નવી દિલ્હી: લગભગ 3000 કાર (Car) લઈ જનાર માલવાહક જહાજમાં નેધરલેન્ડના દરિયાકાંઠે આગ લાગી ગઈ હતી. જેમાં એક ભારતીયની મોત તેમજ 20 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી સામે આવી છે. ઘટનામાં મોતને ભેટનાર ભારતીય જહાજમાં ક્રુનો સ્ભ્ય હતો. હાલ આ આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેથી મોટી હોનારત ટાળી શકાય. આ ઘટના પછી જહાજ ડૂબવાની ભીંતી પણ સેવાઈ રહી છે.
પનામાનાં જહાજમાં આગ
199 મીટર લાંબુ પનામેનિયન કાર્ગો શિપ ફ્રેમેન્ટલ હાઈવે જર્મનીથી ઈજિપ્ત જઈ રહ્યું હતું પરંતુ મંગળવારે રાત્રે નેધરલેન્ડના દરિયાકાંઠે આ જહાજમાં આગ લાગી હતી. નેધરલેન્ડમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે આ અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. દૂતાવાસે કહ્યું કે તે મૃતકના સંબંધીઓના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં મૃતદેહને ભારત મોકલવામાં આવશે. દૂતાવાસે કહ્યું કે તે અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોના પણ સંપર્કમાં છે અને તેમને કાર્ગો જહાજનું સંચાલન કરતી કંપની સાથે સંકલનમાં તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
16 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી
આ દુર્ઘટના ડચ દ્વીપ એમલેન્ડથી 27 કિલોમીટર દૂર સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ વેડન સી પાસે થઈ હતી. જે જગ્યાએ અકસ્માત થયો છે તે જગ્યા દુનિયાભરના પ્રવાસી પક્ષીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અકસ્માતની તસવીરોમાં જહાજમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કાર્ગો શિપ દ્વારા લઈ જવામાં આવી રહેલી 25 ઈલેક્ટ્રિક કારમાંથી કોઈ એકમાં આગ લાગી હોઈ શકે છે, જે ફેલાઈ ગઈ હતી અને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે, પરંતુ 16 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.
જહાજમાં વધુ પાણી ભરાવાને કારણે તેના ડૂબી જવાનો ભય પણ વ્યકત કરવામાં આવ્યો
એવું અનુમાન છે કે આગને ઓલવવામાં ઘણાં દિવસો લાગી શકે છે કારણ કે અત્યાર સુધી ફાયરના જવાનો જહાજમાં ચઢી શક્યા નથી અને માત્ર મશીનોની મદદથી પાણી વડે આગને બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે જહાજમાં વધુ પાણી ભરાવાને કારણે તેના ડૂબી જવાનો ભય પણ વ્યકત કરવામાં આવ્યો છે.