મુંબઈ: ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં (Film) જાણીતા અભિનેતા રસિક દવેનું (Rasik dave) મુંબઈ ખાતે નિધન (Death) થયું છે. શુક્રવારની રાત્રે 8 વાગ્યે મુંબઈમાં (Mumbai) તેઓએ પોતાના પ્રાણ છોડ્યા હતા. જણાવી દઈએ કે રસિક દવે મહાભારતમાં તેમના પાત્ર “નંદ” માટે ચર્ચાતા હતા. તેમણે ઘણા ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમજ તેઓ જાણીતી અભિનેત્રી કેતકી દવેના પતિ છે. મળતી માહિતી મુજબ રસિક દવે મુંબઈની એક હોસ્પિટલમાં 2 વર્ષ કરતા પણ વઘુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. અઠવાડિયમાં ત્રણ વખત તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત વધુ બગડી હતી.
જણાવી દઈએ કે અભિનેતા રસિક દવેએ અસંખ્ય હિન્દી અને ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત તેઓએ અનેક ગુજરાતી નાટકો પણ બનાવ્યા છે. રસિક દવે સોની ટીવીના સૌથી વઘુ સમય સુધી ચાલતા શો ‘એક મહેલ હો સપનો કા’ માં જોવા મળ્યા હતા. આ શો 1000 એપિસોડ પૂરો કરનાર પ્રથમ હિન્દી શો તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત દૂરદર્શન પર પ્રસારિત થતી પ્રખ્યાત ટીવી ડિટેક્ટીવ શ્રેણી વ્યોમકેશ બક્ષીમાં પણ તેઓ અભિનય કરતા જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે ટીવીની કલર્સ ટીવી ચેનલ પર સંસ્કાર – ધરોહર અપનોં કીમાં દેખાયા હતા. ટીવી સિવાય, તે 4 ટાઈમ્સ લકી (2012), સ્ટ્રેટ (2009), જયસુખ કાકા અને માસૂમ (1996) જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તે ઈશ્વર (1989) અને જૂઠી (1985)માં પણ જોવા મળ્યા હતા. તેમની પત્ની કેતકી દવે પણ જાણીતી અભિનેતા વ્યક્તિત્વ છે અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી અને હિન્દી ફિલ્મ કલ હો ના હોમાં સૈફની માતા તરીકેની ભૂમિકા માટે જાણીતી છે. આ બંને સ્ટાર દંપતિને સંતાનમાં એક પુત્રી રિદ્ધિ દવે છે. ગુજરાતી અને હિન્દી અભિનય ક્ષેત્રે તેઓએ પોતાનું યોગદાન આપ્યું હતું.