
સાતપુડાની પર્વતમાળામાં વસેલું નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા ગામ આજે વેપારી મથક સાથે તાલુકા મથક ધરાવે છે. ડેડિયાપાડામાંથી પસાર થતો મુખ્ય રોડ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો કડીરૂપ પરિવહન ધોરી માર્ગ છે. ડેડિયાપાડા ગામ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ જાગૃત હોવાથી દિનપ્રતિદિન નોકરિયાત વર્ગમાં વધારો થયો છે. સાથે ઘણા કુશળ કારીગરોને લઈ “અપના હાથ જગન્નાથ”ની જેમ નાના-મોટા ધંધાઓથી આત્મનિર્ભર બન્યા છે. ખેતી સાથે પશુપાલન સહિત ધંધામાં પ્રવૃત્ત છે. સાથે ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે મહિલા સુકાન સંભાળી રહ્યાં છે. ડેડિયાપાડા ગ્રામ પંચાયતમાં ડિજિટલ સેવાનો લાભ મળી રહ્યો છે. સરકારના અનેક લાભ આંગણીના ટેરવે સાધનિક કાગળો સાથે મળે છે. ડેડિયાપાડા ગામમાં ધો-1થી 12 સુધીના શિક્ષણ માટે અદ્યતન શાળાઓ, મોડેલ શાળા અને આશ્રમશાળા પણ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. સાથોસાથ સરકારી વિનયન કોલેજ, કૃષિ કોલેજ અને નર્સિંગ કોલેજે ડેડિયાપાડાના નકશામાં નવા રૂપરંગ ઊભા કર્યા છે. શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રે પણ કામ થઇ રહ્યું છે. ડેડિયાપાડા ગામનું નામ કઈ રીતે પડ્યું એ માટે લોકવાયકા છે. ડેડિયાપાડા પ્રકૃતિની દેન હોવાથી આજે પણ સો ટકા શુદ્ધ ઓક્સિજન મળે છે. આ વિસ્તારમાં રહેનારા ઘણા માનવીઓ ગંભીર બીમારીથી પીડાતા નથી. ઘણા કિસ્સામાં આંખના નંબર આવ્યા હોય તો પણ સાતપુડાની તળેટી એવા ડેડિયાપાડા જેવા વિસ્તારમાં રહે તો નંબર આપોઆપ નીકળી જાય. એટલે જ કહેવાનું મન થાય છે કે, સાતપુડા જેવા ડેડિયાપાડા સહિતનો વિસ્તાર લોકો માટે સંજીવની વિસ્તાર અચૂક ગણાય. આજે પણ આ વિસ્તારમાં સદીનું આયખું કાઢનારા માનવીઓ હયાત છે. મનુષ્ય જીવનમાં સિમેન્ટ કોન્ક્રીટ વિસ્તારને તિલાંજલિ આપી ક્યારેક કુદરતની દેનસમા હરિયાળા વિસ્તારમાં રહેવાનો તેમને મોકો મળે તો આયુષ્ય વધી જાય એમ છે. તેઓ પાસે આર્થિક સંપદાની જગ્યાએ કુદરતના ખોળે એવા જંગલમાં મંગલ હોય એમ અદભૂત સંપત્તિ છે.
ડેડિયાપાડા ગામનાં દર્શન
અબાલ વૃદ્ધો માટે લીમડા ચોક વિસામાનું સ્થળ
ડેડિયાપાડા ગામ એ સાતપુડા વન આચ્છાદિત વિસ્તાર કહેવાય. ડેડિયાપાડામાં વર્ષો જૂના લીમડાની ફરતે ચોક બનાવાયો છે. આ જગ્યાએ અબાલ વૃદ્ધો ભેગા થઈ લીમડાનો છાંયડો લેતા હોવાથી તેમના માટે વિસામાનું સ્થળ બની ગયું છે. આજે પણ વેપારીઓની દુકાનો માટે આ વિસ્તાર લીમડા ચોક તરીકે ઓળખાય છે. માત્ર વૃદ્ધો નહીં પણ નાનકડા બાળકોને રમવાનું સેન્ટર પણ છે.
ગ્રામ પંચાયતે સ્માર્ટ વિલેજનો અભિગમ અપનાવ્યો
ડેડિયાપાડા ગ્રામ પંચાયતમાં નાગરિકોને સુવિધા મળે એ માટે હવે હાઈટેક યુગમાં પહોંચી છે. ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનમાં વિકાસનાં કામો કરાતાં હોય છે. લોક ભાગીદારી અને ગ્રામ પંચાયત સાથે સહિયારા પ્રયાસથી ડેડિયાપાડાને સ્માર્ટ વિલેજનો દરજ્જો મળે એવા વિઝન સાથે હકારાત્મક અભિગમથી ઉજાગર કર્યા છે. એ માટે અનેક પડકારોને દૂર કરી ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. આજે ડિજિટલ યુગને પણ આ ગ્રામ પંચાયતે અવકાશ આપ્યો છે.
