World

સુદાનની લડાઇ ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની: નાગરિકોનો મૃત્યુઆંક 97 થયો

ખાર્ટુમ: સુદાનમાં (Sudan) લશ્કર અને એક અર્ધલશ્કરી દળ વચ્ચેની લડાઇ (War) આજે ત્રીજા દિવસમાં પ્રવેશી હતી અને દેશની રાજધાની તથા અન્ય શહેરોમાં સુદાનીઝ લોકો તેમના ઘર તરફ રઘવાયા બનીને દોડી રહ્યા હતા અને મશીનગનો, ટેન્કો અને હવાઇ હુમલાઓ સાથે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં લડી રહેલા બંને જૂથો વચ્ચેની લડાઇમાં માર્યા ગયેલા નાગરિકોનો આંકડો સોમવારે ૯૭ પર પહોંચ્યો હતો.

  • અનેક મૃતદેહો રસ્તાઓ પર રઝળી રહ્યા હોવાથી ખરેખરો મૃત્યુઆંક ઘણો વધુ હોવાનો ભય
  • લશ્કર અને અર્ધલશ્કરી દળ વચ્ચેની આ લડાઇમાં સૈનિકોનો મૃત્યુઆંક તો જાહેર જ કરાયો નથી

લડી રહેલા બંને જૂથો વચ્ચેના સામાસામા ગોળીબાર અને તોપમારાની અડફેટે આવી જવાથી આ નાગરિકોનાં મોત થયા છે અને સુદાન ડોકટર્સ સિન્ડિકેટ નામની ડોકટરોની સંસ્થાના એક પદાધિકારીએ તો જણાવ્યું હતું કે આ આંકડો ઘણો ઉંચો હોઇ શકે છે કારણ કે ઘણા મૃતદેહો શેરીઓમાં રઝળી રહ્યા છે અને લડાઇઓ ચાલુ જ હોવાથી તે મૃતદેહો લેવા માટે કોઇ પહોંચી શકતું નથી. અને લડી રહેલા સૈનિકોમાંથી કેટલાના મોત થયા છે તે અંગે તો કોઇ સત્તાવાર આંકડો જાહેર થયો જ નથી.

અવદેયા મહેમૂદ કોકો નામની એક મહિલા, કે જે ચા વિક્રેતાઓના યુનિયનની પ્રમુખ છે તેણે જણાવ્યું હતું કે બધી બાજુએ બંદૂકબાજી અને તોપમારો ચાલી રહ્યા છે. એક ઘર પર તોપગોળો પડતા ત્રણ જણા માર્યા ગયા હતા. પાડોશીઓ તેમને સમયસર હોસ્પિટલ પણ લઇ જઇ શક્યા ન હતા અને પછી દફનાવવા પણ લઇ જઇ શક્યા ન હતા. ખાર્ટુમ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં ૮૮ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ લડાઇ ફાટી નિકળી ત્યારથી ફસાઇ ગયા હોવાનું એક વિદ્યાર્થીએ એક ઓનલાઇન વીડિયો મૂકીને જણાવ્યું હતું. આમ તો સુદાનને હિંસક લડાઇઓની નવાઇ નથી, ત્યાં અગાઉ અનેક વિગ્રહો થઇ ચુક્યા છે પરંતુ આ વખતની આવી લડાઇ તેના માટે પણ અભૂતપૂર્વ છે જેમાં લશ્કર અને અર્ધલશ્કરી દળ જ એકબીજા સાથે બાખડી રહ્યા છે.

Most Popular

To Top