‘વાદે વાદે જાય તે તત્વબોધ:’
ભીખુ પારેખકૃત ‘Debating India: Essay on Indian Political Discourse’ Oxford University Press, 2015.’ઉપરોકત સંસ્કૃત ટાંચણનો અર્થ એ છે કે ‘ચર્ચાઓ અને વાર્તાલાપો દ્વારા સત્ય શોધાય છે અને આત્મસાત્ થાય છે’. આ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે: ‘છેક ઇ.પૂ. ૧૦૦૦ થી શરૂ કરીને ગાંધીયુગ સુધી ભારતમાં જાહેર વાદવિવાદોથી શરૂ કરીને હિંદુ ક્રાંતિકારી રાષ્ટ્રવાદીઓ, ટાગોર, નહેરૂ અને આંબેડકર સાથેના ગાંધીજીના વાર્તાલાપોનું પૃથકકરણ કરવામાં આવ્યું છે. વધારામાં ભીખુભાઇએ અત્યંત ચીવટપૂર્વક ગાંધીજી અને ઓસામા બિન લાદેન જેવી ઐતિહાસિક હસ્તીઓ વચ્ચે કાલ્પનિક ડાયલોગ યોજયો છે. અમર્ત્યસેન કૃત ‘The Argumentative Indian: Writings on Indian History, culture and Identity’ (૨૦૦૫) બાદ ભીખુ પારેખનું ‘Debating India’ પુસ્તક વિશ્વપ્રસિધ્ધ બન્યુ હતું.
આજે ૨૧મી સદીમાં માનવજાતે આકાશને આંબે તેવી સિધ્ધિઓ વિજ્ઞાન, ટેકનોલોજી તથા આધુનિકતા દ્વારા પ્રાપ્ત કરી છે. પણ બીજી તરફ ઉગ્ર રાષ્ટ્રવાદ, ધાર્મિક કટ્ટરતા, અસહિષ્ણુતા, હિંસા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદે વિશ્વભરમાં માનસિક અશાંતિ અને ભયનું સામ્રાજય ફેલાવ્યું છે. તેનો કોઇ ઉકેલ અને વિકલ્પ છે? ભીખુભાઇએ ૨૦૦૪ માં ‘Mahatma Gandhi and Osam Bin Laden: An Imaginary Dialogue’ નામનો નાનકડો પણ અસરકારક લેખ પ્રસિધ્ધ કર્યો હતો અને તે વિશ્વરભરમાં માનવતાવાદી બૌધ્ધિકોમાં ચર્ચાયો હતો. ત્યારબાદ ભીખુભાઇએ આ લેખ સુધારીવધારીને ‘Gandhi and Osama bin Laden: Is a Dialogue possible’ ડિબેટીંગ ઇન્ડિયામાં પ્રસિધ્ધ કર્યો હતો. એમણે ઉમેર્યું છે કે ગાંધી અને બિન લાદેન વચ્ચેનો સંવાદ કોઇ રાજકીય શૂન્યાવકાશમાં થયો નહોતો. અને તેમાં માત્ર બે જણાની જ વાત નહોતી. તેમાં આરબો સહિત મુસ્લિમ સમાજ સામેલ થયો હતો. ૨૦૦૯-૨૦૧૨ નો ‘આરબ સ્પ્રિંગ’ દરમિયાન ગાંધીનાં આચારવિચારથી પ્રભાવિત થઇને પશ્ચિમ એશિયાનાં હજારો મુસ્લિમોએ ટયુનીસીયા, ઇજીપ્ત અને યમનનાં સરમુખત્યારો સામે અહિંસક આંદોલનો કર્યા હતા. આ દૃષ્ટિએ ગાંધીએ માર્ચ ૧૯૦૬ માં ઉપાડેલી ટ્રાન્સવાલ માર્ચથી શરૂ કરીને માર્ચ સુધીની અહિંસક સિવિલ ડિસઓબીડીયન્સ મુવમેન્ટ દીવાદાંડીરૂપ છે. આજે તેની ખાસ જરૂર છે.
