Comments

નેપાળમાં ચુકાદો: એકધરમૂળથી પરિવર્તન

નેપાળના રાજકારણમાં આ એક ધરમૂળથી પરિવર્તન છે. નેપાળી મતદારોએ આખરે એક સાપેક્ષ રીતે નવા પક્ષની તરફેણમાં નિર્ણાયક જનાદેશ આપ્યો છે. વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની આગેવાની હેઠળની ગઠબંધન સરકારને ‘જનરેશન ઝેડ’ (ઝેન ઝી)ના વિરોધ પ્રદર્શનોએ ઉથલાવી દીધી તેના છ મહિના પછી આ બન્યું છે. 5 માર્ચની ચૂંટણીમાં માત્ર ચાર વર્ષ પહેલાં સ્થપાયેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)એ પ્રતિનિધિ સભાની 165 સીધી રીતે ચૂંટાયેલી બેઠકોમાં જબરદસ્ત બહુમતી મેળવી છે. આ પ્રમાણસર મતના આશરે 50% છે, જેણે દાયકાઓથી નેપાળી રાજકારણ પર વર્ચસ્વ જમાવનારા પક્ષોનો સફાયો કરી દીધો છે. તેના નેતા, રેપરથી કાઠમંડુના મેયર બનેલા બાલેન્દ્ર ‘બાલેન’ શાહ વડા પ્રધાન બનવા માટે તૈયાર છે.

પરંતુ સત્તા સાથે આરએસપીનો આ પહેલો પરિચય નથી. તે 2022માં ગઠબંધન સરકારનો ભાગ હતી અને તેના સ્થાપક રવિ લામિછાને ટૂંકા સમય માટે નાયબ વડા પ્રધાન હતા, પરંતુ તે શ્રેણીબદ્ધ વિવાદોમાં ઘેરાયેલા હતા જેના કારણે તે સરકાર પડી ગઈ. પક્ષે ખુદને મુખ્ય પ્રવાહના પક્ષોના પડકારકર્તા તરીકે રજૂ કરી, એમ કહીને કે તેઓ ભ્રષ્ટાચારને રોકવામાં અને સુશાસન આપવામાં નિષ્ફળ રહ્યા છે.

આરએસપીની વિચારધારા મધ્યમમાર્ગી સિદ્ધાંતો સાથે સુસંગત છે: બજારતરફી અને કલ્યાણકારી તેમજ પ્રગતિશીલ વિચારો ધરાવે છે. ઓલી શાસન સામે ભારે રોષ હતો, ખાસ કરીને ગત વર્ષે 8 સપ્ટેમ્બરની સાંજે વિદ્યાર્થીઓની હત્યા બાદ. મૂળભૂત રીતે, નેપાળનાં લોકોએ નેતાઓની જૂની પેઢીને નકારી કાઢી છે. તેઓ નવી પેઢીને તક આપવા માંગે છે. આ નેપાળમાં સામાન્ય રાજકારણનું વિઘટન છે અને ચહેરાઓની આખી નવી પેઢી નેપાળની સંસદમાં બેસવા જઈ રહી છે.

બાલેન શાહના નેતૃત્વમાં આરએસપીએ 1.2 મિલિયન નોકરીઓ ઊભી કરવાનું અને નેપાળથી સ્થળાંતર ઘટાડવાનું વચન આપ્યું છે, જ્યારે દેશનાં યુવાનો બેરોજગારી અને ઓછા વેતનથી નિરાશ છે. તેના મેનિફેસ્ટોમાં, જેનું શીર્ષક ‘સિટિઝન કોન્ટ્રાક્ટ 202’છે, પક્ષે આ વચનો પણ આપ્યાં છે: – માથાદીઠ આવક 1,447 યુએસ ડોલરથી બમણી કરીને 3,000થી વધુ યુએસ ડોલર કરવી – રાષ્ટ્રના અર્થતંત્રને જીડીપીમાં 100 બિલિયન યુએસ ડોલર સુધી બમણું કરવું – આગામી પાંચ વર્ષમાં સમગ્ર વસ્તી માટે હેલ્થકેર વીમાનો વિસ્તાર કરવો.

