આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષનું અનુમાન છે કે ૨૦૨૬ સુધીમાં ભારતની ઘરેલું આવક (જીડીપી) જાપાનથી આગળ વધી જશે. આ રીપોર્ટને ધ્યાનમાં રાખી નીતિ આયોગના સી.ઈ.ઓ. શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમે જાહેર કરી દીધું કે ભારતનું અર્થતંત્ર હવે ચાર ટ્રિલિયન ડોલરનું છે જે સાથે હવે જાપાનથી આગળ વધી વિશ્વના ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું છે. બી.વી.આર. સુબ્રમણ્યમે આ જાહેરાત કરવામાં જરા ઉતાવળ કરી. જેથી ચારે બાજુ ખૂબ વિવાદ ઊભો થયો. ખેર, આજે નહિ તો કાલે ૧૪૫ કરોડ વસ્તીવાળું, ૩૨ લાખ ચો.કિ. વિસ્તાર ધરાવતા ભારતની કુલ આવક ૧૨ કરોડની વસ્તી અને ૩.૭ લાખ ચો. કિ. વિસ્તારવાળા જાપાન કરતાં આગળ વધી જશે એમાં કોઈ શંકા નથી. વળી, હાલમાં જાપાન આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે એટલે પણ એને વટાવી આગળ નીકળવું આપણે માટે અઘરું નહિ હોય. પણ એથી શું? રાષ્ટ્રીય આવકના આધારે દેશની પ્રગતિના આકલન કરવાની રીત વર્ષો જૂની થઇ ગઈ છે.
હવે વિશ્વમાં માનવ વિકાસ અને સુખાકારીને મહત્ત્વ આપવામાં આવે છે. એ હાંસિલ કરવા માટે નાણાં જોઈએ એ પૂરતું રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીનું મહત્ત્વ ખરું, એટલે હજુ એ અગત્યનો સૂચકાંક ખરો પણ એનાથી વિકાસ અંગે ઝાઝી માહિતી મળતી નથી. જાપાનની માથાદીઠ ૫૩ હજાર ડોલરની આવક સામે ભારતની માથાદીઠ આવક દસ હજાર ડોલર જ છે! માથાદીઠ આવકના ક્રમાંકમાં જાપાન ૩૮મા સ્થાને છે જ્યારે ભારત ૧૪૪મા સ્થાને છે. જાપાનમાં વર્ષોથી લગભગ ૧૦૦ ટકા સાક્ષરતા છે જ્યારે ભારત ૮૦ ટકાની આસપાસ છે અને આર્થિક-સામાજિક કારણોસર થતાં ડ્રોપ આઉટ રેટ સાથે સંઘર્ષ કરે છે.
આ જ રીતે આરોગ્ય, રહેઠાણ અને અન્ય સુવિધા અંગે પણ જાપાન અને ભારતની તુલનાનો કોઈ આધાર નથી. રાષ્ટ્રીય ઘરેલું આવકનો (જીડીપી) મતલબ સમજવા માટે પહેલાં એ સમજવું પડે કે આ આંકડામાં અદાણી – અંબાણીની અધધધ આવકથી માંડીને બે છેડા ભેગા કરવાની મથામણ કરનાર સફાઈ કર્મચારી સુધીના ભારતીય નાગરિકની આવક આવી ગઈ. જીડીપી કયા દરે વધે છે એ અર્થતંત્રના સ્વાસ્થ્યને સમજવા અલબત્ત જરૂરી છે. પણ, એ આવક કોના હિસ્સામાં કેટલી જાય છે એ પણ તો સમજવું પડે. ભારતમાં રાષ્ટ્રીય આવકનો ૨૨ ટકા અને રાષ્ટ્રીય સંપત્તિનો ૪૦ ટકા હિસ્સો તો માત્ર ટોચના એક ટકા જેટલા ધનાઢ્ય વર્ગ પાસે જ જાય છે.
