સુરત : પાંડેસરા (Pandesara) પ્રેમનગરમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના વતની 25 વર્ષિય યુવાને સગાઇ થયાના છ મહિનામાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. નવી સિવિલ હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ મહારાષ્ટ્રના ચાલીસ ગાંવના વતની અને હાલ પાંડેસરા પ્રેમનગરમાં રહેતા સુરેશભાઇ તિરમલેના પુત્ર આકાશ (ઉ.વ.25) ઉધના બીઆરસી માર્કેટમાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતાનું થોડા વર્ષો પહેલા જ નિધન થતા પરિવારમાં માતા તેમજ નાના ભાઇ સાથે આકાશ રહેતો હતો. દરમિયાન આકાશે આજે પોતાના ઘરે લાકડાની વળી સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આકાશના મિત્રોએ જણાવ્યું હતું કે, આકાશે પ્રેમ પ્રકરણમાં આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક કારણ છે. તેણે આપઘાત કરતા પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર કોઇક પોસ્ટ પણ મુકી હતી.
બબ્બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર માનસિક બિમાર યુવાને અંતે ફાંસો ખાધો
સુરત : કાપોદ્રામાં રહેતા અને માનસિક બિમારીથી પિડાતા યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. યુવાને અગાઉ પણ તાપીમાં કુદી જીવન ટુંકાવવા તેમજ એકવાર ગળાના ભાગે ચાકુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કાપોદ્રા જળક્રાંતિ મેદાન પાસે શિવનગર સોસાયટીમાં રહેતા રવિન્દ્ર રમેશભાઈ પંડિત (ઉ.વ.30) મજૂરી કામ કરતો હતો. દરમિયાન મંગળવારે રવિન્દ્રએ સાંજના સમયે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ રવિન્દ્રના ભાઇએ પોલીસને કરી હતી. રવિન્દ્રના પરિવારના જણાવ્યા અનુસાર રવિન્દ્ર માનસિક બિમારી હતો. અગાઉ પણ તેણે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તાપી નદીમાં કુદી ગયો હતો ત્યારે તેને બચાવી લેવાયો હતો. બીજી વખત પોતાના ગળા ઉપર ચાકુ ફેરવી દીધું હતું. જોકે બંને વખત બચી ગયો હતો. પણ હાલમાં ફરીથી તેણે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
વિજલપોરમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિનો આપઘાત
નવસારી : વિજલપોરમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ આપઘાત કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોરમાં ગુજરાત હાઉસિંગ કોલોની ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મુથ્થુપંડી કાશી થેવર (ઉ.વ. 36) તેમના પરિવાર સાથે રહેતા હતા. મુથ્થુપંડી દારૂ પીવાની ટેવ વાળો હતો. જેથી તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી. જે વાતનું મુથ્થુપંડીને ખોટું લાગી આવ્યું હતું. જેના પગલે ગત 27મીએ બપોરે મુથ્થુપંડીએ પોતાના ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકની પત્ની લક્ષ્મીબેને વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. મેહુલભાઈને સોંપી છે.