National

બંગાળમાં બળાત્કારીને થશે ફાંસીની સજા, મમતા સરકાર આ દિવસે વિધાનસભામાં પસાર કરી શકે છે બિલ

પશ્ચિમ બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થઈ શકે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે (28 ઓગસ્ટ) તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદના સ્થાપના દિવસ પર આયોજિત રેલીમાં વિધાનસભા સત્ર બોલાવવાનો સંકેત આપ્યો હતો. કોલકાતા બળાત્કાર-હત્યા કેસ જેવી ઘટનાઓ અંગે મમતાએ કહ્યું હતું કે તેઓ નિર્ધારિત સમયમાં આ જઘન્ય અપરાધના દોષિતોને ફાંસી આપવા માટે વિધાનસભામાં બિલ પસાર કરાવશે. આ બિલ મંગળવારે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

મમતા સરકાર કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા અંગે બેકફૂટ પર છે. આ કેસની પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના નેતૃત્વમાં લોકોએ મમતા સરકાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું છે. સીએમ મમતાના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે. બુધવારે બંગાળમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેની ખાસ્સી અસર જોવા મળી છે. ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ પણ થઈ હતી.

તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદના સ્થાપના દિવસ પર આયોજિત રેલીમાં મમતાએ કહ્યું કે વિધાનસભામાં બિલ પાસ કરાવીને તે સુનિશ્ચિત કરશે કે બળાત્કારના ગુનેગારોને ફાંસીની સજા મળે. જો રાજ્યપાલ સીવી આનંદ બોઝ બિલને મંજૂર કરવામાં વિલંબ કરશે તો વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું, “અમે આવતા અઠવાડિયે વિધાનસભાના વિશેષ સત્રમાં સંશોધન બિલ પસાર કરીશું. પછી અમે તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલીશું. જો તેઓ બિલને લટકાવી દેશે તો અમે રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરીશું.”

કોલકાતા કેસ પછી મમતાના સીએમ પદ પરથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે તેઓએ કહ્યું હતું કે હું ભાજપને પૂછું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મણિપુર અને આસામમાં મહિલાઓ પર અત્યાચાર રોકવામાં નિષ્ફળ ગયા ત્યારે રાજીનામું કેમ ન આપ્યું.” તેમણે કહ્યું કે રાજીનામાની માંગ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે સારી રીતે જાણે છે કે તે ભવિષ્યમાં પણ ચૂંટણી જીતવાના નથી.

Most Popular

To Top