સુરત: કોરોનાએ સુરતમાં જાણે મોતનું તાંડવ શરૂ કર્યું છે. તંત્ર દ્વારા કોરોનામાં મોતના આંકડાઓ ડેથ ઓડિટ કમિટીના નામે છૂપાવવાના પ્રયાસો સામે કોરોનામાં મોતની ગંભીર સ્થિતિ બહાર આવી રહી છે. સુરતમાં એક જ દિવસમાં કોરોનાની ગાઈડલાઈનથી 200 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ આંકડા જ બતાવી આપે છે કે સુરતમાં કોરોનામાં રોજ કેટલા મોત થાય છે? નવી સિવિલ હોસ્પિ.માં કોરોના પોઝિટિવ, શંકાસ્પદ અને નેગેટિવ મળીને 62ના મોત થયા છે. જ્યારે સ્મીમેરમાં કોરોના પોઝિટિવ 18 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, તંત્ર દ્વારા ચોપડે કોરોનામાં મોતની સંખ્યા માત્ર 14 જ દર્શાવવામાં આવી છે.
શહેરમાં કોરોનાના ટપોટપ મોત થઈ રહ્યાં છે. સ્મશાન ગૃહોમાં પણ લાંબી કતારો લાગી છે. મૃતકના પરિવારજનોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને હાલાકી વેઠવી પડી રહી છે. શહેરની પરિસ્થિતિ દિવસેને દિવસે સુધરવાને બદલે ખબ જ ભયાનક થઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેર મળીને છેલ્લા 24 કલાકમાં કોરોના સંલગ્ન 80 જેટલા લોકોના મોત નિપજયા છે. છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ અને સ્મીમેરમાં કોરોના સંલગ્ન 197 દર્દીના મોત થયાં છે. એકતા ટ્રસ્ટના ફિરોઝ મલેકે જણાવ્યું હતું કે, મોટે ભાગે ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી મૃતદેહોની કતારો લાગી ગઇ છે. નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેરની વાત કરીએ તો આ આંકડો ચોંકાવનારો હોય શકે છે. ખાનગી હોસ્પિટલોમાંથી સો કરતા વધારે લાશો નીકળી રહી છે. જયારે સિવીલ અને સ્મીમેરનો આંક પણ સો કરતા વધારે મોતનો છે.
સ્મીમેરમાં કોના કોના મોત
ગઇકાલની તારીખમાં અલથાણના 66 વર્ષીય પુરુષ, કિમની 49 વર્ષીય મહિલા, પાંડેસરાની 37 વર્ષીય મહિલા, ભટારના 73 વર્ષીય પુરુષ, અમરોલીના 72 વર્ષીય પુરુષ, પુણાગામની 80 વર્ષીય મહિલા, બારડોલીના 48 વર્ષીય પુરુષ, નંદુરબારની 70 વર્ષીય મહિલા, અમરોલીની 75 વર્ષીય મહિલા, પરવટ પાટીયાની 80 વર્ષીય મહિલા જયારે આજે વેસુના 48 પુરુષ, માતાવાડીની 23 વર્ષીય મહિલા, માંગરોળના 60 વર્ષીય પુરુષ, પાલનપુરા પાટીયાના 81 વર્ષીય પુરુષ, મહિધરપુરાના 59 વર્ષીય પુરુષ, મોરાભાગળના 72 વર્ષીય પુરુષ, વેસુના 53 વર્ષીય પુરુષ અને વરાછા એ. કે. રોડના 68 વર્ષીય પુરુષ દર્દીનું મોત નીપજ્યા હતા.
કોરોના નથી પરંતુ મોત થયા હોય તેવા કેસમાં પણ 200 ટકાનો વધારો
શહેરના સ્મશાનગૃહમાં છેલ્લા પંદર દિવસમાં કોવિડની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાઈ રહેલા મૃતદેહોની સરખામણીએ નોન કોવિડના મૃતદેહોની સંખ્યામાં પણ આશ્ચર્યજનક રીતે વધારો નોંધાયો છે. આ વધારો પણ સુરતમાં કોરોનાની ભયાનકતા જ બતાવી રહ્યો છે. બની શકે છે કે આ મોત એવી વ્યક્તિઓના હોય કે જેઓ સારવાર માટે જઈ શકી નથી. તેમના નામો સરકારી ચોપડે કોરોનાગ્રસ્ત તરીકે નોંધાયા નથી. આ રીતે મોતની સંખ્યામાં એકાએક 3થી 4 ગણો વધારો એ ભારે તપાસ માંગી રહ્યું છે.
