Columns

બ્રાઈટ અને બોલ્ડ થીમથી દિવાળીમાં ઘરને ખૂબસૂરત રીતે સજાવો

આમ તો આપણો ભારત તહેવારોનો દેશ છે પરંતુ એમાં પણ ખાસ તો દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આપણે તો સજીધજીને તૈયાર થઈએ જ છીએ પરંતુ સાથે ઘરને પણ શણગારીએ છીએ. ઘણાં ટ્રેડિશનલ રીતે ઘર શણગારે છે તો ઘણા ટ્રેડિશનલ સાથે મોડર્ન ટચ પણ આપે છે. સામાન્ય રીતે દિવાળીમાં દીવા, ફાનસ, કેન્ડલ્સ, તોરણ, રંગોળી, ફૂલોથી ઘરને ડેકોરેટ કરવામાં આવે છે. આ દિવાળીએ ઘર સજાવવાના કેટલાક આઈડિયાઝ…

હોમ એન્ટ્રન્સ ડેકોર
દિવાળી એટલે બીજું કંઈ નહીં પરંતુ રંગ, પેટર્ન, ટેક્સચર, ફૂલછોડ, તાજગી- ખુશ્બૂથી ઘરને સજાવવું. તમે ફેસ્ટિવલ માટે શું વિચારો છે એ તમારા ખૂબસૂરત હોમ ડેકોરમાં પ્રતિબિંબિત થાય છે.
 એન્ટ્રન્સમાં રંગોળી માટે કેટલી જગ્યા છે એ જોઈ એ પ્રમાણે ફૂલ, રંગ, પાંદડાં અને દીવાનો ઉપયોગ કરી તમે સુંદર રંગોળી કરી શકો છો. આજકાલ તો માર્કેટમાં જાતજાતની રંગોળી તૈયાર પણ મળે છે. તમે એ જુદી જુદી રીતે ગોઠવી શકો.
 ઘરની બહાર મોટાં પાંદડાંવાળાં ઈન્ડોર પ્લાન્ટ્સ મૂકો. તેની નીચે નાની નાની રંગોળી કરી દીવા મૂકો. મેન ડોરના ખૂણામાં ફ્લોટિંગ કેન્ડલ પણ રાખી શકાય.
ઘરમાં દાખલ થતાં પહેલાં દાદર હોય તો ફૂલોની સેર અને દીવાથી શણગારી શકાય. રેલિંગમાં પણ ફૂલોની સેર કે લાઈટની સેર લટકાવી શકાય.
 નેમપ્લેટ પાસે પોમ પોમ સાથે નાની નાની ઘંટડીઓ પણ લટકાવી શકાય.
 એન્ટ્રન્સમાં દાદરના કોર્નરમાં ત્રણ નાનાં-મોટાં સ્ટુલ મૂકો. તેના પર બ્રાસનાં કૂંડા મૂકો. તેની અંદર પામ કે મોટાં પાનવાળાં કૂંડાં મૂકો. એક બાઉલમાં પાણી ભરી મહેકતાં રંગબેરંગી ફૂલો રાખી શકાય.
 મોટાં પાનવાળાં છોડની નીચે કાચના નાના કલરફુલ ગ્લાસમાં કે ફાનસમાં કેન્ડલ રાખી શકાય.

ફેસ્ટિવલ લાઈટિંગ
દિવાળીમાં હોમ ડેકોરેશન માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે લાઈટિંગ. ફેન્સી, મલ્ટી કલર કન્ટેન લાઈટ્સ માહોલમાં ગ્રેસ એડ કરે છે. એ રિમોટ સાથે આવે છે એટલે તમે સહેલાઈથી કન્ટ્રોલ કરી શકો છો.
 ઘરને ફેસ્ટિવ લુક આપવા વ્હાઈટ અને વોર્મ યલો લાઈટ ખરીદો. ડ્રોઈંગરૂમમાં આવી લાઈટ્સ હોય તો મહેમાન જરૂર ઈમ્પ્રેસ થશે.
 જો બાલ્કની કે ટેરેસ પર પાર્ટીની જગ્યા હોય તો આ જગ્યાને તમે ડેકોરેટીવ લેન્ટર્ન, લાઈટ અને શેન્ડેલિયર્સથી સજાવો.
 આજકાલ ઘરમાં ફોકસ લાઈટ મુકાવવાનો ટ્રેન્ડ છે. કોઈ પેન્ટિંગ કે ફર્નિચરને ફોક્સ લાઈટથી હાઈલાઈટ કરો.
 ફેરી લાઈટ્સ તો ફેશનમાં છે જ પરંતુ એ ઉપરાંત LED લાઈટ્સના કર્ટન્સ પણ મળે છે. ગેસ્ટ આવવાના હોય તો કોઈ એક દીવાલ પર આ કર્ટન્સ પણ રાખી શકાય.
 કિચન, ડાઈનિંગ એરિયા અને બાલ્કનીમાં ડેકોરેટિવ પેન્ડન્ટ લાઈટ્સ મૂકી શકાય.

