રાજ્યમાં કોરોના કાળમાં માતા- પિતા બન્ને કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને 18 વર્ષ સુધીની ઉંમર સુધી પ્રતિ માસ 4 હજારની સહાય અને 18 વર્ષથી ઉપર થાય તો 6 હજારની સહાય મળશે, તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જો કે તેમાં પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુ એવુ લખેલું હોવું જોઈએ, તેવી જોગવાઈ કરાઈ હતી. હવે સરકારે તેમાં ફેર વિચાર કરીને ‘કોરોનાથી મૃત્યુ એવું ના પણ લખ્યું’ હોય તો પણ સહાય મળવા પાત્રે રહેશે, તેમ નક્કી કરાયું છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે આ સહાય મેળવવા માટે માતા-પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું પ્રમાણપત્ર જરૂરી નહીં રહે. એટલે કે આવા પ્રમાણપત્રનો આગ્રહ રખાશે નહીં, તે રીતે ફેરફાર કરવા સરકાર આગળ વધી રહી છે.
સીએમ વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં બાલ સહાય યોજના જાહેર કરી હતી. જેમાં કોરોના ઉપરાંત અન્ય કોઈ રોગ હોય તો પણ બાળક અનાથ થઈ જતાં તેને સહાય મળવા પાત્ર રહેશે.
રાજ્યમાં 395 બાળકોએ કોરોનામાં માતા કે પિતા ગુમાવ્યા, તેમને પણ સહાય આપવા માંગણી
રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગ દ્વારા તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલા સોગંદનામા મુજબ ગુજરાતમાં 39 બાળકો એવા છે કે કોરોનાના કારણે અનાથ થઈ ગયા છે. જ્યારે અન્ય 395 બાળકોએ કોરોનામાં માતા કે પિતા બેમાંથી એકને ગુમાવ્યા છે. એવી પણ માંગથી રહી છે કે માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનાર બાળકોને પણ સહાય આપવી જોઈએ.