Business

મૃત્યુ તું કવિતા છે!

બેટા…આજે મને ઠીક નથી લાગતું, તું આવી જાય છે?’ હજુ તો કેયૂર ઓફિસ પહોંચ્યો ત્યાં જ વિદ્યાબેનનો ફોન આવ્યો. ‘મમ્મી, શું થાય છે?’ ‘અસુખ લાગે છે.’ માની ઉંમર પંચાસી વર્ષ હોય, એકલી રહેતી હોય તો જોવા જવું જ પડે કે એને શું થયું છે. કેયુરે ઘરે ફોન કર્યો, ‘વિરાલી, ગામથી ફોન હતો, મમ્મીને બહુ સારું નથી. તું આવે છે મારી સાથે?’ ‘તમારે જાવું હોય તો જાવ…હું કાંઇ નવરી નથી.’ વિરાલીએ તોછડો જવાબ આપી દીધો. ‘સારું બાનો રૂમ તૈયાર રાખજે.’ કેયૂરે ફોન મૂકતાં નિ:સાસો નાખ્યો. અત્યારે પણ વિરાલી સમાધાન કરવા રાજી નથી. માણસ પાકટ ઉંમરે પહોંચે પછી લાગણી ન હોય તો સહાનુભૂતિ તો દાખવવી જોઇએ ને!

મમ્મી આખી જિદંગી એકલાં જ રહ્યાં. કદી કોઇ સુખ ન મળ્યું. કેયુરની મમ્મી વિદ્યાબેન એકની એક દીકરી. લાડકોડથી ઉછરી હતી. નાનકડાં ગામના ખમતીધર ખેડૂતને ત્યાં જન્મ. બીજો કોઇ વસ્તાર નહીં એટલે વિદ્યાનો ઉછેર લાડકોડથી થયો. પણ ગામના એક વેંઠલ છોકરાના પ્રેમમાં પડી. તે –બાપે કેટલી ય વારી પણ જીદ્દ કરી એની સાથે જ લગ્ન કર્યાં. પાંચ વર્ષ તો લગ્નજીવન સરસ રહ્યું. પણ પછી પેલો વંઠેલે વિદ્યાને છોડી દીધી. વિદ્યાના મા–બાપે ત્યકતાં દીકરી અને એના ચાર વર્ષના દીકરાંને સાચવી લીધા. વિદ્યા ભણી ન હતી એટલે ખેતી કામમાં બાપુને મદદ કરતી.

African Hut Yellow Africa Clipart

પણ મમ્મી જેટલી વટ વાળી તેથી ડબલ વિરાલી તોરવાળી છે. જરાક પણ નમતું ન જોખે. કેયુર બોસ પાસે રજા લેવા એમની ઓફિસમાં ગયો, ‘સર, મમ્મીની તબિયત બરાબર નથી. ગામથી ફોન આવ્યો હતો’ ‘યસ..યસ…યુ કેન ગો કેયુર. તને જરુર લાગે તો એક બે દિવસની રજા પણ પાડી દેજે.’ બોસ જેવા બોસ પણ કેયુરની પરિસ્થિતિ સમજે છે પણ વિરાલી નથી સમજતી. ફરી કેયુરને દુ:ખ થયું. કેયુરે પાર્કિંગમાંથી ગાડી કાઢી. ગામ જવાના રસ્તે જતાં નિશાળ આવી અને કેયુરને પોતાનું બાળપણ સાંભળ્યું. નાના એને ગાય દોહીને તાજું દૂધ પીવડાતા. મોટો લોટો લઇને ઊભા રહેતા.

‘લે…પી જા..જેટલું પિવાય તેટલું પી..’ કેયુર પીવાય તેટલું પીતો. પછી ખિસ્સામાં નાના કાજુ–બદામ ભરી દેતા અને સ્કૂલે મૂકી જતા. બપોરે રિસેસના સમયે રોટલો અને દાળ શાક લઇને નાના આવતા. કેયુરને જમાડીને જ ખેતર જતા. કેયૂર ભણીને શહેરમાં નોકરીએ લાગ્યો. ઘર લીધું અને વિદ્યાબેનને લઇ ગયો. પહેલી વાર દીકરાના ઘરમાં પગ મૂક્તા વિદ્યાબેનની આંખમાં હરખના આંસુ આવી ગયા. એણે સત્યનારાયણની કથા કરીને બધાંને જમાડ્યા. કેયુરને પરણ્યો તે જોઇને કેયુરના નાના–નાની ઈશ્વરને ઘેર ગયા. ગામનું ઘર બંધ કરીને વિદ્યાબેન કાયમ માટે કેયૂર સાથે રહેવા આવી ગયા. પણ તે પછી વિરાલીને વિદ્યાબેન સાથે વાંધો પડવા લાગ્યો.