ગાંધી અને બિન લાદેન:
સમાનતા અને ભિન્નતા:
ભીખુભાઇનાં કહેવા પ્રમાણે ગાંધીજી અને બિન લાદેન વચ્ચે કેટલુંક સામ્ય હતું. તેઓ અત્યંત ધાર્મિક હતા અને પોતપોતાનાં નૈતિક મૂલ્યો માટે જાન આપવા તૈયાર હતા. તેઓ બન્ને પશ્ચિમની ભૌતિકવાદી, ભોગવાદી, લશ્કરવાદી અને સામ્રાજયવાદી સંસ્કૃતિનાં આકરા ટીકાકાર હતા. આમ છતાં તેમનો માનવ ઇતિહાસ પ્રત્યેનો તેમજ માનવ સમસ્યાઓને જોવાનો અભિગમ ભિન્ન હતાં. ધર્મની બાબતમાં ગાંધી સર્વસમાવેશક (inclusive) હતા. તેઓ અહિંસા અને સર્વધર્મ સમભાવની ભાવનાનાં પૂજારી હતા. તેથી જ હેરી થુકુ, નેલ્સન મંડેલા અને ડેસમન્ડ ટુટુ જેવા અશ્વેત આફ્રિકન નેતાઓ તેમજ માર્ટિન લ્યુથર કિંગ જુનીયર જેવા અમેરિકન નેતાએ ગાંધીનાં જીવન અને કવનમાંથી પ્રેરણા લઇને રંગભેદની નીતિ સામે અહિંસક આંદોલનો કર્યા હતા.
ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણનાં ૨ જાન્યુઆરી,૨૦૨૨ નાં અંકમાં કિરણ કાપૂરેએ ‘મુખર વિશ્વનાગરિક ડેસમન્ડ ટુટુ ની વિદાય’ નામનો લેખ પ્રસિધ્ધ કરીને આ વાતને સમર્થન આપ્યું છે. ગાંધીની જેમ આર્કબિશપ ટુટુએ પણ રાજકારણમાં ધાર્મિક અને નૈતિક રૂઢ શબ્દો ઉમેરીને રાજકારણને ઉન્નત બનાવ્યું હતું. બીજી તરફ બિન લાદેનનો ઇસ્લામ પ્રત્યેનો અભિગમ સર્વસમાવેશક નહીં પણ મુસ્લિમ કોમ પૂરતો એકાંકી (exclusive) હતો. ઇસ્લામને જગતભરમાં ફેલાવવા એમણે હથિયારબધ્ધ તાલિબાની આતંકવાદીઓ તૈયાર કર્યા હતા. પાકિસ્તાન આતંકવાદનો ગઢ ગણાતું હોવાથી બિન લાદેન ત્યાં છૂપાઇ ગયા હતા. પણ પાકિસ્તાનનાં અબોટાબાદમાં અમેરિકી સૈનિકોએ એમને તા. ૨-૫-૨૦૧૧ નાં રોજ ઠાર કર્યા હતા. ગાંધી અને બિન લાદેન જુદા-જુદા કારણોસર ગોળીબારનો ભોગ બન્યા હતા! હવે ગાંધી અને બિન લાદેન વચ્ચેનો સંવાદ. ભીખુભાઇએ તેમને સંવાદીય ભેરુઓ કહ્યા છે.
બિન લાદેન
વહાલા મહાત્મા ગાંધી,
જયારથી મારા અનુયાયીઓએ કેનિયાની એમ્બેસી, યેમેનની યુએસએસ હોલ, ન્યુયોર્કનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટન DC નું પેન્ટાગોન ભસ્મિભૂત કર્યું છે ત્યારથી અમે જાણે સૃસંસ્કૃત દેશોનાં દુશ્મન હોઇએ તેમ ગણીને અમારો સંહાર કરવામાં આવે છે. પણ ખરો વાંક અમેરિકા અને પશ્ચિમી દેશોનો છે. તે મુસ્લિમ દેશો સહિત સમગ્ર વિશ્વ પર પોતાનો પગદંડો મજબૂત કરી રહ્યાં છે. મારી જેમ તમે પણ પશ્ચિમનાં સામ્રાજયવાદ અને ભૌતિકવાદનાં દુશ્મન હોવાથી મને આપના સહકારની જરૂર છે. તેથી આ પત્ર લખ્યો છે.
