ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કુલ ૫૧૦૦૦૦ જેટલા લોકોના મૃત્યુ કોવિડ-૧૯થી થયા હોવાનું ભારત સરકારના સત્તાવાર આંકડાઓ જણાવે છે પરંતુ હાલમાં કેટલાક વૈજ્ઞાનિકોએ ગણતરીના એક નવા મોડેલના આધારે કરેલા અભ્યાસનો અંદાજ સૂચવે છે કે ભારતમાં આ રોગથી ખરેખરો મૃત્યુઆંક ઘણો જ વધારે છે. આ અભ્યાસના તારણો ઘણા જ ચોંકાવનારા છે અને ભારત સરકારને માટે આંચકા સમાન છે. જો કે આ પહેલો અભ્યાસ નથી કે જેમાં એમ કહેવાયું હોય કે ભારતમાં કોવિડ-૧૯થી મૃત્યુઆંક સરકારે રજૂ કરેલા સત્તાવાર મૃત્યુઆંક કરતા ઘણો જ ઉંચો હોઇ શકે છે. સામાન્ય પ્રજાજનોમાં પણ એ ચર્ચા અને સમજ વ્યાપક છે કે ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાથી જે મૃત્યુઓ થયા છે તેમાં ખરેખરો મૃત્યુઆંક તો ઘણો જ ઉંચો હોઇ શકે છે કારણ કે ઘણા બધા કેસો તો નોંધાયા જ નથી અને ઘણા બધા મૃત્યુઓ એવા હોઇ શકે છે જે ખરેખર કોવિડને કારણે થયા હોય પરંતુ ખુદ મૃતકના કુટુંબીજનો તે બાબતથી અજાણ હોય કે પછી આ બાબત સંતાડવામાં આવી હોય.
એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે નવા ગણિતિક મોડેલના આધારે ભારતના કોવિડથી મૃત્યુઆંકની ફરીથી ગણતરી કરી છે અને તેમણે અંદાજ મૂક્યો છે કે ભારતમાં કોવિડ-૧૯ના રોગથી ૩૭ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા હોઇ શકે છે જે વિશ્વમાં સૌથી ઉંચો આંક છે અને ભારત સરકારના સત્તાવાર આંકડા કરતા આ સાત ગણો મોટો આંકડો છે. યુનિવર્સિટી ઓફ પેરિસના પ્રોફેસર ક્રિસ્ટોફ ગિલમોટો, કે જેઓ વસ્તીના આંકડાઓની બાબતના નિષ્ણાત છે તેમણે ભારતના સૌથી વિકસીત અને શિક્ષિત રાજ્ય કેરળના આંકડાઓના આધારે આ નવી ગણતરી માંડી છે. કેરળ સરકાર જ ભારતમાં એક એવી રાજ્ય સરકાર છે કે જેણે કોવિડથી મૃત્યુઆંક વય, લિંગ અને મૃત્યુની તારીખ સહિતની વિગતો સાથે ચોકસાઇપૂર્વક બહાર પાડ્યા છે અને આ આંકના આધારે પ્રો. ગિલમોટોએ ભારતના અન્ય રાજ્યોના સંભવિત મૃત્યુઆંકની પણ ગણતરી કરી છે.
પ્રો. ગિલમોટો તો એમ પણ કહે છે કે તેમનો આ અંદાજ પણ ઓછો હોઇ શકે છે અને ખરેખરો મૃત્યુઆંક તેમના અંદાજ કરતા પણ વધારે હોઇ શકે છે કારણ કે તેમણે પોતાની ગણતરીમાં દુર્ગમ ગરીબ, પછાત વિસ્તારોને તો ગણતરીમાં લીધા જ નથી. પેરિસ યુનિવર્સિટીના આ નિષ્ણાતે માંડેલી ગણતરી સૂચવે છે કે કોવિડ-૧૯ના કારણે સૌથી વધુ મૃત્યુઓ ભારતમાં જ થયા હોઇ શકે છે. અત્યાર સુધી અમેરિકા આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ માનવામાં આવે છે જ્યાં સૌથી વધુ કેસો અને સૌથી વધુ મૃત્યુઓ કોવિડ-૧૯થી નોંધાયા છે. અમેરિકામાં કોવિડ-૧૯ના કારણે ૯પપ૦૦૦ કરતા વધુ લોકોના મોત થયા હોવાના સત્તાવાર આંકડા છે. બીજા ક્રમનો અસરગ્રસ્ત દેશ હવે ભારત બની ગયો છે જ્યાં સત્તાવાર મૃત્યુઆંક તો પાંચ લાખ દસ હજાર જેટલો છે પરંતુ જો ફ્રેન્ચ નિષ્ણાતનો અંદાજ સાચો હોય તો આખી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ભારત જ ગણી શકાય અને સૌથી વધુ મૃત્યુઓ પણ ભારતમાં જ થયા હોય. એટલું જ નહીં ભારતનો મૃત્યુઆંક અમેરિકાના મૃત્યુઆંક કરતા પણ ચાર ગણો જેટલો થઇ જાય.
જો કે આ પહેલી વખત નથી કે જ્યારે ભારતમાં કોવિડ-૧૯થી થયેલા મૃત્યઓના સત્તાવાર આંક કરતા ખરેખરો આંક ઘણો ઉંચો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હોય. આ પહેલા વિશ્વના એક જાણીતા આર્થિક અખબારે પણ ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાથી ખરેખરો મૃત્યુઆંક સત્તાવાર આંક કરતા છ ગણો વધુ હોવાનો અંદાજ મૂકાયો હતો. તે સમયે સરકારના કેટલાક મંત્રીઓએ આ અહેવાલ સામે આકરી પ્રતિક્રિયાઓ આપીને આ અંદાજ ફગાવી દીધો હતો. બીજા પણ અનેકે અંદાજ મૂક્યો છે કે ભારતમાં કોવિડ-૧૯થી ખરેખરો મૃત્યુઆંક ઘણો જ ઉંચો છે. ભારતમાં ટેસ્ટિંગના ઓછા પ્રમાણને લીધે કોવિડના ખરેખરા કેસો નોંધાયેલા કેસો કરતા ઘણા જ વધારે હોવાની વાતો લાંબા સમયથી થાય જ છે અને તેમાં તથ્ય જણાય જ છે.
જો ખરેખરા કેસો વધારે હોય તો દેખીતી રીતે તેમના કારણે થયેલા મૃત્યુઓ પણ વધારે જ હોય. ઓછા ટેસ્ટ, પ્રજામાં જાગૃતિનો અભાવ વગેરે કારણોસર ઘણા કેસો અને મૃત્યુઓ નોંધાયા વગરના રહી ગયા હોય તે શક્ય છે જ. ગયા વર્ષની શરૂઆતમાં આ રોગચાળાના બીજા મોજા વખતે જે ભયંકર દ્રશ્યો દેશે જોયા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા જેવી નદીઓમાં વહેતી લાશો જોવામાં આવી અને તે સમયે પણ ઉત્તર પ્રદેશ સરકાર તો મૃત્યુઆંક ઘણો ઓછો જ બતાવતી હતી. આ બધી જ બાબતો સૂચવે છે કે ભારતમાં કોવિડથી ખરેખરો મૃત્યુઆંક ઘણો ઉંચો જ હશે. લાગે છે કે કોવિડના કેસો અને તેનાથી થયેલા મૃત્યઓનો સાચો આંક આપણને કદાચ ક્યારેય જાણવા નહીં મળે.