બંગલા, પારસી અને હોળી ચકલા ફળિયાનું નામ કઈ રીતે પડ્યું?

ભૂતકાળમાં ડેડિયાપાડા વિસ્તારમાં એકપણ પાકું મકાન ન હતું. એ સમયે સ્થાનિકોને એમ હતું કે, ક્યારેક એકાદ મકાન પાકું બને. ત્યારે ડેડિયાપાડાની જગ્યામાં એક પાકો બંગલો બન્યો. સમયાંતરે એ જગ્યાનું નામ બંગલા ફળિયા પડ્યું. જે આજે પણ ઓળખાય છે. ડેડિયાપાડા વિસ્તારમાં પારસીઓ પણ વસ્યા. અગ્નિની પૂજા કરતો પારસી સમાજ દરેક સાથે હળીમળીને રહેતો, એ જ વિશેષતા હતી. આ જગ્યાએ પારસીઓ રહેતાં આજે પણ પારસી ટેકરા વિસ્તાર તરીકે આ વિસ્તાર ઓળખાય છે. આજે પણ પારસી ટેકરા વિસ્તારમાં વસાવા, લુહાર, પટેલ, મુસ્લિમ, તડવી જેવા લોકો વસે છે. ડેડિયાપાડા ગામમાં દર વર્ષે સામૂહિક હોલિકા દહન કરવામાં આવતું એ જગ્યા હોળી ચકલા ફળિયું તરીકે ઓળખાય છે. જો કે, સમયાંતરે અલગ અલગ ફળિયામાં હોળીકા દહન થાય છે.
ડો.વિનોદ કૌશિક આદિવાસી બેલ્ટમાં મુઠ્ઠી ઊંચેરા માનવી

વર્ષ-1984માં ઇનરેકા સંસ્થાનનો નર્મદા જિલ્લામાં (અગાઉ ભરૂચ જિલ્લો) 100 ટકા આદિવાસી બેલ્ટ એવા ડેડિયાપાડા તાલુકામાં પાયો નંખાયો હતો. આ સંસ્થાએ અગાઉ જામનગર જિલ્લાના ધરોળ તાલુકાના દાદરાનગર હવેલી (UT)માં કામ કર્યું છે. ઈનરેકા સંસ્થાનની શરૂઆત વનીકરણ સહિત મધમાખી પાલન અને અન્ય નાની નાની ગ્રામીણ ઉદ્યોગને વિકસાવવાનો હતો. જેથી પછાત સમાજના લોકોનું આર્થિક ધોરણ સુધરે. મૂળ સંસ્થાનું ઉદગમ સ્થાન પણ જાણવા જેવું છે. ભારતના બે ભૂતપૂર્વ કામચલાઉ વડાપ્રધાન અને ભૂતપૂર્વ ગૃહમંત્રીએ સક્રિય રાજનીતિથી સન્યાસ લઈ હરિયાણા રાજ્યના ઐતિહાસિક નગર કુરુક્ષેત્રમાં સામાજિક સેવાકીય પ્રકલ્પો શરૂ કર્યા હતા. ત્યાં ધાર્મિકનગર હોવાના કારણે ઐતિહાસિક અને વિકલાંગ લોકો, ભિક્ષુક, રક્તપિતના દર્દીઓને પુન: સ્થાપિત કરવા અને સક્ષમ બનાવવા નાના ઉદ્યોગોને તાલીમ આપી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવતા હતા. એ વેળા હાલ ઈનરેકા સંસ્થાનના પ્રણેતા ડો. વિનોદકુમાર કૌશિક તેમની કામગીરીથી પ્રભાવિત થઈ વિદ્યાર્થી કાળમાં સ્વયંસેવકની કામગીરી કરતા હતા. આ સમયને બલિહારી ગણાય એવા મૂળ ગુજરાતના વ્યક્તિ ગુલજારીલાલનંદાજીએ હરિયાણામાં સેવા આપી હતી અને તેનાથી પ્રભાવિત થઈ હરિયાણાના વતની ગુજરાતના વનવાસી વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવી હતી. દિનાનાથ બંત્રાજી, ડો.વિનોદકુમાર કૌશિક ગુજરાતમાં પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીની નોકરી છોડી વિશ્વ હિંદુ પરિષદ અને ભારત સંઘ સાથે જોડાઈ ગયા. વિશ્વ હિંદુ પરિષદના ડો.