ગાંધીનગર,તા.27
વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ બજેટ “વિકસિત ગુજરાતનો દસ્તાવેજ નહીં, પરંતુ દેવા અને દેખાવનો દસ્તાવેજ” છે. તેમણે દાવો કર્યો કે રાજ્યના કુલ બજેટ કરતા દેવું વધારે છે અને ગુજરાત પર અંદાજે રૂ. ૪ લાખ ૩૦ હજાર કરોડનું દેવું છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલું આ બજેટ લોકોની આશા-અપેક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. યુવાનો માટે રોજગાર, કાયમી ભરતી અને દિશાદર્શન અંગે સ્પષ્ટ યોજના નથી, જ્યારે ગરીબો, અન્નદાતાઓ અને મહિલાઓ માટે પણ કોઈ મજબૂત રાહતની જાહેરાત કરવામાં આવી નથી.
તેમણે કહ્યું હતું કે કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજારભાવના અભાવે ખેડૂતો આર્થિક સંકટમાં છે, છતાં પૂર્ણ દેવા માફી અંગે બજેટમાં કોઈ જોગવાઈ નથી. પાક વીમા યોજના અમલમાં લાવવાની માંગ છતાં સરકાર મૌન રહી છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રમાં લઘુત્તમ વેતન સુધારો, ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજન કર્મચારીઓની “સમાન કામ-સમાન વેતન”ની માંગ ફરી અવગણાઈ હોવાનું તેમણે જણાવ્યું. ઓલ્ડ પેન્શન સ્કીમ મુદ્દે પણ સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અમિત ચાવડાએ કહ્યું હતું કે મોંઘવારીથી પીડાતી ગૃહિણીઓને રૂ. ૫૦૦માં ગેસ સિલિન્ડર જેવી રાહતની અપેક્ષા હતી, પરંતુ બજેટમાં આવી કોઈ જાહેરાત નથી. દેશમાં અનેક રાજ્યોમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનાઓ અમલમાં છે, જેમાં સીધો નાણાકીય લાભ આપવામાં આવે છે, તો ગુજરાતની બહેનોને આવો લાભ કેમ નહીં? “ગુજરાતની બહેનો જ કેમ અળખામણી?” એવો પણ સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
એસસી, એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક સમાજ માટેના બોર્ડ-નિગમોને વસ્તીના પ્રમાણમાં ઓછું બજેટ ફાળવાયું હોવાનું તેમણે જણાવ્યું. સૌથી વધુ રોજગારી આપતા લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર માટે વીજળી, ટેક્સ અથવા જમીન અંગે કોઈ વિશેષ રાહત જાહેર કરવામાં આવી નથી.કુપોષણ સામે લડવા માટે વર્ષોથી ફાળવણી થતી હોવા છતાં પરિણામ સંતોષકારક નથી. સોશિયલ વેલફેર ન્યૂટ્રીશન માટે સરેરાશ ૮ ટકા ફાળવણી હોવી જોઈએ, જ્યારે ગુજરાતમાં ફક્ત ૪ ટકા જ ફાળવાય છે, જે ચિંતાજનક છે. આમ, અમિત ચાવડાએ દાવો કર્યો કે આ બજેટ આંકડાઓની માયાજાળ છે અને સામાન્ય નાગરિકોની વાસ્તવિક સમસ્યાઓને સ્પર્શતું નથી.