મહારાષ્ટ્ર: જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં સોમવારે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ચાર લોકોના મોત (Death) થયા હતાં. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. મૃતકોમાં RPF ASI સહિત 4 મુસાફરોનો સમાવેશ થાય છે. આરપીએફ કોન્સ્ટેબલ ચેતને પહેલા એએસઆઈને ગોળી મારી અને પછી અન્ય ત્રણ મુસાફરો પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી.
જીઆરપી મુંબઈના જવાનોએ આરોપી કોન્સ્ટેબલની મીરા રોડ બોરીવલીમાં ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને બોરીવલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બંને આરપીએફના જવાનો ફરજ પર હતા અને સત્તાવાર કામ અર્થે મુંબઈ આવી રહ્યા હતા. આરોપી જવાને પોતાની સર્વિસ ગનમાંથી ફાયરિંગ કર્યું હોવાનું જણાયું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી
આ ઘટના જયપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956)ના કોચ નંબર B5માં સોમવારની વહેલી સવારે 5.23 કલાકે બની હતી. આરપીએફ જવાન અને એએસઆઈ બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ ચેતને ASI ટીકારામ પર અચાનક ગોળીબાર કર્યો હતો. જેથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. DCP પશ્ચિમ રેલવે, મુંબઈના સંદીપ વીએ આ ઘટના અંગે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે જો તેની માનસિક સ્થિતિ સારી ન હતી તો તેને ફરજ પર કેમ મુકવામાં આવ્યો?
DRMએ આપ્યું આ નિવેદન
ડીઆરએમ નીરજ કુમારે કહ્યું, ‘સવારે લગભગ 6 વાગે અમને ખબર પડી કે એક આરપીએફ કોન્સ્ટેબલ, જે એસ્કોર્ટિંગ ડ્યુટી પર હતો, તેણે ગોળીબાર કર્યો. ચાર લોકોને ગોળી વાગી છે. અમારા રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
પોલીસે ટ્રેનના મુસાફરોના નિવેદન નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
બોરીવલી રેલ્વે સ્ટેશનથી ચાર મૃતદેહો (ASI અને ત્રણ મુસાફરો)ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. પોલીસે ઘટના અંગે મુસાફરોની પણ પૂછપરછ કરી રહી હતી. આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી. સદનસીબે આ ગોળીબારમાં વધુ મુસાફરોને ઈજા થઈ નથી. ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસ ટ્રેનના મુસાફરોના નિવેદન પણ નોંધી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ રેલ્વેએ ઘટના અંગે એક નિવેદન જાહેર કર્યું
પશ્ચિમ રેલ્વેએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી, એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.