એક દિવસ ભગવાન મહાવીર ધ્યાનમાં લીન હતા.તેમના શિષ્યો અને સાધકો તેમની આજુબાજુ બેસી તેમના મુખ પરનું તેજ અને શાંતિ જોઇને અનોખી શાંતિ અનુભવતા હતા.થોડી વાર બાદ મહાવીર પ્રભુએ આંખો ખોલી;બધાએ પ્રણામ કર્યા અને પ્રભુએ સ્મિત સાથે તેનો સ્વીકાર કર્યો. એક સાધકે મહાવીર પ્રભુને પૂછ્યું, ‘પ્રભુ, ઘરે માતા બહુ બીમાર છે.શું તેમનું મૃત્યુ નજીક છે? અને તેઓ પરમ તપસ્વી છે તો શું તેમને મોક્ષ મળશે?’ ભગવાન મહાવીરે કહ્યું, ‘વત્સ, મૃત્યુ બધાનું નિશ્ચિત જ છે અને મોક્ષ કોને મળશે તે તો દરેક મનુષ્યના મનની સ્થિતિ અને કર્મ પર આધાર રાખે છે.’
બીજા સાધકે પૂછ્યું, ‘પ્રભુ મૃત્યુ અને મોક્ષ બે વચ્ચે શું ફરક છે તે જરા સમજાવશો.’ ભગવાન મહાવીરે સુંદર જવાબ આપ્યો, ‘મૃત્યુ દરેકનું ઈશ્વરે નક્કી કરેલું છે અને તે બધાનું થવાનું જ છે.જે ગણતરીના શ્વાસ આપણને મળ્યા છે તે શ્વાસ પૂરા થઈ જાય અને આ શરીર નિશ્ચેતન બની જાય એટલે મનુષ્ય મૃત્યુ પામે અને જયારે શ્વાસ પૂરા થાય અને મનુષ્ય મૃત્યુ પામે ત્યારે તેના મનમાં જો ઈચ્છાઓ બાકી રહી જાય તો તે તેના શરીરનું મરણ થાય છે, પણ મનને મોક્ષ મરણ બાદ પણ મળતો નથી.’ અન્ય સાધકે પૂછ્યું, ‘મરણ બાદ મોક્ષ મળે તે માટે પ્રભુ શું કરવું જોઈએ?’
ભગવાન મહાવીર હસ્યા અને બોલ્યા, ‘વત્સ,હું તો કહું છું કે જો ભગવાને આપેલા શ્વાસ બાકી હોય પરંતુ મનમાં રહેલી બધી ઈચ્છાઓ પૂરી થઇ જાય તો તો જીવતે જીવત મોક્ષ મળી જાય, તેના માટે મૃત્યુની રાહ જોવાની પણ જરૂર નથી.જો મનમાં કોઈ ઇચ્છાઓ ન રહે તો મરણ પહેલાં જ મોક્ષ મળી જાય છે.મનમાં કોઈ વિષે કોઈ નકારાત્મક ગ્રંથી ન હોય અને જો કોઈ ઈચ્છા લાલસા બાકી ના હોય તો આજે જ મોક્ષ છે અને અનેક તપ બાદ મૃત્યુ આવે પણ મૃત્યુ સમયે મનના છાના ખૂણે જો કોઈ નાની ઈચ્છા પણ બાકી રહી જાય તો શરીરનું મૃત્યુ થશે પણ જીવને મોક્ષ નહિ મળે.
તેને જન્મમરણના ફેરામાંથી મુક્તિ નહિ મળે.’ પહેલા સાધકે પૂછ્યું, ‘પ્રભુ, માતાને મુક્તિ અને મોક્ષ મળે તે માટે શું કરું?’ ભગવાન મહાવીરે કહ્યું, ‘વત્સ, મોક્ષ મેળવવા માટે જીવે પોતે જ મન ઈશ્વરમાં પરોવી ઈચ્છારહિત અને શાંત કરવું પડે એમાં અન્ય કોઈ કંઈ ન કરી શકે.હા, પુત્ર તરીકે તું તેમની કોઈ ઈચ્છા બાકી છે તે પૂછી પૂરી કરવાની કોશિશ કરી શકે અને તેમના માટે પ્રાર્થના કરી શકે. દરેક જીવની ગતિ તેના જીવેલા જીવન અને તેની મનની સ્થિતિ પર અવલંબે છે.’ ભગવાન મહાવીરે સરળ શબ્દોમાં ગહન સમજ આપી.