લોકોમાં એવી છાપ પડી હતી કે નેતાઓ લોકો માટે નહીં, પરંતુ પોતાનાં રાજકીય હિતો માટે કામ કરી રહ્યા છે. છેલ્લું ગઠબંધન નેપાળી કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુએમએલ)નું અનાખું જોડાણ હતું. પરિણામે, સંસદમાં વાસ્તવમાં કોઈ વિરોધ પક્ષ નહોતો; તે રસ્તાઓ પર હતો. એવું લાગતું હતું કે, આ ગઠબંધન બે પક્ષોના નેતાઓને વિવિધ ભ્રષ્ટાચારના કૌભાંડોથી બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું. આ પરિબળોએ અસંતોષ, નિરાશા અને ગુસ્સામાં ફાળો આપ્યો જે ‘ઝેન ઝી’આંદોલનમાં પ્રતિબિંબિત થયો.

આગામી સરકાર સામે કયા પડકારો હશે? આરએસપીએ ખૂબ જ યુવાન, શિક્ષિત લોકોની પાર્ટી છે જેઓ આદર્શવાદી માનસિકતા સાથે રાજકારણમાં આવ્યા છે. તેની સ્થાપના ચાર વર્ષ પહેલાં લોકપ્રિય ટી.વી. એન્કર રવિ લામિછાને દ્વારા કરવામાં આવી હતી. લોકો પાસેથી આટલો મોટો જનાદેશ મળ્યા પછી તેમના પર પરિણામ આપવા માટે ઘણું દબાણ હશે. તેમણે સાબિત કરવું પડશે કે તેઓ તેમના પુરોગામી કરતાં વધુ સારા છે.

બાલેન શાહ પ્રથમ મધેશી વડા પ્રધાન હોવાનું કહેવાય છે. આનું શું મહત્ત્વ છે? તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મધેશમાં બાલેન શાહનો પ્રથમ રાજકીય દેખાવ જનકપુરમાં થયો હતો, જે મધેશનું રાજકીય અને આધ્યાત્મિક કેન્દ્ર છે. તેમણે મધેશી કુર્તા પાયજામા અને નેપાળનું પ્રતીક ઢાકા ટોપી પહેરી હતી. તેમણે મૈથિલીમાં વાત કરી અને પોતાની જાતને ‘માટીના પુત્ર’ તરીકે રજૂ કર્યા. આનાથી તેરાઈ (મધેશી લોકોનો વિસ્તાર)નાં લોકો આકર્ષાયા, જ્યાં આરએસપીએ લગભગ આખા પ્રદેશમાં જીત હાંસિલ કરી છે. પાટનગરમાં મધેશી વડા પ્રધાનનો વિચાર 10 વર્ષ પહેલાં પણ અકલ્પનીય હતો. આ એક એકીકૃત પરિબળ છે જેણે રાજકીય મતભેદોને ખતમ કર્યા છે.

છેલ્લે, આ પરિણામોનો ભારત અને ચીન માટે શું અર્થ છે? આપણે સ્વીકારવું પડશે કે નેપાળમાં નેતૃત્વની નવી, યુવા પેઢી ઊભરી આવી છે. આપણાં જોડાણો ઐતિહાસિક રીતે પરંપરાગત નેતૃત્વ સાથે રહ્યા છે, પરંતુ આપણે નેતાઓની યુવા પેઢી સુધી પણ પહોંચી રહ્યા છીએ. આ ચૂંટણીમાં એક સારી વાત એ છે કે નેપાળની તમામ ચૂંટણીઓમાં જોવા મળતી ભારતવિરોધી ભાવના આ વખતે અસ્તિત્વમાં નહોતી; તે ખૂબ જ હકારાત્મક બાબત છે.

‘ઝેન ઝી’ વિરોધ અને ત્યાર બાદના ગાળા દરમિયાન ભારતે સુશીલા કાર્કીની વચગાળાની સરકારને મજબૂત ટેકો આપ્યો હતો. અમે ચૂંટણી પ્રક્રિયાને પણ મજબૂત સમર્થન આપ્યું અને નોંધપાત્ર લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો. વડા પ્રધાન મોદીએ વર્તમાન ચૂંટણી બાદ નેપાળને સમર્થનનું ઉષ્માભર્યું નિવેદન જારી કર્યું છે. જ્યાં સુધી ચીનનો સવાલ છે, તેઓ નેપાળમાં એક મજબૂત, એકીકૃત કમ્યુનિસ્ટ શક્તિ વિકસાવવા માટે ઉત્સુક હતા, જેને આ ચૂંટણીએ સંપૂર્ણપણે નકારી કાઢી છે. પાડોશી તરીકે ચીન અને નેપાળ વચ્ચે સારા સંબંધો રહેશે. પરંતુ કમ્યુનિસ્ટ પક્ષોને એકસાથે લાવવામાં ચીનની ભૂમિકા નજીકના ભવિષ્યમાં કદાચ પાછળ ધકેલાઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top