ઇસ્લામ મહાન ધર્મ છે. તેની નૈતિક અને ધાર્મિક તાકાત હેઠળ ભેગા થઇને મુસલમાનોએ ૧૩ મા સૈકામાં ઓટોમન સામ્રાજય સ્થાપીને દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં રાજ કર્યું હતું. સદીઓ સુધી અમારા ઇસ્લામી ભાઇઓએ ભારત સહિત મોટાભાગનાં વિશ્વ ઉપર રાજય કર્યું હતું. પણ ત્યારબાદ બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બીજા યુરોપીય દેશોએ ઔદ્યોગિક ક્રાંતિ કરીને અમારા ઓટોમન સામ્રાજયનો નાશ કર્યો હતો. પશ્ચિમના પાશવી નેતાઓએ મુસ્લિમ દેશો સહિત વિશ્વનાં અન્ય દેશોને ગુલામ બનાવ્યા હતા એટલું જ નહીં પણ તેમણે બીજા વિશ્વયુદ્ધ બાદ પેલેસ્ટાઇનનું વિભાજન કરીને ત્યાં યહૂદીઓને વસાવ્યા હતા.
તેમણે પેલેસ્ટાઇનનાં આરબોને મારીહઠાવીને યહૂદીઓ માટે ઇઝરાયલ રાજય બનાવ્યું હતું. આરબ વિશ્વનાં હૃદયનાં ટુકડાં કરીને યુરોપ અને અમેરિકાએ ઇઝરાયલ દેશ ઊભો કર્યો છે, તેથી અમે તેનો મદાર્નગીથી વિરોધ કરી રહ્યા છીએ. યુરોપ-અમેરિકાને ફકત હિંસાની ભાષા જ આવડતી હોવાથી અમે પણ તેમને વળતા પ્રહારો કરીને નમાવીશું. મારો મુખ્ય આશય અમેરિકાની પકડમાંથી મુસ્લિમ દેશોને છોડાવવાનો છે તેમજ યહૂદી પ્રજા ધરાવતા ઇઝરાયલનો નાશ કરીને મુકત પેલેસ્ટાઇન સ્થાપવાનો છે. અમેરિકાએ અમારું ધન, અમારું તેલ અને અમારો ધર્મ લૂંટયા છે તેથી અમે તેને છોડીશું નહીં. મેં આપને મારી વાત સમજાવી. મને તમારી મદદની જરૂર છે.
ગાંધીજી:
વહાલા ઓસમા બિન લાદેન,
તમારો પત્ર વાંચીને મને મારા અનુભવો યાદ આવ્યા. હું તો છેક ૧૯૦૮ થી મારા પોતાનાં દેશનાં હિંસામાં માનતા ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓથી પરિચિત છું. હું લંડનમાં સાવરકર, મદનલાલ ઢીંગરા, અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા હિંસામાં માનતા આતંકવાદીઓના પરિચયમાં આવ્યો હતો. તે સમયે પણ હું એમ માનતો હતો કે દેશનાં સ્વાતંત્ર્ય અને ઉધ્ધાર માટે પણ હિંસાખોરી કરવી તે ગાંડપણ છે. ૧૮૯૩ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં મેં અહિંસાના સફળ પ્રયોગો કર્યા હતા. ત્યારથી શરૂ કરીને મારા મૃત્યુ સુધી મેં મારા દેશનાં હિંસક મનોવૃત્તિ ધરાવતા રાષ્ટ્રવાદીઓનો વિરોધ કર્યો હતો. મારા આતંકવાદી દેશવાસીઓની જેમ હું તમારી બહાદુરી તથા બલિદાન આપવાની તૈયારીનો પ્રસંશક છું. તેમ છતાં હું દૃઢપણે માનું છું કે, હિંસા કરતાં અહિંસા દ્વારા સામાનું મન જીતી લેવું તે વધારે ટકાઉ છે. અહિંસા અને સત્યાગ્રહ નૈતિક તેમજ વ્યવહારિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે.