એકને એક દીકરો અને વહુને બનતું ન હતું, તેથી છાશવારે ઝઘડાં થવા લાગ્યા. અને અંતે વિદ્યાબેન દીકરાંની માયા છોડી ગામનું ઘર ખોલી એકલાં રહેવા લાગ્યા. કેયુર અઠવાડિયે એકવાર અચુક ગામ જતો. વિદ્યાબાને જોતી કરાવતી વસ્તુ લઇ આપતો. કદીક કેયુરના દીકરાં–દીકરી પણ સાથે આવતાં. આમ તો કાયમ ગામડામાં રહ્યાં હતાં એટલે વિદ્યાબેનની તબિયત સારી રહેતી. આડોશ પાડોશી એમનું ધ્યાન રાખતાં. પણ ઉંમર થઇ તે પછી જરા નાની મોટી તબિયતની ફરિયાદ રહેતી. કેયૂરને કાયમ ચિંતા રહેતી, વિરાલી કદી બાનું ધ્યાન નથી રાખતી તો બા સાજી–માંદી થઇને પથારીવશ થઈ તો  એનું કોણ કરશે! કેયુર હજુ ગામના પાદર પહોંચ્યો ત્યાં ફરી ફોન આવ્યો, ‘તું આવે છે ને દીકરા?’ ‘હા..મમ્મી..બસ પહોંચવા જ આવ્યો છું.’ કેયૂર ગામ પહોંચ્યો ત્યારે વિદ્યાબેન બહાર ચોકડીમાં બેસીને વાસણ માંજતા હતા.

‘લે, બા તું તો કહેતી હતીને કે તને સારું નથી…ને તું કામ કરે છે?’ કેયૂર ગામમાં રહેતો હતો ત્યારે વિદ્યાબેનને બા કહેતો હતો. આજે એનાથી બા કહેવાય ગયું. ‘તું મને લઇ જવા આવ્યો છે તો ઘર તો સાફ કરીને આવું ને!’ કેયૂર પણ વિદ્યાબેનને મદદ કરવા લાગ્યો. વાસણ સાફ થઇ ગયા એટલે વિદ્યાબેન ફળિયું વાળવા લાગ્યા, ‘બા અત્યારે આ બધું સાફ કરવાની શી જરુર?’ કેયૂરે જોયું તો બા ઘરના બધાં રૂમ ફરીને બંધ કરતી હતી.‘કેયૂર બેટા….આ તારા નાનાની તિજોરી સાથે લઇ લે.’ કેયૂરે તિજોરી ગાડીમાં મૂકી. વિદ્યાબેન ગાડીમાં બેઠાં એટલે કેયૂરે ઘરનો દરવાજો બંધ કર્યો. ત્યાં એનું ધ્યાન ગયું,

‘બા તે કપડાંનો થેલો ન લીધો?’ ‘આ એક જોડ લીધા છે જો.ને….’ ‘અરે થેલો લઇ લે..ભીને કોરે પહેરવા કામ લાગશે.’ ‘ના..ભાઇ મારે હવે કેટલા દિવસ કાઢવાના?’ પછી કેયૂર કશું ન બોલ્યો. ગામના પાદર ગાડી પહોંચી ત્યાં વિદ્યાબેન બોલી પડ્યા, ‘જરાક વાર ઊભી રાખ તો ગાડી..’ કેયુરે ગાડી ઊભી રાખી. વિદ્યાબેને ગાડીની બારી ખોલીને પાદરની સામેનું તળાવ દેખાડ્યું, ‘તારા બાપુ પહેલીવાર મને ત્યાં જ મળ્યાં હતા. અમે સરખે સરખી બહેનપણીઓ અહિં પાણી ભરવા આવતી. તળાવમાં તરતા અને શેરડી, બોર, જાંબું વીણીને ખાતા.’

વિદ્યાબેને થોડી વાર સુધી બધું જોયા કર્યું. ‘લે..બેટા…હવે ગાડી ચલાવ.’ કેયુરે ગાડી હાઇ વે પર લીધી. એણે રિયર વ્યુ મિરરમાં જોયું તો વિદ્યાબેન સીટને અઢેલીને બેસી ગયાં હતાં. માના મોં પર કોઈ ભાવ ન હતો. જેમ વિરાલીને બા પસંદ નથી તેમ બાને પણ વિરાલી પસંદ ન હતી. બા બિચારી ન છૂટકે આવતી હશે. બાકી વહુને ગમતું ન હોય તે ઘર જતાં પગ કેમ ઉપડે. કેયૂર વિચારમાં મગ્ન હતો તેમાં રસ્તા પરના બમ્પ પર એનું ધ્યાન ન ગયું. એણે બ્રેક મારી તો પણ સહેજ ગાડી ઉછળી. એ સાથે જ વિદ્યાબેન સીટ પર ઢળી પડ્યા. કેયૂરે ગાડી સાઈડમાં લીધી અને વિદ્યાબેનને ઢંઢોળી જોયા પણ શ્વાસ બંધ થઇ ગયો હતો.  કેયુરએ મનોમન ભગવાનનો આભાર માની લીધો, ‘હે…ઈશ્વર મારી માને આવું સરસ મોત આપવા બદલ તારો રૂણી છું. દુનિયાની દરેક માને આવું મોત આપજે.’

Most Popular

To Top