અંકલેશ્વર: દિવાળી (Diwali) પર્વે બપોરના સમયે 2 મોટરસાઇકલ ચાલકો પૂરઝડપે ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગોલ્ડન બ્રિજની વચ્ચે બંને મોટરસાઇકલ સામસામે અથડાતાં (Accident) 5 લોકો રોડ ઉપર પટકાયા હતા, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત (Death) થયું હતું. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નવજીવન સ્કૂલ નજીક રહેતા મહેન્દ્ર વસાવા અને વિશાલ વસાવા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર તરફથી પૂરઝડપે મોટરસાઇકલ પર 3 સવારીમાં સવાર મુગેશ પટેલ, વિશાલ વસાવા અને અક્ષિત વસાવાની મોટરસાઇકલ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાતાં બંને મોટરસાઇલના ચાલકો અને સવારો ગોલ્ડન બ્રિજમાં રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા 24 વર્ષીય અક્ષિત વસાવાનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાન અંતરે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવતાં નર્મદા મૈયા બ્રિજ વાહનોથી ધમધમતો થતા જ ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર વિનાનો થયો છે. જેના કારણે કેટલાય ટુ વ્હીલર વાહનચાલકો પોતાનું વાહન ગોલ્ડન બ્રિજમાંથી પૂરપાટ ઝડપે હંકારીને પસાર થતા હોય છે. જેના પગલે અકસ્માતોની ઘટના થઈ રહી છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત હોય તો ગોલ્ડન બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
વાલિયાના ડહેલી નજીક વૃક્ષ સાથે ધડાકાભેર બાઇક અથડાતાં બે યુવાનનાં મોત
ભરૂચ: કાળી ચૌદસના દિવસે વાલિયા-ડહેલી રોડ પર ભુજીયા વડ પાસે મોખડી ગામના યુવાનોની બાઈક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં બે યુવકને કાળ ભરખી ગયો હતો. વાલિયા તાલુકાના મોખડી ગામના ઝાબા ફળિયામાં રહેતો પ્રત્યેક્ષ દિનેશ વસાવા મિત્ર વિપુલ વિજય વસાવા સાથે બાઈક નં.(જી.જે.૧૬, ડીએચ-૪૦૫૭) લઈ વાલિયા ખાતે કામ અર્થે આવ્યા હતા. તેઓ કામ પતાવી પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા. એ વેળા વાલિયા-ડહેલી રોડ પર ભુજીયા વડ પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બાઈકસવારો વૃક્ષ સાથે ભટકાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ તેઓએ દમ તોડી દીધો હતો. આ અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.