SURAT

ઉધના, વલસાડથી યુપી-બિહાર માટે અનારક્ષિત છઠ્ઠ પૂજા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય

સુરત: પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તરભારત જતાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો 14થી 29 ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તરપ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડશે, જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે.

  • મુસાફરોની ભીડને ધ્યાને રાખી રોજ યુપી, બિહાર માટે ટ્રેનોની જાહેરાત
  • પશ્ચિમ રેલવેના GM ઉધના સ્ટેશનનું નિરીક્ષણ કર્યું

સોમવારના રોજ સાંજે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક ગુપ્તાએ ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને હોલ્ડિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તહેવારોની સિઝનમાં વધતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે ઉધના તથા વલસાડથી રેગ્યુલર અનારક્ષિત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ઉધના–ભાગલપુર અનારક્ષિત સ્પેશિયલ, ઉધના–સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ, વલસાડ–બરૌણી અનારક્ષિત સ્પેશિયલ દોડાવવાનું નક્કી કર્યું છે.

આ તમામ ટ્રેનો સંપૂર્ણ અનારક્ષિત હશે. તેમજ દરેક ટ્રેનમાં 20 કોચ હશે, જે મુસાફરોની ભીડને સમાવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે. સ્ટેશનો પર ખાસ જાહેરાતો અને નોટિસ બોર્ડ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવશે, જેથી કોઈ અસુવિધા ન થાય.

ઉધનાથી ઊપડતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09081-09082: ઉધના-ભાગલપુર અનરિઝર્વ્ય સ્પેશિયલ ટ્રેન
    આ ટ્રેન ઉધનાથી દરરોજ સવારે 11:15 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે રાત્રે 8:00 વાગ્યે ભાગલપુર પહોંચશે. આ ટ્રેન 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કુલ 14 ટ્રિપ કરશે.
  2. ટ્રેન નંબર 09091-09092: ઉધના-સમસ્તીપુર અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન
    આ ટ્રેન ઉધનાથી રાત્રે 10:00 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 11:35 વાગ્યે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે.

આગામી 31 ઓક્ટોબર સુધી પાર્સલ બુકિંગ સેવા બંધ
ઉધના સ્ટેશન પરથી આગામી તા. 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી પ્રતિબંધ મુકાયો છે. આ દરમિયાન ઉધના સ્ટેશન પરથી કોઈપણ પ્રકારની વિભાગીય પાર્સલ બુકિંગ, એટલે કે બહાર મોકલાતી (આઉટવર્ડ) કે આવતી (ઇનવર્ડ)ને મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ માત્ર ઉધના પરથી શરૂ કે સમાપ્ત થતી ટ્રેનો પર જ નહીં, પણ ઉધના ખાતે પાર્સલ લોડિંગ અથવા અનલોડિંગ કરતી પસાર થતી ટ્રેનો પર પણ લાગુ રહેશે.

Most Popular

To Top