નવી દિલ્હી: ઝારખંડ (Jharkhand) શહેરના બેંક મોડ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના શક્તિ મંદિર પાસે આવેલા આશીર્વાદ ટાવરમાં મંગળવારે સાંજે 6.30 કલાકે ટાવરના ત્રીજા માળે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ભીષણ આગ (Fire) લાગી હતી. થોડી જ વારમાં આગ એક ફ્લેટથી બીજા ફ્લેટમાં અને પછી 5 માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગના કારણે સમગ્ર બિલ્ડીંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત (Death) થયા છે. આ 14 લોકોમાં 10 મહિલાઓ, 3 બાળકો તેમજ 1 પુરુષનો સમાવેશ થાય છે. 24થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ઘણાં લોકો ટાવરમાં ફસાયા હોવાની જાણકારી મળી આવી છે. આગ ધીમે ધીમે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી હોવાની જાણ મળી આવી છે. જાણકારી મળતાની સાથે જ 20 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
જાણકારી મુજબ જે ઘરમાં આગ લાગી હતી, તેમના ઘરમાં લગ્ન હતા. 31 જાન્યુઆરીના રોજ સિદ્ધિ વિનાયક હોટલમાં પાર્ટી હતી, પરંતુ આગના કારણે ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો છે. આગ એટલી ગંભીર છે કે કેટલાક બચાવકર્મીઓ પણ દાઝી ગયા હતા. લોકોને બચાવતી વખતે એક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીકે સિંહ પણ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે સ્થાનિક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે બે દિવસ પહેલા શહેરના જ બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના હાજરા ક્લિનિકમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ પછી હવે આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ સિવાય સોમવારે ધનબાદથી પણ આગ લાગવાના સમાચાર મળી આવ્યાં હતાં. ધનબાદના કુમારધુબી માર્કેટમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આ આગ એક પછી એક અનેક દુકાનોમાં ફેલાઈ ગઈ. તેની પકડને કારણે 19 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી.
માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણવાની કામગીરી હજુ ચાલુ છે. દુકાનદારોએ જાતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. લોકોની દુકાનોમાં આગ લાગતાની સાથે જ સૌ પ્રથમ દુકાનદારોએ જાતે જ તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભયાનક હતી કે તે ઓલવાઈ જવાને બદલે વધુ ફેલાઈ ગઈ હતી.