મૃત્યુ એ માનવીની જિંદગીનું આખરી સનાતન સત્ય છે. જે જન્મે છે એ અવશ્ય મૃત્યુ પામે જ છે. એ સમગ્ર સજીવ અજરામર નથી જ, મોડું- વહેલું મૃત્યુ એને અવશ્ય તેડી જાય છે! મારી દૃષ્ટિએ યથા યોગ્ય સમયનું મૃત્યુ શોકને લાયક ન હોય, મૃતકે લીલી વાડી જોઈ હોય, માણી હોય અને સ્વસ્થતાપૂર્વક મૃત્યુ પામ્યા હોય તો શોક કે માતમ પાળવો અનુચિત લેખાય. પરંતુ ભરયુવાનીમાં નાની વયની પત્ની અને સંતાનોને અચાનક છોડી જનાર મૃતક જે યુવાન હોય એનો શોક અવશ્ય હોય. ઇશ્વરે સમય નામનો મલમ ખૂબ અસરકારક બનાવ્યો છે. જે ઘણાં ખરા દુ:ખથી મુક્તિ અપાવે છે. ઘણાં વૃદ્ધો બિમારીને કારણે વર્ષો સુધી પથારીવશ, પરાધીનતા અનુભવતા હોય છે. પરિવારજનોની ચાકરી લેતાં પણ એમને સંકોચ થતો હોય છે પણ માંદગી પાસે લાચાર હોય છે.
સ્વયં પાણી પણ લેવા કે પીવા સક્ષમ હોતા નથી અને મનોમન મૃત્યુની યાચના કરતા હોય છે પ્રભુ પાસે. એમનું મૃત્યુ પણ આ લખનારની દૃષ્ટિએ યોગ્ય જ ગણાય. તંદુરસ્ત શરીર એ સુખી જીવનનું પ્રથમ સોપાન છે પણ કાયા જ સાથ ન આપતી હોય, બિમારીને કારણે એ જીવન બોજ બની જાય છે. વ્યવહારુ દૃષ્ટિએ પરિવારજનો પણ પથારીવશ! વ્યક્તિથી મનોમન કંટાળતા હોય છે. કયારેક કોમમાં સરી ગયેલા વ્યક્તિ પણ પરિવારજનો માટે કોયડો બની જતી હોય છે.અપવાદ સર્વત્ર હશે જ. પહેલું સુખ તે જાતે નર્યા પણ એને માટે પણ વધતી જતી વયે નસીબ જોઈએ. આજે દવાઓના સંશોધનને કારણે માનવીની વયમર્યાદા વધી છે. સાથે રોગ પણ વધ્યા છે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શેરીમાં મળી રહેતી સગવડો
સુરતની વસતી ઘણી ઓછી હતી અને શેરી મહોલ્લામાં વસતાં સુરતીઓને ઘણી બધી સગવડો અને સેવાઓ ઘર બેઠાં મળતી હતી. પહેલાંના સમયમાં પિત્તળનાં વાસણોમાં રસોઈ બનતી હતી.તે વાસણને કલાઈ કરવા માટે શેરીમાં કલાઈ કરવાવાળો આવતો હતો જે ઘર બેઠા વાસણને કલાઈ કરી આપતો. સંયુક્ત પરિવારમાં વાસણો ઘણાં હોવાથી સુરતીઓ વાસણ પર નામ લખાવતાં હતાં.જે નામ લખવાવાળા ઘરે આવીને નામ લખી આપતા હતા.પહેલાંના સમયમાં તેલના ડબ્બા પર ઢાંકણું લગાવી વાપરવા લાયક ડબ્બા બનાવવાવાળા મળી રહેતા. સંયુક્ત પરિવારનાં લોકોના બુટ ચંપલ રીપેર કરવા માટે મોચી શેરીઓમાં આવતા હતા.
ઘરે ઘરે માળીઓ પૂજા માટે ફુલપાંતરી નાંખવા આવતા હતા. દૂધવાળા તાંબડામાં તાજું દૂધ વેચવા આવતા હતા. આજુ બાજુના ગામની બહેનો દહીં છાસ વેચવા આવતી હતી. પિંજારા ઘર બેઠાં જૂનું રૂ પીંજી ગાદલા બનાવી આપતા હતા.વડીલોના વાળ કાપવા નાઈ ઘરે આવતા હતા.લોન્ડ્રિવાળા ઘરે આવીને ધોવાના અને ઈસ્ત્રી કરવાનાં કપડાં લઈ જતા હતા.ચપ્પુ અને કાતર ઘસવાવાળા સાયકલ પર ઘસવાનું મશીન લઈને આવતા હતાં.નાની છોકરીઓના નાક અને કાન વીંધવાવાળા આવતા હતા અને મેડિકલ ઇમરજન્સીમાં ફેમિલી ડોકટર ઘરે વિઝિટે આવી 108 ની સેવા બજાવતા હતા.એવી ઘણી સગવડો અને સેવાઓ શેરીઓમાં ઘરે બેઠા મળી રહેતી હતી.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.