નવસારી : ગાંધી ફાટક પાસે ટ્રેન (Train) અડફેટે છાપરા ગામના યુવાનનું મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના છાપરા ગામે તાડ ફળીયામાં ભાવેશભાઈ ચંપકભાઈ પટેલ (ઉ.વ. 34) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 8મીએ ભાવેશભાઈ ક્યાંક જઈ રહ્યા હતા.
દરમિયાન ગાંધી ફાટક પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેકના થાંભલા નં. 234/24 પાસે ટ્રેનના અડફેટે આવી ગયા હતા. જેથી ભાવેશભાઈનું કપાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રેનના પાયલોટે નવસારી રેલ્વે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. અને નવસારી રેલ્વે સ્ટેશન માસ્તર શિવચરણભાઈ ગુપ્તાએ જલાલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. લક્ષ્મણભાઈને સોંપી છે.
ડુંગરી-જોરાવાસણ વચ્ચે બે ટ્રેનની અડફેટે ગાભણી ગાયોના પણ મોત નિપજ્યા
વલસાડ : વલસાડમાં ડુંગરી અને જોરાવાસણ રેલવે ટ્રેક વચ્ચે રવિવારની રાત્રે બે ટ્રેનની અડફેટે આવી જતાં એક સાથે 24 જેટલા ગૌવંશના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જેને લઇ રેલવે તંત્ર, પોલીસ તેમજ અગ્નિવીર ગૌરક્ષકો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ જ સ્થળે ગત વર્ષે એક સાથે 10 ગાયના મોત નિપજ્યા હતા. ત્યારબાદ આ ઘટના ઘટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ડુંગરી-જોરાવાસણ રેલવે ટ્રેક પર ગતરાત્રે અપ અને ડાઉન બંને ટ્રેકો પર મોટી સંખ્યામાં ગૌવંશ આવી ગયા હતા. જેમને ટ્રેનની ટક્કર લાગતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અંગે ડુંગરી સ્ટેશન માસ્તર તેમજ પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે ગૌરક્ષકોની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ હતી. તેમણે જોતાં ત્યાં એક સાથે 24 ગૌવંશના મોત નિપજ્યા હતા. આ 24 ગૌવંશ પૈકી 4 ગાય ગાભણી હતી. જે પૈકી એક ગાયનું અકસ્માતમાં પેટ કપાઇ જતાં તેનું ભૃણ બહાર આવી ગયું હતુ. બચ્ચાના જન્મ પહેલાં જ તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દુ:ખનું મોજું ફરી વળ્યું હતુ.
આ જ સ્થળે ગત વર્ષે એક સાથે 10 ગાયના મોત નિપજ્યા હતા
અગાઉ પણ આ જ સ્થળે ટ્રેનની અડફેટે ગૌવંશના મોત નિપજ્યા હતા. એક સાથે આટલા ગાય અને બળદ રેલવે ટ્રેક પર કઇ રીતે પહોંચ્યા, એ અંગે તપાસ જરૂરી બની છે. આ બનાવ સંદર્ભે રેલવે વિભાગ તેમજ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.