વનીકરજીની પ્રેરણાથી ઊંડાણવાળા વિસ્તાર (વનવિસ્તાર)માં આગમન થયું અને ભારતસેવા સંઘની એક શાખા શરૂ કરવામાં આવી. વર્ષ-૧૯૮૪માં ઈનરેકા સંસ્થાનની સ્થાપના થઈ. તેમનો દૃષ્ટિકોણ પણ અતિપછાત નબળા સમાજને પોતાનાં જીવન મૂલ્યો, સંસ્કારની સાથે રહી આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક, આર્થિક દશાને સુઘડ કરવાનો હતો, જેમાં તેઓ સફળ થયા હતા. તેમની સર્વશ્રેષ્ઠ કામગીરીથી હિન્દુ રત્ન એવોર્ડ સહિત 11 જેટલા રાષ્ટ્રીય/જિલ્લા કક્ષાના એવોર્ડ મેળવીને બહુમાન કરાયું છે. આ સંસ્થાન દ્વારા CRSP અને TSP પ્રોગ્રામ હેઠળ ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં 10 હજાર શૌચાલય બનાવાયાં છે. આ સંસ્થાનની નર્મદા જિલ્લામાં નોડલ એજન્સી નીમવામાં આવી હતી. આ સંસ્થાન વનસંવર્ધન સહિત નર્સરીઓ, ખેડૂતોની નર્સરીઓ, સંસ્થાકીય નર્સરીઓ અને વિકેન્દ્રિત લોકોને નર્સરીઓ બનાવવા પ્રોત્સાહન આપવું, ભ્રષ્ટ જંગલ જમીનો પર વૃક્ષો રોપવા, વૃક્ષો રોપવાનું કામ 20 ગામોમાં કરવામાં આવ્યું હતું. કુલ 300 હેક્ટર જમીન આવરી લેતાં ગામોમાં લગભગ 5000 છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ડેડિયાપાડા સહિત બાજુમાં ચીકદા અને સાગબારા તાલુકામાં બ્લડબેંકની સ્થાપના કરવાનું પ્લાનિંગ છે.
ત્રણ સદી પહેલાં દેવને પાડાની બલી ચઢાવતા નામ ડેડિયાપાડા પડ્યાની લોકવાયકા

આજથી ત્રણ સદી પહેલા ડેડિયાપાડા ગામ અસ્તિત્વમાં હતું જ નહીં. 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધ હીરાભાઈ દાજીયાભાઈ વસાવા તેમની આંખોની પાંપણ માંડ માંડ ખોલે છે. ઉંમરને લઈ કાને સાંભળવાની તકલીફ પડતી હોય અને બોલવા માટે અવાજ થોડો ધીમે પણ નજીક બેસીને સાંભળી શકે છે. ડેડિયાપાડા ગામની લોકવાયકા વિશે હીરાભાઈ પટેલે કહ્યું હતું કે, આજનું ડેડિયાપાડા એ 300 વર્ષ પહેલાં ખોખરાઉંમર ગામનો વિસ્તાર ગણાતો હતો. એ વખતે પરિશ્રમી ખેડૂત સુપરીયાભાઈ બોડાભાઈ વસાવાએ 20 ચામ્પા (એક ક્વિન્ટલ) (એક ચામ્પા દીઠ પાંચ કિલો થાય છે) અને એક બળદ આપી ખોખરાઉંમરની જમીન ખરીદી હતી. એ વખતે ત્રણ કુટુંબ પૈકી સુપરીયાભાઈ બોદાભાઈ વસાવા, હિદ્ડાભાઈ નગરિયાભાઈ વસાવા અને ગામયભાઈ ખોજલિયાભાઈ વસાવાએ વસવાટ કર્યો હતો. 300 વર્ષ પહેલા આ જગ્યાએ વસેલા હોવાથી એ સમયે દેવને પાડાની બલી ચઢાવવામાં આવી હતી. ત્યારથી અપભ્રંસ થઈ આ જગ્યાનું નામ ડેડિયાપાડા પડી ગયું. આ ડેડિયાપાડા ગામ લોકશાહી પદ્ધતિમાં તાલુકા મથક બની ગયું. આજના ડેડિયાપાડા ગામમાં વસનારાને એ વાતનો આનંદ છે કે, અમે પ્રકૃતિસમાન હરિયાળા વિસ્તારમાં રહીએ છીએ ડેડિયાપાડા ગામમાં શુદ્ધ લોકો ધીરે ધીરે વરસાટ કરવા લાગ્યા. ડેડિયાપાડા ગામમાં ખળખળ વહેતી નદીઓ, અખૂટ સંપદા અને પ્રકૃતિપ્રેમી સાથે જંગલનાં ઝાડ જાણે વાત કરતા હોય એવો અહેસાસ થાય છે. રોગચાળો કે ગંભીર બીમારી ખૂબ જ છેટે હોય છે. 100 વર્ષની જિંદગી કાઢી હોય અને આજે પણ હયાત હોય તો હીરાભાઈ દાજીયાભાઈ વસાવા દાખલો છે.