મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સૂચન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મેગેઝિન Foreign Affairs માં પ્રકાશિત તેમના લેખમાં ઝરીફે ઈરાનને સલાહ આપી છે કે હવે સમય આવી ગયો છે કે દેશ જીતની જાહેરાત કરીને યુદ્ધનો અંત લાવે અને શાંતિ તરફ આગળ વધે. ઝરીફ, જેમને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં નિષ્ણાત માનવામાં આવે છે અને જેઓ ઈરાનના પરમાણુ કરાર (JCPOA)ના મુખ્ય સૂત્રધાર રહ્યા છે, તેમણે આ સૂચનને એક વ્યૂહાત્મક અને વ્યવહારુ પગલું ગણાવ્યું છે. તેમના મતે, આ રીતે ઈરાન પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખીને યુદ્ધમાંથી સન્માનજનક રીતે બહાર આવી શકે છે. ઝરીફે પોતાના લેખમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરસ્પર અનાક્રમણ કરાર કરવાની પણ ભલામણ કરી છે. આ કરાર હેઠળ બંને દેશો ભવિષ્યમાં એકબીજા પર હુમલો ન કરવાની પ્રતિજ્ઞા લેશે. સાથે જ તેમણે આર્થિક અને વેપાર સંબંધો ફરી શરૂ કરવાની પણ વાત કરી છે, જે બંને દેશોના લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે અને વર્ષોથી ચાલતા અવિશ્વાસને ઘટાડવામાં મદદરૂપ થશે.
ઝરીફે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ સ્વીકારવાનો પણ સંકેત આપ્યો છે. સાથે જ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખુલ્લો મૂકવાનો પ્રસ્તાવ કર્યો છે. તેના બદલામાં તેમણે ઈરાન પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો દૂર કરવાની માંગણી રાખી છે. તેમના મતે, ઈરાને પોતાની સૈન્ય ક્ષમતા અને પ્રતિરક્ષા શક્તિ દુનિયાને બતાવી દીધી છે, તેથી હવે યુદ્ધ આગળ વધારવાની જરૂર નથી. આ સમયે શાંતિ વાટાઘાટો શરૂ કરવી એ સૌથી યોગ્ય પગલું છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે, તો તેનો ફાયદો માત્ર ઈરાન કે અમેરિકા સુધી મર્યાદિત નહીં રહે. ભારત જેવા દેશોને પણ તેનો સીધો લાભ મળશે. ક્રૂડ ઓઇલ અને LPG સપ્લાય વધુ સરળ બનશે, વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઘટી શકે છે અને ભારતનું અર્થતંત્ર મજબૂત બની શકે છે. સાથે જ ઈરાનના ચાબહાર બંદર મારફતે ભારતની મધ્ય એશિયા સુધીની પહોંચ વધુ મજબૂત બનશે. આ રીતે, ઝરીફનો ‘ફોર્મ્યુલા’ મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. હવે જોવાનું રહેશે કે ઈરાન અને અમેરિકા આ દિશામાં આગળ વધે છે કે નહીં.