલો માખણ મંગાવી જામેલા માખણમાંથી એકદમ જીવંત લાગે તેવી પરીની મૂર્તિ બનાવી અને ટેબલ પર વચ્ચે સજાવી. આજુબાજુ ફળ અને શાકભાજીમાંથી ફૂલો બનાવી સરસ બાગ રચી દીધો.

મિજબાનીમાં આવનાર બધા મહેમાનોએ આ સજાવટની અને માખણમાંથી બનેલી મૂર્તિની ખૂબ જ પ્રશંસા કરી. મહેમાનોમાં એક મૂર્તિ કલાના જાણકાર હતા. તેમણે માલિકને પૂછ્યું, ‘આ મૂર્તિ કયા કલાકારે પાસે બનાવડાવી છે?’માલિકે હસીને કહ્યું, ‘કોઈ કલાકાર પાસે બનાવડાવી નથી. આ તો મારા નોકર ક્લેરેન્સે જાતે બનાવી છે.’આ સાંભળી મૂર્તિ કલાના જાણકારને નવાઈ લાગી તેમણે ક્લેરેન્સને બોલાવી પૂછ્યું, ‘આટલી જ સુંદર કારીગીરી તે ક્યાં કોની પાસે અને કઈ રીતે શીખી ?’ક્લેરેન્સે કહ્યું, ‘મેં જાતે નજીકની દુકાનમાં મૂર્તિઓ અને મૂર્તિઓની બનાવટ જોઈને સતત મનની લગન અને પ્રેરણાથી મેં આ કલાને શીખી છે.’  જીવનમાં કંઈ પણ કરવું… શીખવું કોઈના પણ માટે શક્ય છે જરૂર છે. માત્ર મનની લગનની…
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top