વડોદરા : શહેરના કાલાઘોડા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક મૃત અવસ્થામાં મગર દેખાદેતા બ્રિજ ઉપર કુતુહલવશ લોકટોળા ભેગા થયા હતા. બનાવની જાણ થતાં વનવિભાગના કર્મચારીઓએ સ્થળ પર આવી પહોંચી ફાયર બ્રિગેડની મદદ વડે મગરના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથધરી હતી.
ફરજ પર હાજર વનવિભાગના કર્મચારીએ જણાવ્યું હતું કે આશરે 8 ફૂટનો વિશાળ મગર મૃત અવસ્થામાં વિશ્વામિત્રી નદીના કિનારે પડ્યો છે. જેથી વનવિભાગ અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આ મૃત મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. 2 દિવસમાં 2 મગરો જ્યારે છેલ્લા 1 મહિનામાં 3 થી 4 મગરોના વિશ્વામિત્રી નદીમાં મોત થયા છે. આ જે મગર છે તેનું બે ત્રણ દિવસ પહેલા મોત થયું હોવાનું લાગે છે. કદાચ ટેરેટરી મગરની ફાઈટ થઈ હોય અથવા પાણી પ્રદુષિત થયું હોય એના લીધે હોઈ શકે.
પરંતુ પીએમ બાદ જ નક્કી કરાશે કે કયા કારણોસર મગરનું મોત થયું છે. નોંધનીય છે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને ક્રોકોડાઈલ પાર્ક માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર થઈ ગઈ છે. જે કામગીરીનું વર્ષો પહેલા બાલ ભુવન કમાટીબાગ ખાતે પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાળકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જે બાદ આ કામગીરી માત્ર કાગળ પર રહેવા પામી છે. અને માત્ર લોકમુખે ચર્ચામાં છે.વર્ષો વીતી ગયા હાલ વિશ્વામિત્રી નદીમાં અસહ્ય ગંદકી પાલિકા દ્વારા જ દુષિત પાણી તેમજ આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા છોડવાતા કેમિકલના કારણે વિશ્વામિત્રી નદી પ્રદુષિત બની છે.જેના કારણે વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો સહિતના જળચર પ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા છે.