સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં પ્રતિદિન 200થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં હવે ચાર ગણો ઘટાડો થયો છે. અને હવે શહેરમાં પ્રતિદિન 50થી પણ ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. જેના પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે શહેરમાં માત્ર 41 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 39,374 પર પહોંચી છે. શુક્રવારે પણ શહેરમાં એક પણ મોત નોંધાયું ન હતું. તેમજ શુક્રવારે વધુ 55 દર્દીઓ સાજા (Recover) થતાંની સાથે અત્યાર સુધીમાં કુલ 38,224 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ (Recovery Rate) 97.08 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- અઠવા 13
- રાંદેર 10
- વરાછા-એ 05
- કતારગામ 05
- વરાછા-બી 04
- સેન્ટ્રલ 03
- ઉધના 01
- લિંબાયત 00
શાળાઓમાં કોરોનાનું સંક્રમણ: 2 વિદ્યાર્થી પોઝિટિવ મળ્યા
સુરત: ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા જે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારે મનપા દ્વારા વધુ 39 શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં ઉધના ઝોનમાં ઉન વિસ્તારની યશસ્વી શાળાના એક વિદ્યાર્થી તેમજ લિંબાયત ઝોનમાં લક્ષ્મી નારાયણ નગર, ડિંડોલી વિસ્તારની જ્ઞાન ભારતી શાળાના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપા દ્વારા કુલ 39 શાળામાં 2225 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સુરત જિલ્લામાં કોરોનાના માત્ર 8 જ કેસ નોંધાયા
સુરત: સુરત જિલ્લામાં ધીમીધારે કોરોના વિદાય લઈ રહ્યો છે. આજે સુરત જિલ્લામાં કોરોનાના માત્ર 8 જ કેસ નોંધાયા હતાં. જે આઠ કેસ નોંધાયા તેમાં સૌથી વધુ 3 કેસ બારડોલી તાલુકામાં નોંધાયા હતાં. જ્યારે ચોર્યાસી તાલુકામાં 2, તેમજ ઓલપાડ, કામરેજ અને પલસાણા તાલુકામાં 1-1 કેસ નોંધાયા હતા. બીજી તરફ આજે જિલ્લામાં કોરોનાના 18 દર્દીઓ સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
દ.ગુ.માં કોરોનાના વળતા પાણી : વલસાડ-દાનહમાં બે કેસ
નવસારી, વલસાડ, સેલવાસ : દક્ષિણ ગુજરાતમાં આજે કોરોનાના કેસની સંખ્યામાં નજીવો વધારો નોંધાયો હતો. જેમાં વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં 1 મળી 2 કેસ નોંધાયા હતા. જ્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોનાનો એકપણ કેસ નહી નોંધાતા જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો છે. દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે નોંધાયેલા કેસમાં વલસાડ જિલ્લામાં વલસાડના તિથલ રોડની શાંતિનગર સરદાર હાઇટ્સમાં રહેતી 27 વર્ષની મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ જ રીતે દાદરા નગર હવેલીમાં પણ કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 1640 પર પહોંચ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. હાલ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 1559 ઉપર સ્થિત છે. જ્યારે આજે વધુ 2 દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1453 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં અત્યારે કુલ 4 કોરોનાના એક્ટિવ કેસ છે.