તમે સામ્રાજયવાદનો વિરોધ કરી રહ્યા હોવા છતાં તેનાં સમર્થક છો. તમે યુરોપીય સામ્રાજયવાદનો વિરોધ કરો છો તેનું કારણ તમારો સામ્રાજયવાદ સામેનો વિરોધ નથી, પણ યુરોપે તમારા સામ્રાજયો નષ્ટ કર્યા તેથી તમે તેનો વિરોધ કરો છો. મુસ્લિમ વિજેતાઓએ આફ્રિકન સંસ્કૃતિ અને ધર્મોનો નાશ કર્યો હતો. હવે તમે અમેરિકાને ભાંડો છો કારણકે તે તમને ઇસ્લામી સામ્રાજય ફેલાવતાં અટકાવી રહ્યું છે. તમે પોતે સામ્રાજયવાદી હોવાથી તમારો સામ્રાજયવાદ સામેનો વિરોધ પોકળ, પ્રપંચી અને દંભી લાગે છે. તમારી મુરાદ જગતમાં ‘સાચો ઇસ્લામી સમાજ’ સ્થાપવાની છે. પણ ખુદ તમારા મુસ્લિમ ભાઇબહેનો પણ આવાં ગાંડપણનાં વિરોધી છે. તમે પશ્ચિમને નાસ્તિક કહો છો, પણ પશ્ચિમમાં પણ લોકો ધાર્મિક છે અને તેઓ કલ્યાણ રાજયની સ્થાપના કરીને ગરીબોનાં ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. પશ્ચિમનાં કેટલાયે બૌધ્ધિકો મુસ્લિમ આતંકવાદનાં કારણો શોધીને વિશ્વશાંતિ સ્થાપવાનો પ્રચાર કરી રહ્યા છે.
તેથી તમે એમ ના માનશો કે માત્ર ઇસ્લામ મુસલમાનો જ મહાન છે અને ધર્મનાં રખેવાળો છે. દરેક ધર્મની મર્યાદા હોય છે. તેથી તમે તમારા ધર્મની મહાનતાની સાથે તેની મર્યાદાઓ પણ જુઓ. મેં પોતે પણ મારા ધર્મની મર્યાદાઓ જોઇને તેની ઉણપો દૂર કરવાનાં પ્રયાસો કર્યા હતા, અને અસ્પૃશ્યતા નિવારણ માટે આંદોલનો પણ કર્યા હતા. પણ તમારામાં જરાપણ સહનશકિત નથી. ઇસ્લામનાં સામાજિક કલેવરમાં સુધારો કરવાની તમારી કોઇ યોજના પણ નથી. ભાઇ બિન લાદેન, મને તમારી આતંકવાદી રીતરસમો માત્ર નૈતિક દૃષ્ટિએ જ નહીં પણ વ્યવહારિક દૃષ્ટિએ પણ ખોટી લાગે છે. તમે અમેરિકા સામે શસ્ત્રો ઉગામશો તો એ વધારે પાવરધો દેશ શું શાંત બેસી રહેશે? હિંસા અને દમનનીતિથી ઇતિહાસમાં કોઇનું પણ ભલું થયું નથી. મનુષ્યની જિંદગી અત્યંત મહત્વની છે. નૈતિક દબાણ જેવું બીજું એક પણ ઉત્તમ શસ્ત્ર નથી. જે કાર્ય માત્ર રેશનલ દલીલો તથા કાર્યપધ્ધતિથી સિધ્ધ થતું નથી તે કાર્ય આત્મદમન, આત્મભોગ અને મોરલ પ્રેશર દ્વારા સિધ્ધ થઇ શકે છે.
ભીખુભાઇએ ખૂબ વિચાર કરીને બિન લાદેન અને ગાંધીજી વચ્ચે યોજેલો આ વાર્તાલાપ આજે માનનીય છે. આપણાં દેશમાં ધિકકારની વાણી એવી પ્રબળ બનતી જાય છે કે ભારતનાં ઉપપ્રમુખ વેંકૈયા નાયડુએ તા. ૩ જાન્યુઆરી,૨૦૨૨ નાં રોજ જાહેર વ્યાખ્યાનમાં કહ્યું: ‘Hate speech goes against our ethos and constitutional rights.’ આ બાબતમાં ૨૦૧૯ માં પ્રો. ભીખુ પારેખે પ્રસિધ્ધ કરેલ ગ્રંથ ‘Ethnocentric Political Theory: The Pursuit of Flawed Universals’ ખાસ ધ્યાનાકર્ષક છે. તેમાનું એક પ્રકરણ ‘Regulating Hate Speech’ તો અત્યંત ઉપયોગી છે અને તે આ લેખને વ્યાપક સંદર્ભમાં સમજવા – મૂલવવામાં મદદરૂપ છે.