દિનપ્રતિદિન પર્યાવરણની સમતુલા ઘટતી જાય છે. તેની પાછળનું કારણ પાંખાં થતાં જંગલો અને વૃક્ષોનું આડેધડ છેદન કારણભૂત છે. આ બાબતે પંન્યાસ-પ્રવર પૂ. પદમદર્શનજી મહારાજે માંડવીના જૈન ઉપાશ્રય ખાતે ધર્મસભામાં કહ્યું હતું કે ગામડાં કે શહેરોમાં જયારે માર્ગ-પહોળા કરવાનું કામ શરૂ કરવામાં આવે ત્યારે પહેલાં નડતરરૂપ વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે. જેથી અસંખ્ય વૃક્ષોનું નિકંદન નીકળી જતું હોય છે. વૃક્ષોનું નિકંદન ન કાઢો, પરંતુ વધુ વૃક્ષો વાવીને તેનું સંવર્ધન કરો તેમાં જ માનવજાતની ભલાઈ છે કેમ કે વૃક્ષો જાતે તાપ-તડકો સહન કરીને બીજાને છાંયડો આપે છે. તમારાં બાળકોને સંપત્તિની સાથે સાથે સંસ્કારનું ભાથું આપો. માણસ આજે ભૌતિક સુખ માટે પાગલ બન્યો છે. પરંતુ ભવિષ્યની સુખ-સમૃદ્ધિ-માટે સત્સંગનો સંગ કેળવો, મોબાઈલનું બેલન્સ પતી જાય એટલે આપોઆપ બંધ થઇ જાય છે. રીચાર્જ કરાવો એટલે ફરી એકટીવ થઇ જાય છે. જીવનમાં સંબંધોનો સરવાળો કરતાં શીખો એવું પ્રેરક પ્રવચનમાં કહ્યું હતું.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બદામ ખાવી જોઈએ પણ પોસાય તો ને?
અભિનેત્રી સોહા અલીખાને કહ્યું છે કે યોગ દિને ‘બદામ ખાવી જોઈએ. બદામ એ મગજનું ઉત્તમ ટોનિક છે. એના સેવનથી આંખો પણ સારી રહે છે. યોગ દિવસે નહિ પણ કાયમ બદામનું સેવન કરવા જેવું છે. પણ સોહા અલીખાનને ખબર જ હશે કે સામાન્ય માણસનું તો બદામ ખરીદવાનું ગજું જ નથી. આજે જયારે ખારી સીંગ ખાવાનાં લોકોને ફાંફાં છે, ત્યાં મોંઘીદાટ બદામ કઇ રીતે ખરીદીને ખાવી? સોહા અલી ખાનનો સંદેશ, આમ જનતા માટેનો ન કહી શકાય. એ બદામ ખાવાનો સંદેશ માલેતુજાર લોકો માટેનો હોઇ શકે. મોંઘવારી એની સોળે કળાએ ખીલી ઊઠી છે. એ સ્થિતિએ સામાન્યજનને મોંઘીદાટ બદામ કઈ રીતે નસીબમાં હોઇ શકે અને ‘યોગદિન’ એક દિવસ બદામ ખાવાથી કાંઇ આપણી તંદુરસ્તીને ઝાઝો ફાયદો પણ ના થાય. હા પોસાય એને કાયમી ધોરણે ખાવાથી ફાયદો થાય, એ પણ સાચું છે.
સુરત – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.