કોરોના વકર્યા બાદ સ્મશાનમાં લાશોના ઢગલા
શહેરના સ્મશાનગૃહો પાસેથી માહિતી માંગવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમના દ્વારા વધારે આંકડા ન આપવાની જગ્યાએ માત્ર એટલા જ સંકેત આપવામાં આવ્યા હતા કે, છેલ્લા 15 દિવસમાં નોનકોવિડ મૃતદેહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. શહેરના કુરૂક્ષેત્ર, ઉમરા અને અશ્વીનીકુમાર સ્મશાનગૃહની વાત કરીએ તો અહીં સામાન્ય દિવસોમાં કુલ 60 થી 70 મૃતદેહ અંતિમવિધી માટે લવાય છે. પરંતુ કોરોના શરૂ થયા બાદ કોવિડ પ્રોટોકોલ મુજબની રોજની સેંકડો લાશો આવી રહી છે. જેની સામે નોન કોવિડ પ્રોટોકોલથી લાવવામાં આવતા મૃતદેહોની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી છે. જ્યાં પહેલા 60-70 મૃતદેહો આવતા ત્યાં હવે કુલ 120 થી વધારે લાશો નોનકોવિડ પ્રોટોકોલથી આવી રહી છે. સ્મશાનગૃહોમાં લાશોના ઢગલા પડ્યા છે. મૃતદેહોની અંતિમવિધિ માટે 8 થી 10 કલાકની વેઈટીંગ ચાલી રહી છે.
કોવિડ સાથે અન્ય બિમારીઓને નોનકોવિડ ડેથમાં ખપાવવાનો ખેલ
એક તરફ તંત્ર કોરોનાથી મોતનો આંકડો છુપાવી રહી છે. ત્યાં બીજી બાજુ એક નવો જ ખેલ શરૂ કરાયો છે. તંત્ર દ્વારા કોવિડની સાથે અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓનું જો મોત થાય તો તેને કોવિડમાં નહીં પણ ડાયાબિટીસ, પ્રેશર કે અન્ય પ્રકારની બીમારીઓથી મોતમાં ખપાવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો ગભરાઈને સારવાર લેવાનું ટાળે છે અને સામાન્ય તાવ કે લક્ષણો ને અવગણી ઘરે જ રહેતાં મોતને ભેટી રહ્યા છે. આવા લોકોનો ટેસ્ટ કરવામાં આવે તો પોઝિટિવ આવશે તેમાં કોઈ શંકા નથી. જેને કારણે પણ નોનકોવિડ ડેથ રેસ્યો પણ એકાએક વધ્યો છે.
આંકડા છુપાવવા તંત્રનો ખેલ ખુલ્લો ન પડે માટે સ્મશાનગૃહોને ધમકીઓ અપાઇ રહી છે
તંત્રનો ખેલ ખુલ્લો ન પડે તે માટે હવે સ્મશાનગૃહ પર પણ લગામ કસવા પ્રયાસ થઈ રહ્યો છે. સ્મશાનગૃહ પાસેથી આંકડાની માંગણી કરવામાં આવી ત્યારે તેમને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારના આંકડા કોઈપણ વ્યક્તિને તેમની સૂચના બહાર આપવા મનાઇ કરવામાં આવી છે. આ બાબત સ્પષ્ટ રીતે જણાવે છે કે તંત્ર હવે સ્મશાનગૃહમાં મોતના આંકડાને પણ છુપાવી રહી છે.
સુરતના સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કારની 15 દિવસ પહેલાની અને હાલની સ્થિતિ
સ્મશાનગૃહ પહેલા અત્યારે
જહાંગીરપુરા 15-17 50-60
ઉમરા 15-20 30-40
અશ્વનિકુમાર 20-25 70-80
કુલ 50-70 150-200