બ્રાઈટ અને બોલ્ડ થીમ
 ટ્રેડિશનલ ઘરોમાં ડેકોરેશનમાં બ્રાઈટ બ્લૂ, રેડ, યલો અને ગ્રીન સારા લાગે છે. જે પણ કલર યુઝ કરો એને બ્લેન્ડ કરવા બેજ, ક્રીમ તથા વ્હાઈટ યુઝ કરો.
 જો ડેકોરેશન અર્ધી કલરનું હોય તો બ્રાઈટ કલરના ફલોર રગ્સ લિવિંગ રૂમમાં ખૂબસૂરતી વિખેરે છે.
 જો રૂમ બહુ કલરફુલ ડેકોરેશન પીસથી સજાવ્યો હોય તો રગ્સ અર્ધી કલર, ન્યૂટ્રલ ટોન અને ગ્રે શેડ્સમાં રાખી શકાય.
 સોફા સિંગલ કલરના હોય તો તેના પર કલરફુલ કુશન્સ મૂકો. ફેસ્ટિવ સિઝનમાં ગોલ્ડન બોર્ડર, સિક્વન્સ, ગોલ્ડન મોટિફવાળા કુશન કવરનો ઉપયોગ કરી શકાય.
 સોફાના સાઈડ ટેબલ કે કોર્નરને સજાવવા માટે કલરફુલ લાલટેન લાઈટ્સ રાખી શકાય. આજકાલ બેટરી ઓરિએન્ટેડ ફેરી લાઈટ્સ પણ વ્હાઈટ બોટલમાં રાખવાથી એ કોર્નરની રોનક વધી જાય છે.
 કિચનના પ્લેટફોર્મ પર નાનીમોટી, ગોળ, ચોરસ, જારમાં ફલાવર સ્ટિક્સ રાખી શકાય.

ક્રિએટીવ આઈડિયાઝ
 ચાર-પાંચ કાચના ગ્લાસમાં થોડું પાણી ભરી ફૂલોની પાંદડી નાખો અને એના પર ફ્લોટિંગ કેન્ડલ મૂકી ટ્રેમાં સજાવો.
એક ટ્રેમાં કેટલાંક ગ્લાસ મૂકો. એની અંદર થોડાં જુદા જુદા રંગનાં ફૂલો મૂકી ગ્લાસ ઊંધા મૂકી દો. એની ઉપર ટીલાઈટ અરેન્જ કરો.
 જૂની CD પર મનપસંદ કલર કરો. એના પર મોતી, બીડ્સ, ગ્લિટર્સ, સ્ટોન જેવી વસ્તુઓથી ડિઝાઈન કરી રંગોળીની જેમ કોઈ કોર્નરમાં મૂકી શકાય.
 જો તમારી પાસે જૂના શંખ હોય તો એનો દીવા તરીકે ઉપયોગ કરી શકાય.
 દિવાળીમાં બાલ્કનીને પણ નવી રીતે સજાવી શકાય. ટેમ્પરરી વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી અલગ લુક આપી શકાય. બાલ્કનીના કોઈ ખૂણામાં સીડી મૂકી તેના પર કલાત્મક રીતે થોડા પ્લાન્ટ્સ અને ફેરી લાઈટ્સ ટીમઅપ કરો. ડિઝાઈનર લેન્ટર્ન અને રંગબેરંગી દીવાથી સજાવો.

 લિવિંગ રૂમમાં શેન્ડેલિયરની ચારે બાજુ ફૂલમાળા લટકાવી શકાય.
 હુલાહુપની આસપાસ ફૂલોની સેર વિંટાળી સીલિંગ પર લટકાવી શકાય.
 બેડરૂમ, ડ્રોઈંગરૂમ, લિવિંગરૂમ વગેરેમાં આર્ટિફિશ્યલ ફલાવર ડેકોરેશન પરફેક્ટ છે. ફૂલની સેર નીચે તમે ડ્રીમ કેચર પણ લટકાવી શકો.
 દરેક રૂમના એન્ટ્રન્સ પર ગલગોટા અને ગુલાબની પાંદડીઓ વેરી વચ્ચે દીવા મૂકો.

આખા ઘરમાં રોનક દેખાશે.
 મિરર વર્ક વોલ હેંગિંગ પણ રૂમની બહાર લટકાવી શકાય.
 આજકાલ મિરર સેલ્ફી યુવાનોને ગમે છે તો ઘરના અરીસાને લાઈટિંગથી સજાવી થોડું વધારે ખૂબસૂરત બનાવીએ. તમે ઈચ્છો તો મિરર ડેકોરેશનમાં લાઈટિંગ સાથે ફૂલોની સેરનો પણ ઉપયોગ કરી શકો.

Most Popular

To Top