જ્યારે નીચેની ૫૦ ટકા વસ્તીના હિસ્સામાં સંપત્તિનો ૧ ટકા ભાગ આવે છે! તાજેતરમાં જાહેર થયેલા ગયા નાણાંકીય વર્ષના આંકડા બતાવે છે કે જીડીપી ૬.૫ ટકાના દરે વધી, જે અન્ય ઘણા દેશોની સરખામણીએ ઘણો સારો વૃદ્ધિદર છે. ગયા વર્ષની સરખામણીએ કૃષિ અને સરકારી ક્ષેત્રમાં વૃદ્ધિદર વધારે છે, જ્યાં પ્રચ્છન્ન બેરોજગારીનો પ્રશ્ન વ્યાપક છે. નવો રોજગાર ઊભો કરતા ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં વૃદ્ધિદર ધીમો પડ્યો છે. એટલે બેરોજગારી કે નબળી ગુણવત્તાવાળી રોજગારીના પ્રશ્ન સાથે હજુ ઝૂઝવું પડશે. રોજગારી વિના જીડીપીનો લાભ લોકો સુધી પહોંચશે કેવી રીતે?
જીડીપીના આંકડા રાજકીય હેતુ માટે વધારે વપરાય છે. મોટા દેખાતા આંકડાથી લોકોને આંજી દેવું સહેલું છે. શરત એટલી કે એની બારીકી સમજવા જરૂરી વિશ્લેષણ નહિ કરવાનું. રાષ્ટ્રીય આવકની વૃદ્ધિનો ફાયદો ધીમે ધીમે નીચલા વર્ગ સુધી પહોંચશે એ અવધારણા તો ભારતનું અર્થ તંત્ર વર્ષો પહેલાં ખોટી સાબિત કરી ચૂક્યું છે. ગરીબી ચોક્કસ ઘટી હોવા છતાં લોકોનું જીવન સુધર્યું કે નહિ એ માત્ર ઘરમાં ટી.વી. હોવાથી કે હાથમાં મોબાઈલ ફોન હોવાથી નક્કી કરી શકાતું નથી. કારણકે, આવકની અસમાનતાની સાથે આર્થિક-સામાજિક તકમાં પણ અસમાનતા ઊભી થાય છે જેને કારણે ‘સારું અને સુખી જીવન’નામના ગાજર પાછળની તેમની દોટ પેઢીઓની પેઢીઓ સુધી પૂરી નથી થવાની.
જે નોકરી શોધવાના ફાંફા મારતાં હોય અથવા જેના વેતનમાં વૃદ્ધિ ફુગાવાને પહોંચી ના વળતી હોય એવી વ્યક્તિ પણ વધેલા જીડીપીના દરને વધાવવા શાસક પક્ષના પ્રવક્તાનું કામ કરવા લાગતા હોય છે. હકીકતમાં તેઓ એક ભ્રમણામાં જીવે છે કે અર્થતંત્ર તો સારું કામ કરી જ રહ્યું છે પણ, તેમનું વ્યક્તિગત ‘નસીબ’ખરાબ છે, અથવા તેમનું કૌશલ ઓછું પડે છે! ઘણી વાર આર્થિક સંકડામણને કારણે હતાશાનો ભોગ બનતા હોય છે જે વાત ક્યારેક આત્મહત્યા સુધી પહોંચી જાય છે. પણ, એ સવાલ નથી ચર્ચાતો કે આવકની વૃદ્ધિ જાય છે ક્યાં? એનો ફાયદો સામાન્ય ભારતીય સુધી કેમ નથી પહોંચતો.
આ પ્રશ્ન લોકમાનસ પર ઊભા નહિ થવા દેવાના જેથી માળખાકીય પ્રશ્નનો જવાબ લોકો પોતાની વ્યક્તિગત મર્યાદામાં શોધવા લાગે. જ્યારે ચમકીલા આંકડા લોકો સમક્ષ આવે ત્યારે દરેક વ્યક્તિએ પહેલાં પોતાની પરિસ્થિતિમાં આવેલા ફેરફારને જોઈ અર્થતંત્રનું આકલન કરવું જોઈએ – શું તેમને રોજગાર મળ્યો? આવક વધી? સામાજિક સુરક્ષા મળી? બચત વધી? જો આ પ્રશ્નોના જવાબ જો મોટા ભાગનાં નાગરિકો માટે હકારાત્મક હોય તો વધેલી જીડીપી ઉત્સવનો અવસર છે, બાકી મંઝિલ દૂર છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.