નવી દિલ્હી: ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચનો (ICMR) એક અભ્યાસનો રિપોર્ટ (Reports) સામે આવ્યો છે, જેમાં યુવાનોની અચાનક અને સમય પહેલા થતા મોતના (Death) કારણો અંગે ખુલાસો થયો છે. દેશના 18 થી 45 વર્ષની વય (Age) ધરાવતા લોકો ઉપર સરવે કરવામાં આવ્યો હતો, જેમાં 729 લોકોના મૃત્યુનો અભ્યાસ (Study) કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 રસીકરણથી દેશમાં યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એવા ઘણા પરિબળો છે જેના કારણે અકાળે મૃત્યુની શક્યતા વધી છે.
કોવિડને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારના સભ્યોની અચાનક મૃત્યુ અને જીવનશૈલીમાં થતા ફેરફાર આ બાબતે કારણભૂત હોઇ શકે છે. વધુ પ્રમાણમાં શારીરિક કામ કરવું અને દારૂ અને સિગારેટનું વધુ પડતું સેવન જેવા પરિબળો મૃત્યુનું કારણ હોઇ શકે છે.
આ અભ્યાસમાં સમગ્ર ભારતમાંથી 18 થી 45 વર્ષની વયના લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 1 ઓક્ટોબર 2021 અને 31 માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હોય તેવા લોકોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
અભ્યાસમાં મૃત્યુના 729 કેસનું અવલોકન કરવામાં આવ્યુ હતુ. જેને કોવિડ થયો હોય અને બાદમાં સાજા થઇ ગયા હોય તેવા લોકોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોમાં ધૂમ્રપાન, દારૂનુ સેવન અને વધુ પડતો શારીરિક શ્રમ જેવા તમામ પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. પરંતુ પુખ્ત વયના લોકોમાં આ જોખમ ઓછું થયું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અભ્યાસનો ઉલ્લેખ કરીને લોકોને ચેતવણી આપી હતી કે જે લોકો કોરોનાથી સંક્રમિત છે તેઓએ એક કે બે વર્ષ સુધી વધુ પડતો શારીરિક શ્રમ ટાળવો જોઇએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ કસરત કરવી જોઈએ જેના કારણે હ્દય રોગના હુમલાનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. આ સિવાય આહાર પર પણ વિશેષ ધ્યાન આપવું જરુરી છે.