નગરની બહાર એક ઉજ્જડ જમીનનો ટુકડો હતો. એક વૃદ્ધ માળી એ જમીનના ટુકડા પર નિ:સ્વાર્થ ભાવે કામ કરે. જમીનને સાફ કરે, સૂકા પાંદડાં હટાવે. નવા નવા છોડ વાવે. ફળોનાં બીજ વાવે અને સરસ રીતે પોતાની મન મરજીથી કોઈ જ પ્રકારના વેતન વિના, કોઈ જ પ્રકારની આશા વિના, સ્વાર્થ વિના, બસ પોતાની ઈચ્છાથી કામ કરે. એક નાનકડો છોકરો શાળાએ જતાં રોજ માળી દાદાને આખો દિવસ કામ કરતાં જુએ. એક દિવસ ત્યાંથી પસાર થતાં તેણે વૃદ્ધ માળીને પૂછ્યું, ‘‘દાદાજી, આ તો ઉજ્જડ જમીનનો ટુકડો છે. અહીં તમે શું કામ આટલી મહેનત કરો છો? અત્યારે તમે શું કરો છો?’’ વૃદ્ધ માળી બોલ્યા, ‘‘ હું કેરીનો ગોટલો વાવી રહ્યો છું.
તેમાંથી આંબાનું ઝાડ ઊગશે અને મીઠી કેરી આપશે.’’ છોકરો બોલ્યો, ‘‘ દાદાજી, આંબાનું ઝાડ ઊગતાં તો વર્ષો નીકળી જશે અને મને લાગે છે ત્યાં સુધી તમે કદાચ જીવિત પણ નહીં રહો.’’ વૃદ્ધ માળીએ હસતાં હસતાં કહ્યું, ‘‘ મારા દીકરા, ઘણું કામ આપણે ‘બીજાને માટે’ કરતાં રહેવું જોઈએ.’’ આટલું કહી માળી પોતાના કામમાં લાગી ગયા અને એક પછી એક કેરીના ગોટલા વાવવા લાગ્યા. માળીએ જીવનના અંત સુધી કામ કરતા રહ્યા. આ ઉજ્જડ જમીન પર કંઈક ને કંઈક વાવ્યું, ફૂલછોડ, નવાં નવાં ઝાડ, ફળના ઝાડ વગેરે અને તેઓ વૃદ્ધ તો હતા જ એટલે એક દિવસ મૃત્યુ પામ્યા. એ વૃદ્ધ માળીનું નામ શું હતું તે પણ કોઈને ખબર ન હતી.
થોડાં જ વર્ષોમાં ઉજ્જડ વેરાન જમીનનો ટુકડો હવે લીલોછમ બની ગયો, સુંદર બની ગયો, જાણે નગરનું ઘરેણું બની ગયો. રંગબેરંગી વિવિધ જાતનાં ફૂલો ત્યાં ઊગતાં, અનેક સરસ મજાનાં ઝાડ લહેરાવા લાગ્યાં, ઘટાદાર વૃક્ષો છાયા આપતાં ફળવાળા વૃક્ષો ફળ આપતાં, અનેક પંખીઓનું તે ઠેકાણું બની ગયા અને આ બહુ જ સુંદર બાગ પેલા વૃદ્ધ માળીના જીવનનાં છેલ્લાં વર્ષોની મહેનતનું ફળ હતું. ત્યાં નવા નગર અધિકારી આવ્યા અને કલેક્ટરે જે ઉજ્જડ જમીન, જે આજે લીલીછમ બની હતી તેની વિશેષ કાળજી માટે એક કમિટી નીમી અને લીલાંછમ જમીનને નામ આપ્યું –‘બીજાને માટે.’
નીચે લખ્યું વૃદ્ધ માળી દાદા જેનું નામ પણ આપણને ખબર નથી તેમને પ્રણામ કરીને ‘બીજાને માટે’ અર્પણ. આ નવા કલેકટર એ જ નાનકડો છોકરો હતો જેમણે વર્ષો પહેલાં માળી દાદાને આંબાનું ઝાડ વાવતાં પૂછ્યું હતું કે , ‘‘દાદા આ જ ઝાડ પર ફળો આવશે ત્યાં સુધી તમે થોડા જીવતાં રહેશો અને ત્યારે વૃદ્ધ માળીએ કહ્યું હતું કે અમુક કામ ‘બીજાને માટે’ કરવાં જોઈએ અને એટલે જ તેણે આજે કલેક્ટર બની માળી દાદાનો સંદેશ બધાને સમજાવવા આ લીલાછમ જમીનના ટુકડાને નામ આપ્યું ‘બીજાને માટે.’