Charchapatra

મૃત્યુ તો નિશ્ચિત જ છે

એક ગામ હતું તેમાં જાતજાતનાં ભાતભાતનાં લોકો સાથે મળીને રહેતાં હતાં અને પોતાનો જુદો જુદો વ્યવસાય કરીને જીવતા હતા.એક દિવસ ગામલોકો સાંજે મંદિરમાં આરતી કરી રહ્યાં હતાં ત્યારે અચાનક એક સાધુ જેવા વ્યક્તિ ત્યાં આવ્યા અને બોલ્યા, ‘બે દિવસ છે તમારી પાસે, પછી આ ગામમાં રહેતા તમારા બધાનો છેલ્લો દિવસ છે…બે દિવસ પછી ધરતીકંપ આવશે અને આ આખું ગામ જમીનની અંદર ધ્વસ્ત થઈ જશે. કોઈ નહિ બચે…બે દિવસ પછી મોત તમને આંબી જશે.’ગામલોકો સાધુ મહારાજની આવી વાત સાંભળી ડરી ગયાં.

બધાનું એક સાથે મૃત્યુ નજીક હતું કોણ કોને આશ્વાસન આપે કે કોણ કોને સલાહ આપે કે કોણ કોને બચાવે ….બે દિવસ પછી આવનારા આભાસી મૃત્યુનો ઓછાયો બધાના મનમાં છવાયો કે હવે શું કરવું? ઘણાં ગામલોકો ડરી ગયાં અને મૃત્યુ બે દિવસ પછી આવવાનું હતું અને આજે જ રડવા લાગ્યાં. એક બીજાને ભેટી ભેટીને રડતાં રહ્યાં…સાધુ બોલ્યા, ‘મૃત્યુ તો બધાનું નિશ્ચિત જ છે, રડશો તો કંઈ દૂર નહિ જાય.’ઘણાં હાથમાં જે આવ્યું તે કિંમતી વસ્તુઓ લઈને ગામ છોડીને દૂર ભાગવાની તૈયારી કરવા લાગ્યાં. તેમને દોડાદોડ કરતાં જોઇને સાધુ મહારાજ હસ્યા અને બોલ્યા, ‘મૃત્યુ તો નિશ્ચિત જ છે. ભાગી ભાગીને કેટલા દૂર ભાગશો, તે તમને આંબી જ જશે.’

ઘણાં હસવા લાગ્યાં અને નાચવા લાગ્યાં…કે જે બે દિવસ છે આનંદથી જીવી લઈએ પછી જે થશે તે થશે. સાધુ મહારાજ તેમની સાથે નાચવા લાગ્યા અને બોલ્યા, ‘મૃત્યુ તો નિશ્ચિત જ છે. ખુશીથી સ્વીકારો કે દુઃખી થઈને, જેટલો સમય બચ્યો છે આનંદથી જીવી લો.’ઘણાં માણસો પોતાનાથી બનતાં સારાં કામો કરવા લાગ્યાં…પશુ પંખીને ખાવાનું આપ્યું…ગરીબોને જમાડ્યાં…બીમારોની સેવા કરવા લાગ્યા…સાધુ બોલ્યા, ‘કાશ, આ સારાં કામો પહેલેથી કર્યાં હોત ..પણ વાંધો નહિ, મૃત્યુ તો નિશ્ચિત જ છે પણ જાગ્યા ત્યારથી સવાર.

બે દિવસનાં કરેલાં સારાં કર્મો પણ તમારી સાથે આવશે ….’ઘણાં માણસો એકબીજા પાસે જઈને અત્યાર સુધી પોતાનાથી કંઈ ખોટું થયું હોય કે કંઈ કડવું બોલાયું હોય તો માફ કરજો એમ કહીને એકબીજાની માફી માંગવા લાગ્યાં.સાધુ બોલ્યા, ‘મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ જવા પહેલાં ખોટાં કર્મોની માફી માંગી સારી…’એક દ્રષ્ટાંત કથા છે અને છેલ્લે એક પ્રશ્ન છે કે ‘આપણને માત્ર દિવસ ખબર નથી પણ મૃત્યુ તો નિશ્ચિત જ છે તો તમે અહીંથી જવા પહેલાં શું કરવા માંગો છો ???’આ પ્રશ્નનો જવાબ શોધો અને આજથી જ તેના પર અમલ કરો.

Most Popular

To Top